સુરેન્દ્રનગર જિલ્લાના ઝાલાવાડ પંથકમાં અનરાધાર વરસી રહેલા સાબેલાધાર વરસાદે તારાજી સર્જી દીધી છે. જિલ્લાના લખતર તાલુકામાં માત્ર 8 કલાકમાં જ 8 ઈંચ જેટલો મુસળધાર વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકારની વિષમ સ્થિતિ સર્જાઈ છે. સતત વરસી રહેલા પાણીને કારણે લખતર પોલીસ સ્ટેશન તેમજ PGVCL કચેરીમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. આ સિવાય ધ્રાંગધ્રા અને મૂળીમાં પણ 5-5 ઈંચ વરસાદ નોંધાતાં નીચાણવાળા રહેણાંક વિસ્તારોમાં પાણી ભરાતા લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.

લીંબડી-સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવે તેમજ ચુડા-લીંબડી-ગોખરવાળા માર્ગ સંપૂર્ણપણે બંધ 

સ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખી તંત્ર દ્વારા લીંબડી-સુરેન્દ્રનગર સ્ટેટ હાઇવે તેમજ ચુડા-લીંબડી-ગોખરવાળા માર્ગ સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે. સમલા અને રઈ સાંકળી પાસે રસ્તા પર પૂરના પાણી ફરી વળ્યા છે, જ્યારે વાંસળ નદી ઓવરફ્લો થતાં વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો છે. 

Heavy Rain in Surendranagar: Lakhtar Submerged Under 8 Inches, Highway Closed

વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો વાપરવા ખાસ અપીલ કરાઈ

તંત્ર દ્વારા વાહનચાલકોને વૈકલ્પિક માર્ગો વાપરવા ખાસ અપીલ કરાઈ છે. મામલતદાર સહિત પોલીસ કાફલો સ્થળ પર તૈનાત રહી જોખમી કોઝવે પાર ન કરવા લોકોને તાકીદ કરી રહ્યો છે.

અતિભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા

અતિભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે. લખતરનો સરાઘડા ડેમ સંપૂર્ણ છલકાઈ જતાં પૂરના પાણી હાઈવે અને ખેતરોમાં ફરી વળ્યા છે, જેનાથી તલવણી અને અણિયારી ગામોને એલર્ટ કરાયા છે. 

Heavy Rain in Surendranagar: Lakhtar Submerged Under 8 Inches, Highway Closed

ગામોનો તાલુકા મથકથી સીધો સંપર્ક કરાયો

આ ઉપરાંત ઉમય (ઉમઇ) નદી ગાંડીતૂર બનતાં સદાદ, ઇંગરોળી, મોઢવાણા, બજરંગપુરા, લીલાપુર, ઢાંકી અને ભડવાણા જેવા ગામોનો તાલુકા મથકથી સીધો સંપર્ક તૂટી ગયો છે. વઢવાણનું દેદાદરા ગામ પણ ખરખરિયા અને ઉમઇ નદીના પૂરના કારણે સંપર્ક વિહોણું બન્યું છે. બજરંગપુરાનું તળાવ તૂટવાની ધાર પર હોવાથી ગ્રામજનોએ સચેત બની પાળા બાંધવાની ફરજ પડી છે. 


  આ પણ વાંચો :    Gujarat Latest News Live : સાચવજો, ગુજરાતના 17 જિલ્લામાં બપોરે 4 વાગ્યા સુધી રેડ એલર્ટ, અત્યંત ભારે વરસાદની આગાહી