દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે વલસાડ જિલ્લા અને તેના ઉપરવાસના વિસ્તારોમાં પડેલા અનરાધાર વરસાદને કારણે નદીઓ ઉફાણે ચડી છે. ઉપરવાસમાં સતત ખાબકેલા ધોધમાર વરસાદને પગલે વલસાડની સ્થાનિક નદીઓની જળસપાટીમાં તોતિંગ વધારો થયો છે. ખાસ કરીને ધરમપુર પંથકમાં આવેલી તાન નદી ગાંડીતૂર બનતાં લો-લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો છે, જેના કારણે સ્થાનિક જનજીવન કફોડું બન્યું છે.
લો-લેવલ કોઝવે ડૂબી ગયો
તાન નદીની સપાટી વધવાના કારણે ધરમપુરના બોપી અને મોળાઆંબા ગામ વચ્ચે આવેલો મહત્વનો લો-લેવલ કોઝવે (બ્રિજ) સંપૂર્ણપણે ડૂબી ગયો છે. આ સંપર્ક તૂટી જવા છતાં વહેલી સવારે ગ્રામજનો અને પશુપાલકો દૂધ ભરવા તેમજ અન્ય જરૂરી કામકાજ માટે નદીના તેજ પ્રવાહ વચ્ચે જીવના જોખમે પસાર થવા મજબૂર બન્યા હતા.

સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ
સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે, કારણ કે દર વર્ષે ચોમાસામાં અહીં આ જ પ્રકારની જીવલેણ સમસ્યા સર્જાય છે, છતાં કાયમી ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો નથી.
જિલ્લાના 113 રસ્તા બંધ
જિલ્લા કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા મુજબ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદ અને કોઝવે ડૂબી જવાના કારણે ગ્રામ્ય અને સ્ટેટ હાઈવે સહિત કુલ 113 જેટલા રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરી દેવાની ફરજ પડી છે. રસ્તાઓ બંધ થતાં ડઝનબંધ ગામોનો સંપર્ક તૂટી ગયો છે.

એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમો તૈનાત
તંત્ર દ્વારા નદી કિનારાના અને પ્રભાવિત ગામોમાં એસડીઆરએફ અને સ્થાનિક પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે પાણીના ભારે પ્રવાહ વચ્ચે કોઈપણ વાહન પસાર ન કરવું કે નદી ઓળંગવાનો પ્રયાસ ન કરવો.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : રાજ્યમાં આજે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગની આગાહી