વલસાડ જિલ્લામાં અને ઉપરવાસમાં વરસેલા અતિભારે વરસાદને કારણે ઔરંગા નદીએ 10 વર્ષ બાદ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઔરંગા નદી ભયજનક સપાટી વટાવી જતાં તેના પૂરના પાણી વલસાડ શહેરમાં ઘૂસી ગયા છે અને સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો છે. વાપીમાં છેલ્લા 24 કલાકમાં 16.2 ઇંચ જેટલો ખાબકેલો અનરાધાર વરસાદ સમગ્ર જિલ્લામાં કહેર વર્તાવી રહ્યો છે.
છીપવાડ વિસ્તારમાં 9 ફૂટથી વધુ પાણી
વલસાડના છીપવાડ વિસ્તારમાં 9 ફૂટથી વધુ જ્યારે પ્રસિદ્ધ દાણા બજારમાં 8 ફૂટ જેટલાં પાણી ભરાઈ જતાં મકાનો અને દુકાનો ગરકાવ થઈ ગયા છે. દાણા બજારના વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. વાપીમાં પટેલ સમાજની વાડી સહિતના વિસ્તારોમાં પાર્ક કરેલા વાહનો સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયા છે. લોકો પોતાના ઘરોમાં ફસાયા છે અને તંત્ર પાસે મદદ માટે આજીજી કરી રહ્યા છે.

મોડી રાત્રે જ 200થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર
પરિસ્થિતિ ગંભીર બનતા વહીવટી તંત્ર મધરાતે દોડતું થયું હતું. કશ્મીરનગર, બરૂડિયાવાડ અને વલસાડ પારડીમાંથી મોડી રાત્રે જ 200થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. પૂરની સ્થિતિ વચ્ચે સ્થાનિક ભાજપ ધારાસભ્ય અને ફાયર બ્રિગેડની ટીમો પણ પાણીમાં ઉતરીને ફસાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરીમાં જોડાઈ હતી.

NDRF અને SDRFની એક-એક ટીમ સ્ટેન્ડબાય
તંત્ર દ્વારા હાલ NDRF અને SDRFની એક-એક ટીમ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. પરંતુ, વહીવટી તંત્ર માત્ર એક NDRF ટીમના સહારે હોય અને પાલિકાની રેસ્ક્યૂ બોટ ધૂળ ખાતી હોવાના આક્ષેપો સાથે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
https://twitter.com/sandeshnews/status/2080120682592321710
આ પણ વાંચો : Gujarat Latest News Live : સુરત, વલસાડ, નવસારીમાં આખી રાત ભારે વરસાદ, સર્વત્ર જળબંબાકાર