બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન 'અકવાન' ઝડપથી ઓડિશા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચક્રવાત આજે બપોર સુધીમાં આંધ્રપ્રદેશના નરસાપુર અને ઓડિશાના પુરી વચ્ચેના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. જ્યારે પવનના જોરદાર ઝાપટાની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ચક્રવાતની અસર ઓડિશાની રાજધાની ભુવનેશ્વરમાં દેખાવા લાગી છે. અહીં સવારથી જ તેજ પવન સાથે સતત વરસાદ પડી રહ્યો છે. હવામાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા સાવચેતીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા

હવામાન વિભાગે ચક્રવાત અકવાનની અસરને કારણે દક્ષિણ બંગાળના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ અને ભારે વરસાદની આગાહી કરી છે. દરિયામાં ઊંચાં મોજાં અને પવનની ગતિ વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની કડક સલાહ આપવામાં આવી છે.

https://x.com/ANI/status/2123601325057544217?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123601325057544217%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ચક્રવાતના કારણે રેલવે વ્યવહાર પર પણ અસર થવાની શક્યતા છે. દક્ષિણ-પૂર્વ રેલવેએ સાવચેતીના ભાગરૂપે આજે આશરે 28 એક્સપ્રેસ ટ્રેનો રદ કરવાની જાહેરાત કરી છે. આમાંથી મોટાભાગની ટ્રેનો પુરી જતી અથવા પુરી થઈને પસાર થતી હતી. મુસાફરોને મુસાફરી કરતાં પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસવાની સલાહ આપવામાં આવી છે.

ઓડિશામાં 9,341 આશ્રયસ્થાનો તૈયાર

ચક્રવાતના જોખમને ધ્યાનમાં રાખીને ઓડિશા સરકારે મોટા પાયે સુરક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. મુખ્યમંત્રી મોહન માઝીએ અધિકારીઓ સાથે બેઠક યોજીને ચક્રવાત સામેની તૈયારીઓની સમીક્ષા કરી હતી. રાજ્યના 20 જિલ્લાઓમાંથી ત્રણ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

આ ઉપરાંત, લોકોને આશ્રય આપવા માટે 9,341 ચક્રવાત આશ્રયસ્થાનો તૈયાર રાખવામાં આવ્યાં છે. રાહત અને બચાવ કામગીરી માટે 418 બચાવ ટુકડીઓને તૈનાત કરવામાં આવી છે. સરકાર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોમાં સતત નજર રાખવામાં આવી રહી છે.

ચક્રવાત અકવાનથી આ રાજ્યોમાં અસરની શક્યતા

ઓડિશા: દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજ્યના 20 જિલ્લાઓમાં શાળા અને કોલેજો બંધ રાખવામાં આવી છે. ત્રણ લાખથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.

આંધ્રપ્રદેશ: 10થી વધુ જિલ્લાઓમાં ચક્રવાતનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. 50 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ પહોંચાડવામાં આવ્યા છે.

https://x.com/ANI/status/2123599251578265652?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123599251578265652%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

તેલંગાણા: ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.

છત્તીસગઢ: ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

ગોપાલપુર નજીક દરિયાકાંઠે ટકરાઈ શકે છે ચક્રવાત

ઓડિશાનાં મુખ્ય સચિવ અનુ ગર્ગે ગુરુવારે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર છેલ્લા ઘણા દિવસોથી ચક્રવાત અકવાનની સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. શરૂઆતમાં ચક્રવાતની દિશા અલગ હતી, પરંતુ બુધવારથી તેની દિશામાં ફેરફાર થયો હતો અને તે ઓડિશાના દરિયાકાંઠા તરફ આગળ વધવા લાગ્યું હતું.

https://x.com/ANI/status/2123596936318267546?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2123596936318267546%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

ભારતીય હવામાન વિભાગની તાજેતરની આગાહી મુજબ, ચક્રવાત ઓડિશાના ગંજામ જિલ્લાના ગોપાલપુરની આસપાસ દરિયાકાંઠે ટકરાય તેવી સૌથી વધુ શક્યતા છે. આ દરમિયાન પવનની ઝડપ 90થી 100 કિલોમીટર પ્રતિ કલાક રહેવાનો અંદાજ છે. જ્યારે પવનના જોરદાર ઝાપટા 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

ચક્રવાતને કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત રહેવા અને વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. ભારે વરસાદ અને પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવા, વીજળી પુરવઠો ખોરવાવા તેમજ વાહનવ્યવહાર પ્રભાવિત થવાની શક્યતા હોવાથી તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે.