બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં આજે મેઘરાજાએ ધુઆધાર બેટિંગ કરતા સમગ્ર શહેર પાણી-પાણી થઈ ગયું છે. માત્ર એકથી દોઢ ઈંચ જેટલા વરસાદમાં જ ડીસા પાલિકાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલ્લી પડી ગઈ છે. પાલિકા દ્વારા પ્રી-મોન્સૂન પ્લાન પાછળ કરાયેલો લાખો રૂપિયાનો ખર્ચ પ્રથમ વરસાદમાં જ ધોવાઈ ગયો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

રોડ પર ઢીંચણસમા પાણી ભરાયા
શહેરના જલારામ મંદિર નજીકના મુખ્ય માર્ગો તેમજ ડીસાથી રાણપુર રોડ પર ઢીંચણસમા પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. જલારામ મંદિર નજીક આવેલી નાના બાળકોની શાળા આગળ પણ પાણી ભરાઈ જતાં શાળાએ જતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ભારે હાલાકી ભોગવવી પડી હતી.

પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ
આ ઉપરાંત શહેરના અનેક રહેણાંક વિસ્તારોમાં પણ ઢીંચણસમા પાણી ભરાઈ જતાં સ્થાનિક લોકોના ઘરો આગળ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. રસ્તાઓ પર પાણી ભરાવાને કારણે અનેક વાહનો બંધ પડી ગયા હતા અને લોકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા હતા. સ્થાનિકોમાં પાલિકા તંત્રની નિષ્ક્રિયતા સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Sandesh Indepth : ગુજરાતમાં તો અલ-નીનોની અસર હતી તો પછી એવું શું થયું કે 14 કલાકમાં અનેક સ્થળે 16 ઇંચ વરસાદ ખાબક્યો?