દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને અવિરત વરસી રહેલા મુશળધાર વરસાદને પગલે નદી-નાળાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ રહી છે. સુરત જિલ્લાની મહત્વની ગણાતી કિમ નદીમાં પાણીની ભારે આવક થતાં તે બે કાંઠે વહેતી થઈ છે. ચાલુ ચોમાસાની સીઝનમાં આ પ્રથમવાર બન્યું છે જ્યારે કિમ નદી પોતાના બંને કાંઠા ઓળંગીને રૌદ્ર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.
નદીમાં પાણીની સપાટી સતત વધી
ઉપરવાસના વિસ્તારો અને કેચમેન્ટ એરિયામાં પડેલા ભારેથી અતિભારે વરસાદના કારણે નદીમાં પાણીની સપાટી સતત અને ઝડપથી વધી રહી છે, જેને પગલે કાંઠાના વિસ્તારોમાં હાઈ એલર્ટ જેવો માહોલ સર્જાયો છે.
માંગરોળ નજીક આવેલા બ્રિજ સુધી પાણી પહોંચી ગયું
નદીમાં આવેલા ઘોડાપૂરના કારણે માંગરોળ નજીક આવેલા બ્રિજ સુધી પાણી પહોંચી ગયા છે. આ ઉપરાંત, મોટા બોરસરા હાઈબ્રેરલ બ્રિજ નજીક પણ નદીના પાણી ટચ થઈ જતાં વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવી ગયું છે.
https://youtu.be/2WxETvXWSdQ
પોલીસ અને સ્થાનિક પ્રશાસન એલર્ટ
નદીની સપાટીમાં થઈ રહેલા સતત વધારાને જોતાં આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકોની સુરક્ષા માટે પોલીસ અને સ્થાનિક પ્રશાસન દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરિસ્થિતિ વધુ વણસે તો વાહનવ્યવહાર ડાયવર્ટ કરવાની પણ તૈયારીઓ કરી લેવામાં આવી છે.
નીચાણવાળા ભાગમાં વસતા તમામ ગામડાઓને સાવચેત રહેવા સૂચના
કિમ નદીમાં આવેલા પૂરને પગલે નદી કિનારે આવેલા અને નીચાણવાળા ભાગમાં વસતા તમામ ગામડાઓને સાવચેત રહેવા કડક સૂચના આપવામાં આવી છે. તંત્ર દ્વારા ગ્રામ પંચાયતો અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમોને ખડેપગે રાખવામાં આવી છે, જેથી કોઈપણ કટોકટીની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડી શકાય. સ્થાનિક રહીશોને નદી કિનારે સેલ્ફી લેવા કે અવરજવર ન કરવા સખત અપીલ કરવામાં આવી છે. ઉપરવાસમાં હજુ પણ વરસાદનું જોર યથાવત હોવાથી આગામી કેટલાક કલાકો કિમ નદીના તટ માટે અત્યંત નાજુક માનવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : બપોરે એક વાગ્યા સુધી ઉત્તર, દક્ષિણ, મધ્ય ગુજરાતમાં 21 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ