ગુજરાતના લોકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં તેજ પવન અને વીજળીના કડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે. જોકે, વરસાદની સાથે-સાથે ભેજનું પ્રમાણ વધવાના કારણે લોકોને અસહ્ય ઉકળાટ અને બફારાનો સામનો પણ કરવો પડશે.
બે શક્તિશાળી સિસ્ટમ થઈ સક્રિય
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હાલમાં મધ્ય પાકિસ્તાન અને દક્ષિણ રાજસ્થાનની આસપાસ એક શક્તિશાળી ‘સાયક્લોનિક સર્ક્યુલેશન’ સક્રિય થયું છે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર પર ‘વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ’ પણ એક્ટિવ છે. આ બે મોટી હવામાન સિસ્ટમના સંયુક્ત પ્રભાવના કારણે અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો ગુજરાત તરફ આવી રહ્યા છે, જે વરસાદી માહોલને વધુ મજબૂત બનાવી રહ્યા છે. આ પ્રિ-મોન્સૂન એક્ટિવિટીના કારણે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે.













