મેદાની વિસ્તારોમાં નદીઓના જળસ્તરમાં વધારો થતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જ્યારે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા અનેક લોકોને સુરક્ષિત અને ઊંચાણવાળા સ્થળોએ ખસેડવાની ફરજ પડી છે. બીજી તરફ, ઉત્તરાખંડ સહિતના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનની ઘટનાઓએ મુશ્કેલીઓ વધારી દીધી છે.
ઉત્તરાખંડમાં અલ્મોડા, બાગેશ્વર, ટેહરી, નૈનીતાલ, ઉધમસિંહ નગર અને પૌડી સહિતના જિલ્લાઓમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે વહીવટીતંત્ર એલર્ટ પર છે. અલગ-અલગ દુર્ઘટનાઓમાં અત્યાર સુધી 7 લોકોના મોતના અહેવાલ સામે આવ્યા છે. રાજ્ય આપત્તિ પ્રતિસાદ દળ એટલે કે SDRF, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહી છે.
172થી વધુ રસ્તાઓ બંધ, વાહનવ્યવહાર પ્રભાવિત
ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ઉત્તરાખંડમાં 172થી વધુ રસ્તાઓ બંધ થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પિથોરાગઢ, નૈનીતાલ અને બાગેશ્વર જિલ્લામાં કેટલાક મહત્વપૂર્ણ હાઇવે પણ અસરગ્રસ્ત થયા છે. અનેક સ્થળોએ પહાડ પરથી ભારે માત્રામાં કાટમાળ અને પથ્થરો રસ્તા પર આવી ગયા હોવાથી વાહનવ્યવહાર અટકી ગયો છે.
બંધ રસ્તાઓને ફરી શરૂ કરવા માટે જેસીબી અને અન્ય ભારે મશીનરીની મદદથી કાટમાળ દૂર કરવાની કામગીરી ચાલુ છે. જોકે સતત વરસાદને કારણે રાહત કામગીરીમાં પણ મુશ્કેલી પડી રહી છે.
ગૌલા અને ખકરા નદીઓમાં વધ્યું જળસ્તર
સતત વરસાદ બાદ હલ્દ્વાની વિસ્તારમાં ગૌલા નદીમાં પાણીનો પ્રવાહ ઝડપથી વધી રહ્યો છે. નદીમાં અંદાજે 27 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. ઉધમસિંહ નગરના કિચ્છા, પુલભટ્ટા, શાંતિપુરી અને સૂર્યનગર જેવા વિસ્તારોમાં લોકોને નદીથી દૂર રહેવાની ચેતવણી આપવામાં આવી રહી છે.
https://twitter.com/ANI/status/2094973013909471461
પ્રશાસન દ્વારા લાઉડસ્પીકર મારફતે લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિને કારણે શૈક્ષણિક સંસ્થાઓ અને સ્થાનિક બજારોના કામકાજ પર પણ અસર પડી છે.
ખટીમામાં પરિવારોને ખસેડવામાં આવ્યા
ખટીમાના વનગાંવ વિસ્તારમાં ખકરા નદીનું જળસ્તર વધતાં બે ડઝનથી વધુ પરિવારો પાણી ભરાવાની સમસ્યાથી પ્રભાવિત થયા છે. પ્રશાસન, SDRF અને પોલીસની ટીમોએ કેટલાક લોકોને સુરક્ષિત સ્થળો અને રાહત શિબિરોમાં પહોંચાડ્યા છે.
રઘુલિયા પ્રાથમિક શાળાને અસ્થાયી રાહત કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવી છે. અહીં અસરગ્રસ્ત લોકોને ભોજન, પીવાનું પાણી અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
પૌડીમાં કરુણ ઘટના, માતા અને પુત્રીના મોત
પૌડી જિલ્લાના કોટદ્વાર વિસ્તારમાં વરસાદ વચ્ચે એક અત્યંત દુઃખદ ઘટના બની હતી. સ્નેહ વિસ્તારમાં કોલ્હૂ નદી પાર કરતી વખતે દોઢ વર્ષની બાળકી અચાનક પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. પુત્રીને બચાવવાનો પ્રયાસ કરતી તેની 26 વર્ષીય માતા પણ નદીના પ્રવાહમાં વહી ગઈ હતી. SDRF અને પોલીસની ટીમોએ શોધખોળ બાદ બંનેના મૃતદેહો બહાર કાઢ્યા હતા.
બાગેશ્વરમાં હાઇવે સહિત અનેક માર્ગો બંધ
બાગેશ્વરમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે NH-109 સહિત 16 મોટર માર્ગો બંધ થઈ ગયા છે. રસ્તો બંધ થતાં બસ, ટેક્સી અને અન્ય વાહનો લાંબા સમય સુધી અટવાઈ ગયા હતા. દર્દીને લઈને જતી એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા. નૈનીતાલ જિલ્લામાં પણ કોસી અને શિપ્રા નદીઓના જળસ્તરમાં વધારો જોવા મળી રહ્યો છે. સતત વરસાદને કારણે રાજ્યમાં આગામી સમયમાં પણ સતર્ક રહેવાની જરૂર છે.
આ પણ વાંચો: Weather Update: રાજધાની દિલ્હીથી લઇને બંગાળ સુધી વરસાદી માહોલ, પહાડો પર લેન્ડસ્લાઇડનો ખતરો વધ્યો