સાબરકાંઠા જિલ્લામાં વહેલી સવારથી શરૂ થયેલા ભારે પવન સાથેના તોફાની વરસાદને પગલે સમગ્ર પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસી રહેલા વરસાદના કારણે જિલ્લાની મુખ્ય નદીઓ અને જળાશયોમાં પૂરના નવા નીર આવ્યા છે. અતિભારે વરસાદ વચ્ચે ઈડરની ડેભોલ નદીમાં ઘોડાપૂર આવતાં એક કાર તણાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે. ભારે પૂરને લીધે ઈડર-વલાસણા હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે માર્ગ અને મકાન વિભાગની કચેરી પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.

ભારે વરસાદથી હાથમતી વિયર સંપૂર્ણપણે ઓવરફ્લો

જિલ્લામાં જળસંપત્તિની સ્થિતિ જોઈએ તો, હિંમતનગર અને પ્રાંતિજ પંથકમાં પડેલા ભારે વરસાદથી હાથમતી વિયર સંપૂર્ણપણે ઓવરફ્લો થયો છે અને હાથમતી નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે.

યુવક પાણીના પ્રવાહમાં તણાયો 

બીજી તરફ પ્રાંતિજ અને તલોદ વિસ્તારમાંથી પસાર થતી ખારી નદીમાં મોસમમાં પ્રથમ વખત નવા નીર આવ્યા છે. નદી બે કાંઠે વહેતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદની લહેર છવાઈ ગઈ છે. જોકે, અણધારી આફત વચ્ચે પ્રાંતિજના સાંપડ ગામ પાસે સાબરમતી નદીમાં માછલી પકડવા ગયેલો એક યુવક પાણીના પ્રવાહમાં તણાયો હોવાની આશંકા વ્યક્ત કરાઈ છે. પ્રાંતિજ ફાયર બ્રિગેડ દ્વારા છેલ્લા 15 કલાકથી લાપતા યુવકની રેસ્ક્યૂ કામગીરી હાથ ધરવામાં આવી છે.

https://www.instagram.com/reel/DbfgiKLlJav/?utm_source=ig_web_button_share_sheet   


ઈડર અને વડાલી પંથકમાં મેઘરાજાએ જબરદસ્ત ઈનિંગ્સ રમી

બીજી તરફ, ઈડર અને વડાલી પંથકમાં મેઘરાજાએ જબરદસ્ત ઈનિંગ્સ રમી છે. ભારે વરસાદ સાથે ઈડરિયા ગઢના ડુંગરો કાળાડીબાંગ વાદળોથી ઘેરાઈ જતાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું અને આહ્લાદક દ્રશ્યો સર્જાયા હતા. જોકે, નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર જળભરાવ વધતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. તંત્ર દ્વારા પરિસ્થિતિની ગંભીરતા જોઈને લોકોને નીચાણવાળા વિસ્તારો તેમજ નદી-નાળાની નજીક ન જવા ખાસ તાકીદ કરવામાં આવી છે.  


 આ પણ વાંચો  :    Gujarat Latest News Live : સાચવજો, ગુજરાતના 17 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી