એક તરફ મહારાષ્ટ્ર અને ઉત્તર-પૂર્વના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, તો બીજી તરફ હવામાન વિભાગે દેશના 20 રાજ્યોમાં આંધી, વાવાઝોડા અને ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. 

20 રાજ્યોમાં એલર્ટ જાહેર 

https://twitter.com/ANI/status/2073591259273613347

જે 20 રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, હરિયાણા, પંજાબ, જમ્મુ-કાશ્મીર, ગુજરાત, તમિલનાડુ, ઝારખંડ, કર્ણાટક, તેલંગાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંધ્ર પ્રદેશ, કેરળ, મિઝોરમ અને ત્રિપુરાનો સમાવેશ થાય છે.

આજે દિલ્હી-NCRનું હવામાન કેવું રહેશે?

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ગરમી અને તડકાથી લોકોને રાહત મળી છે, પરંતુ હજુ પણ અનેક વિસ્તારોમાં સારા વરસાદની રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ 5 અને 6 જુલાઈએ દિલ્હી-NCRમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે.

ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ

ઉત્તર પ્રદેશમાં ચોમાસાની અસર વધુ તેજ બનવાની શક્યતા છે. પ્રયાગરાજ, કૌશાંબી, ફતેહપુર, ચિત્રકૂટ, આગ્રા, વારાણસી, દેવરિયા, બલિયા, સોનભદ્ર અને મિર્ઝાપુર સહિતના અનેક જિલ્લાઓમાં 9 જુલાઈ સુધી ભારે વરસાદ અને આંધી-વાવાઝોડાનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

બિહારના આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા

બિહારના પશ્ચિમ ચંપારણ, પૂર્વી ચંપારણ, ગોપાલગંજ, સિવાન, સારણ, મુઝફ્ફરપુર, વૈશાલી, દરભંગા અને સમસ્તીપુર સહિતના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ, ગાજવીજ અને વીજળી પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ

https://twitter.com/ANI_MP_CG_RJ/status/2073583778015191439

રાજસ્થાનમાં આગામી 4થી 5 દિવસ સુધી ભારે વરસાદનો દોર ચાલુ રહેવાની સંભાવના છે. ઝાલાવાડ, બાંસવાડા અને ડુંગરપુરમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું એલર્ટ જાહેર કરાયું છે. ઉપરાંત જયપુર, જોધપુર, અજમેર, ઉદયપુર, બીકાનેર અને ચુરુ સહિતના અનેક જિલ્લાઓમાં તેજ પવન સાથે આંધી-વાવાઝોડાની ચેતવણી આપવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં મુંબઈ અને ઠાણે માટે રેડ એલર્ટ

મહારાષ્ટ્રમાં હાલ સ્થિતિ ગંભીર બની રહી છે. હવામાન વિભાગે મુંબઈ, ઠાણે, પાલઘર અને રાયગઢ માટે અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે અને લોકોને જરૂરિયાત સિવાય ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે. ઉપરાંત અમરાવતી, નાગપુર, વર્ધા અને ચંદ્રપુર સહિતના જિલ્લાઓમાં પણ 7 જુલાઈ સુધી ભારે વરસાદ અને આંધી-વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે.

પશ્ચિમ બંગાળમાં ભારે વરસાદની આગાહી

બંગાળની ખાડીમાં સર્જાયેલી હવામાનની સ્થિતિને કારણે કોલકાતા સહિત દક્ષિણ બંગાળના અનેક જિલ્લાઓમાં 6 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. મેદિનીપુર, પુરુલિયા અને બાંકુરા સહિતના જિલ્લાઓમાં વીજળી પડવાની આશંકાને ધ્યાનમાં રાખીને યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.