ગુજરાતમાં મેઘરાજાએ પ્રચંડ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના તમામ 265 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આકાશી આફત જેવી સ્થિતિ સર્જાઈ છે.
સાંતલપુરમાં 15 ઈંચ
સૌથી વધુ વિધ્વંસક સ્થિતિ પાટણ જિલ્લામાં જોવા મળી છે, જ્યાં સાંતલપુરમાં 15 ઈંચ અને રાધનપુરમાં 13.5 ઈંચ જેટલો અતિભારે વરસાદ ખાબકતા ચારેય તરફ જળબંબાકાર થયો છે.
બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ
આંકડા અનુસાર, બનાસકાંઠા અને વાવ-થરાદ પંથકમાં પણ મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. ભાભરમાં 11.5 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ, સુઈગામમાં 7 ઈંચ અને થરાદમાં 5.5 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય દાંતીવાડામાં 7 ઈંચ અને ઓગડમાં 6 ઈંચ વરસાદ વરસ્યો છે.
નડિયાદમાં 24 કલાકમાં 11 ઈંચ વરસાદ
મધ્ય ગુજરાતની વાત કરીએ તો, ખેડાના નડિયાદમાં 24 કલાકમાં 11 ઈંચ, મહેમદાવાદમાં 8.5 ઈંચ, વસો અને કઠલાલમાં 5-5 ઈંચ આકાશી પાણી પડ્યું છે. આણંદના સોજીત્રામાં પણ 5 ઈંચ વરસાદથી માર્ગો જળમગ્ન બન્યા છે.
દહેગામમાં 6 ઈંચ
ગાંધીનગરના દહેગામમાં 6 ઈંચ અને કચ્છના રાપરમાં 5 ઈંચ વરસાદ ઝીંકાયો છે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરના થાનગઢમાં 7 ઈંચ, મોરબીના વાંકાનેરમાં 7 ઈંચ અને જૂનાગઢના ભેસાણમાં 4.5 ઈંચ વરસાદ પડ્યો છે. આ સિવાય મહીસાગરના બાલાસિનોરમાં 4.5 ઈંચ અને રાજ્યના અન્ય 246 તાલુકાઓમાં પણ નોંધપાત્ર વરસાદથી નદી-નાળા છલકાયા છે. વિરામ વગર વરસેલા ભારે વરસાદને કારણે અનેક રસ્તાઓ બંધ થયા છે અને નીચાણવાળા ગામોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
આ પણ વાંચો : Monsoon 2026 : અમદાવાદમાં પૂરના પાણી ન ઓસરતાં મુખ્યમંત્રી લાલઘૂમ, અધિકારીઓનો ઉધડો લીધો, ‘શા માટે પાણી ભરાયા તેનો ખુલાસો કરો’