ઉત્તર ભારતના અનેક રાજ્યોમાં હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પંજાબ અને હરિયાણા સહિતના વિસ્તારોમાં તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ઠંડીનો પ્રકોપ વધવા લાગ્યો છે. બીજી તરફ, વાવાઝોડા અકવાનની અસર 23 નવેમ્બર 2026ના રોજ પણ જોવા મળવાની શક્યતા છે. હવામાન વિભાગે ઝારખંડ, બિહાર, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ સહિત દેશનાં 12 રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે.

ભારતીય હવામાન વિભાગ (IMD)ના તાજેતરના અહેવાલ મુજબ, સોમવારે દેશના અલગ-અલગ વિસ્તારોમાં વરસાદ અને ઠંડીને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે. રાજસ્થાનના માઉન્ટ આબુમાં ઠંડીનો પ્રકોપ એટલો વધી ગયો છે કે ત્યાં ઝાકળનાં ટીપાં પણ જામી ગયાં છે. અહીં તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસથી નીચે પહોંચી ગયું છે. જેના કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે.

https://x.com/ANI/status/2124689807125430483?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E2124689807125430483%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પહાડી વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાની અસર હવે મેદાની વિસ્તારોમાં પણ જોવા મળી રહી છે. આગામી બે-ત્રણ દિવસમાં મેદાની રાજ્યોના તાપમાનમાં વધુ ઘટાડો થવાની શક્યતા છે. આના કારણે ઉત્તર ભારતમાં શીતલહેરની સ્થિતિ સર્જાઈ શકે છે.

દિલ્હી-NCRમાં ઠંડી અને પ્રદૂષણનો બેવડો માર

દિલ્હી-NCRમાં ઠંડીની સાથે પ્રદૂષણની સમસ્યા પણ ગંભીર બની રહી છે. સોમવારે સવારની શરૂઆત ધુમ્મસ અને ઝાકળ સાથે થઈ હતી. સવારે લગભગ 6:30 વાગ્યે તાપમાન 14 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું હતું. દિવસ દરમિયાન તડકો નીકળવાની શક્યતા છે, પરંતુ રાત્રે ઠંડીનું પ્રમાણ ફરી વધી શકે છે. રાત્રિનું તાપમાન 10 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં આજે આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેશે. જોકે, રાત્રિના સમયે ઠંડી વધુ અનુભવાશે. બીજી તરફ, પ્રદૂષણ દિલ્હીના લોકો માટે મોટી ચિંતાનું કારણ બન્યું છે. સોમવારે સવારે દિલ્હીમાં હવાની ગુણવત્તા સૂચકાંક (AQI) લગભગ 358 નોંધાયો હતો, જે અત્યંત ખરાબ શ્રેણીમાં આવે છે. હવામાં PM2.5 પ્રદૂષકનું પ્રમાણ વધુ છે.

ધુમ્મસ અને ઝાકળના કારણે પ્રદૂષિત કણો હવામાં નીચે જ અટવાઈ રહે છે, જેના પરિણામે હવાની ગુણવત્તામાં સુધારો થઈ રહ્યો નથી. નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં પણ આવી જ સ્થિતિ રહેવાની શક્યતા છે. લોકોને વહેલી સવારે અને સાંજે ગરમ કપડાં પહેરવાની સલાહ આપવામાં આવી છે. દિવસ અને રાતના તાપમાનમાં 12થી 13 ડિગ્રીનો તફાવત અનુભવાઈ શકે છે.

12 રાજ્યોમાં વરસાદની આગાહી

વાવાઝોડા અકવાનની અસરને કારણે દેશના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. હવામાન વિભાગે સોમવારે નીચેના રાજ્યોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.

- ઝારખંડ

- બિહાર

- મધ્ય પ્રદેશ

- છત્તીસગઢ

- આંધ્ર પ્રદેશ

- ઓડિશા

- તમિલનાડુ

- કેરળ

- મણિપુર

- આસામ

આ રાજ્યોમાં હવામાનની સ્થિતિમાં ફેરફાર થઈ શકે છે. કેટલાક વિસ્તારોમાં વરસાદની સાથે પવન અને વાદળછાયું વાતાવરણ રહેવાની પણ શક્યતા છે.

ઉત્તર પ્રદેશ, બિહાર સહિતના રાજ્યોમાં ગાઢ ધુમ્મસની ચેતવણી

ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં સોમવારે સવારે ગાઢ ધુમ્મસ છવાઈ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પૂર્વી ઉત્તર પ્રદેશના વારાણસી, ગોરખપુર, દેવરિયા, બલિયા, આઝમગઢ, મઉ અને ગાઝીપુર સહિતના અનેક જિલ્લાઓમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે. કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડી શકે છે.

બિહારમાં પણ ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી 

બિહારમાં પણ ગાઢ ધુમ્મસની સાથે ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી કરવામાં આવી છે. આગામી બે-ત્રણ દિવસમાં ઉત્તર પ્રદેશના લઘુત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ શકે છે. જ્યારે બિહારમાં લઘુત્તમ તાપમાન 2થી 4 ડિગ્રી સુધી ઘટવાની શક્યતા છે. જેના કારણે રાત્રિના સમયે ઠંડી વધુ સતાવશે.

પંજાબ, હરિયાણા અને ચંડીગઢમાં પણ સવારે ધુમ્મસના કારણે દૃશ્યતા ઘટીને 50થી 100 મીટર સુધી રહી શકે છે. બીજી તરફ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહેવાની શક્યતા છે. જોકે, ઊંચાઈવાળા વિસ્તારોમાં થઈ રહેલી હિમવર્ષાના કારણે મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાશે. આગામી દિવસોમાં ઉત્તર ભારતમાં ઠંડીનો પ્રકોપ વધુ વધવાની શક્યતા હોવાથી લોકોને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.