ભારે વરસાદને પગલે સુરત શહેરમાં સર્જાયેલી ખાડીપૂરની સ્થિતિ હવે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. શહેરના અનેક વિસ્તારોમાં ખાડીના પાણી ફરી વળતાં હજારો નાગરિકો મુશ્કેલીમાં મુકાયા છે. આ જળસંકટ વચ્ચે સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ સુરત મહાનગરપાલિકા ના તંત્ર અને અધિકારીઓ સામે મોરચો ખોલી દીધો છે. કાનાણીએ આકરા શબ્દોમાં આક્ષેપ કર્યો છે કે, સુરતમાં ખાડીપૂરની જે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, તે કુદરતી આફત કરતાં વધુ તંત્રના પાપ અને નિષ્ક્રિયતાનું પરિણામ છે.
ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ કામગીરી જોવા મળતી નથી
ધારાસભ્ય કુમાર કાનાણીએ મીડિયા સમક્ષ મનપાની કામગીરીની પોલ ખોલતા જણાવ્યું હતું કે, સુરત પાલિકાના અધિકારીઓ માત્ર કાગળ પર જ મોટા-મોટા પ્લાન બનાવે છે, પરંતુ ગ્રાઉન્ડ ઝીરો પર કોઈ કામગીરી જોવા મળતી નથી. આયોજન વગર કામ કરવાના કારણે દર વર્ષે જનતાએ ભોગવવું પડે છે.

ગેરકાયદેસર દબાણો હટાવવા તંત્ર નિષ્ફળ
તેમણે વધુમાં જણાવ્યું કે, ખાડીની આજુબાજુ મોટાપાયે ગેરકાયદેસર દબાણો થઈ ગયા છે, જેને હટાવવામાં તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે. આ દબાણોના કારણે જ ખાડીઓ ઓવરફ્લો થાય છે અને પૂરના પાણી રહેણાંક વિસ્તારોમાં ઘૂસી જાય છે.
મનપાનું તંત્ર ક્યાંય દેખાતું નથી
પાલિકાના વલણ સામે નારાજગી વ્યક્ત કરતા કાનાણીએ ઉમેર્યું કે, જ્યારે જનતા મુશ્કેલીમાં હોય છે ત્યારે મનપાનું તંત્ર ક્યાંય દેખાતું નથી. ગઈકાલે પણ પૂરના પાણીમાં ફસાયેલા લોકોની મદદે મનપાના કોઈ અધિકારી નહોતા આવ્યા, પરંતુ અમારા સ્થાનિક કાર્યકરો અને જનતાએ સાથે મળીને લોકોને રેસ્ક્યુ કર્યા હતા અને ભોજનની વ્યવસ્થા કરી હતી.
પ્રી-મોન્સૂન કામગીરીને લઈને સવાલો
ધારાસભ્યના આ આકરા પ્રહારોથી સુરત મનપાના વહીવટી તંત્રમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. જનતામાં પણ તંત્રની પ્રી-મોન્સૂન કામગીરીને લઈને સવાલો ઉઠી રહ્યા છે. એકતરફ લોકો પૂરથી પરેશાન છે, ત્યારે બીજી તરફ સત્તાધારી પક્ષના જ ધારાસભ્યના આ નિવેદને સુરતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : સુરત શહેરમાં ખાડી પૂરથી ગંભીર સ્થિતિ, ડ્રોન કેમેરામાં પૂરના આકાશી દ્રશ્યો કેદ