ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ચાલી રહેલી મેઘરાજાની તોફાની અને ધમાકેદાર બેટિંગ બાદ આજે વરસાદે આંશિક વિરામ લીધો છે. સતત વરસી રહેલા મુશળધાર વરસાદ અટકતાં સ્થાનિક રહીશો અને વહીવટી તંત્રે રાહતનો શ્વાસ લીધો છે.
દરિયાકાંઠે કુદરતનું રૌદ્ર સ્વરૂપ
જો કે, વરસાદ ભલે ધીમો પડ્યો હોય પરંતુ ગીર સોમનાથના દરિયાકાંઠે કુદરતનું રૌદ્ર સ્વરૂપ હજુ પણ યથાવત જોવા મળી રહ્યું છે. વેરાવળ અને પવિત્ર યાત્રાધામ સોમનાથનો અરબી સમુદ્ર હાલમાં સંપૂર્ણપણે ગાંડોતૂર બન્યો છે, જેના કારણે કિનારાના વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
દરિયામાં મહાકાય અને ઊંચા મોજા
હવામાનમાં આવેલા પલટા અને સમુદ્રમાં સર્જાયેલા ભારે કરન્ટના કારણે દરિયામાં મહાકાય અને ઊંચા મોજા ઉછળી રહ્યા છે. દરિયાની આ ભયજનક સ્થિતિને જોતા વહીવટી તંત્ર અને બંદર સત્તાધિશો દ્વારા તાકીદના પગલાં લેવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગરૂપે વેરાવળ બંદર પર 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. આ સિગ્નલ દર્શાવે છે કે દરિયામાં ભારે તોફાન અને કરન્ટ છે, જે કોઈપણ નાની-મોટી બોટ કે વહાણ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
માછીમારો માટે કડક આદેશ જાહેર
દરિયાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફીશરીઝ વિભાગ અને સ્થાનિક પ્રશાસન દ્વારા માછીમારો માટે કડક આદેશ જાહેર કરવામાં આવ્યા છે. તમામ માછીમારોને આગામી સૂચના ન મળે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં દરિયો ન ખેડવા માટે સખત ચેતવણી આપવામાં આવી છે. જે માછીમારો દરિયામાં હતા તેમને તાત્કાલિક અસરથી કિનારે પરત બોલાવી લેવાયા છે અને તમામ બોટોને વેરાવળ બંદર પર સુરક્ષિત રીતે લાંગરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા દરિયાકાંઠાના પ્રવાસીઓ અને સ્થાનિક લોકોને પણ સોમનાથ ચોપાટી અને દરિયાની નજીક ન જવા માટે અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યમાં સવારે 8 થી 11 વાગ્યા સુધી ભારે વરસાદનું એલર્ટ, 41 થી 61 કિમી ઝડપે પવન ફૂંકાશે