ગુજરાતમાં ચોમાસાની ઋતુ દરમિયાન અત્યાર સુધીમાં મોસમનો સરેરાશ 69.36 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યના જુદા જુદા ઝોનમાં વરસાદમાં મોટો તફાવત જોવા મળી રહ્યો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ મન મૂકીને વરસતા સૌથી વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભારે વરસાદની રાહ જોવાઈ રહી છે.

દક્ષિણ ગુજરાતમાં મોસમનો સૌથી વધુ 95.74 ટકા વરસાદ 

ઝોનવાઇઝ વરસાદની ટકાવારી પર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં મોસમનો સૌથી વધુ 95.74 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ સિવાય મધ્ય ગુજરાતમાં 65.75 ટકા, સૌરાષ્ટ્રમાં 54.47 ટકા અને ઉત્તર ગુજરાતમાં 51.16 ટકા વરસાદ થયો છે. 

કચ્છ ઝોનમાં રાજ્યનો સૌથી ઓછો માત્ર 29.05 ટકા વરસાદ 

બીજી તરફ, કચ્છ ઝોનમાં રાજ્યનો સૌથી ઓછો માત્ર 29.05 ટકા વરસાદ નોંધાયો છે, જેના કારણે ત્યાં પાણીની વિમાસણ ઊભી થવાની શક્યતા છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક 

જિલ્લાવાર પરિસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં અત્યાર સુધીમાં સૌથી ઓછો માત્ર 6.24 ટકા વરસાદ જ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના પાંચ તાલુકાઓ એવા છે જ્યાં મોસમનો 10 ટકા વરસાદ પણ થયો નથી. સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો હવે આગામી દિવસોમાં સારા વરસાદી રાઉન્ડની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. 


આ પણ વાંચો  :  Gir Somnath પોલીસ બેડામાં ખળભળાટ, હોટલ જુગાર રેડમાં 5 લાખના તોડકાંડ મુદ્દે બે PSI સસ્પેન્ડ