દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સતત મહેરબાન થઈ રહ્યા છે, ત્યારે સુરત શહેર અને જિલ્લામાં ફરી એકવાર વરસાદે માઝા મૂકી છે. વહેલી સવારથી જ શરૂ થયેલા અવિરત વરસાદના કારણે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન અને વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે.

ભેદવાડ ખાડીના પાણી ભયજનક રીતે ઓવરફ્લો 

સુરત શહેરમાં થઈ રહેલા ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. બામરોલી વિસ્તારમાં આવેલા ભેદવાડ ખાડીના પાણી ભયજનક રીતે ઓવરફ્લો થઈને આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. ખાડીના પાણી ફરી વળતાં લક્ષ્મી એપાર્ટમેન્ટની ચારેય તરફ ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. પાણી ભરાવાને કારણે શાળાએ જતા બાળકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ટ્રેક્ટરની મદદ લેવી પડી હતી અને બાળકોને ટ્રેક્ટરમાં બેસાડીને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા. દર વર્ષે ચોમાસામાં સર્જાતી આ વિકટ સમસ્યા અને તંત્રની બેદરકારીને લઈને સ્થાનિક રહીશોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

કડોદરાથી સુરત તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ

સુરતમાં હાઈવે અને ઇન્ડસ્ટ્રીઝ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદે દબાણોના કારણે જળબંબાકારની ગંભીર સ્થિતિ સર્જાઈ છે. અવિરત વરસાદને પગલે કડોદરાથી સુરત તરફ જતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જ્યારે હરિપુરા પાટિયા પાસે ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર તદ્દન ઠપ થઈ ગયો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે માર્ગો જળમગ્ન થતાં મહાનગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા છે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં તંત્રની સંપૂર્ણ નિષ્ફળતા છતી થતાં સ્થાનિક રહીશો અને રાહદારીઓમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઉધના-નવસારી રોડ તેમજ ભટાર રોડ પર વરસાદી પાણી ફરી વળ્યા

શહેરના મહત્વના ગણાતા ઉધના-નવસારી રોડ તેમજ ભટાર રોડ પર વરસાદી પાણી ફરી વળતાં રસ્તાઓ જળબંબાકાર બની ગયા છે. અનેક જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાઈ જવાથી વાહનચાલકો ભારે મુશ્કેલી વચ્ચે પસાર થવા મજબૂર બન્યા હતા. કેટલાક વાહનો પાણીમાં બંધ પડી જતાં લોકોને હાલાકી ભોગવવી પડી હતી.

ગ્રામ્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ 

બીજી તરફ, સુરત જિલ્લાના ઓલપાડ, માંગરોળ સહિતના ગ્રામ્ય તાલુકાઓમાં પણ સાર્વત્રિક વરસાદી માહોલ જામ્યો છે. ખેતરોમાં પાણી આવતાં અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં ખુશીની લહેર દોડી ગઈ છે. સતત થઈ રહેલી આ મેઘમહેરથી પાકને નવું જીવન મળતાં ધરતીપુત્રોમાં આનંદનો માહોલ છવાયો છે.

Severe Rain Hits Surat Again: Waterlogging on Udhna Road, Farmers Rejoice

સુરત શહેર અને જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર 

સુરત શહેર અને સમગ્ર જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સુરત શહેર અને જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. સતત વરસી રહેલા વરસાદને કારણે અઠવાલાઇન્સ જેવા મુખ્ય વિસ્તારો સહિત શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા છે. અઠવાલાઇન્સ સ્થિત સાયબર પોલીસ સ્ટેશન બહાર પણ ગોઠણસમા પાણી ભરાઈ જતાં ભારે મુશ્કેલી સર્જાઈ છે.

Severe Rain Hits Surat Again: Waterlogging on Udhna Road, Farmers Rejoice

વરસાદના આ પ્રારંભિક તબક્કે જ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલી પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. પાલિકાના ડ્રેનેજ અને પાણીના નિકાલ અંગેના મોટા દાવાઓ પોકળ સાબિત થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અને વાહનચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. 

https://www.instagram.com/reel/DbCwojJDepB/?utm_source=ig_web_button_share_sheet          




ભારે વરસાદથી બમરોલી ખાડી ઓવરફ્લો


સુરત શહેરમાં પડી રહેલા મુશળધાર વરસાદને કારણે નદી-નાળા અને ખાડીઓ છલકાઈ ગઈ છે. વરસાદી પાણીની ભારે આવક થતાં બમરોલી ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે. ખાડીના પાણી ભયજનક સપાટી વટાવીને આસપાસના રસ્તાઓ પર ફરી વળ્યા છે, જેના કારણે સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. ખાડીના પાણી ફરી વળતાં મુખ્ય બમરોલી-અલથાણ રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેથી વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. આ ઉપરાંત, ખાડી કિનારે આવેલી ક્રિકેટ સ્પોર્ટ્સ એકેડેમીમાં પણ પાણી ભરાઈ જતાં તે સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગઈ છે. ખાડી ઓવરફ્લો થવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.




આ પણ વાંચો     :    Sandesh Digital Explainer : ઊંઝાના જીરા અને વરિયાળીને મળ્યો GI ટેગ, ગુજરાતના કેટલા ઉત્પાદનોને મળ્યો GI ટેગ? વાંચો રસપ્રદ માહિતી