શું યુકે માટે લેખિત બંધારણ આવશ્યક છે? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • શું યુકે માટે લેખિત બંધારણ આવશ્યક છે?

શું યુકે માટે લેખિત બંધારણ આવશ્યક છે?

 | 1:48 am IST
  • Share

વિશેષ :- એ.કે.સુરોલિયા, પૂર્વ ડીજીપી

બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસન દ્વારા વર્ષ ૨૦૧૯માં ક્વીન એલિઝાબેથને ભલામણ કરવામાં આવી હતી કે, બ્રિટનની સંસદને તાકીદે સસ્પેન્ડ કરી દેવામાં આવે. આ સુચનને દેશની સુપ્રીમ કોર્ટે અવિચારી અને ગેરકાયદે જાહેર કર્યું ત્યારે વુલ્ફ હોલ પુસ્તકના એવોર્ડ વિજેતા લેખિકા હિલારી માન્ટેલએ તાજેતરમાં જ યુનાઇટેડ કિંગ્ડમ(યુકે)માં લેખિત બંધારણ લાવવાની હિમાયત કરી હતી.

યુકેની સર્વોચ્ચ અદાલતે આર (મિલર) વિરુદ્ધ વડા પ્રધાન અને ચેરી વિરુદ્ધ એડવોકેટ જનરલ ફોર સ્કોટલેન્ડ(૨૦૧૯)મા એવો મત લીધો હતો કે વડા પ્રધાન કાયદાની મર્યાદામાં રહીને કામ કરતાં નથી કેમ કે તેમની સલાહ કટોકટીના તબક્કાના સર્વોચ્ચ સ્તરે બ્રેક્ઝિટ પરની વધુ ચર્ચાને અટકાવવાના ઉદ્દેશ સાથેની હતી. રાજકીય ઘટનાક્રમની બૌદ્ધિક નિરિક્ષક હિલારી માન્ટેલ કડક શબ્દોમાં કહે છે કે સંસદની કાર્યવાહી સાથે ગેરકાયદે દરમિયાનગીરી કરતાં ઠગ વડા પ્રધાનને અટકાવવા માટે યુકેને એક લેખિત બંધારણની જરૂર છે. તેણી ઉમેરે છે કે તે એકદમ સ્પષ્ટ છે કે જ્યારે બોરિસ જોન્સને તેમ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે જ સ્પષ્ટ હતું કે, કોર્ટે તેમને આમ કરતા અટકાવશે.

તેણીએ બીબીસીને વધુમાં જણાવ્યું હતું કે જો લોકો સ્થાપિત નિયમો અને લોકશાહીના સિદ્ધાંતોને નહીં અનુસરે તો આપણી પાસે એવા નિયમો ઘડવા પડશે કે જે તેમને નિયંત્રિત કરશે. આમ કરવું તે એક દુઃખદ પરિસ્થિતિ હશે કેમ કે હું માનું છું કે આપણા બિનલિખિત બંધારણની લવચિકતા એક ઐતિહાસિક અજાયબી હતી. પરંતુ મને લાગે છે કે હવે પછીના કેટલાક વર્ષોમાં ગણતરી કરવી પડશે.

વડા પ્રધાન બોરિસ જોન્સને ટિપ્પણી કરી હતી કે જો કે તેઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર કરે છે પરંતુ તેઓ તેની સાથે સંપૂર્ણ અસહમત છે. લોકશાહીની જનની તરીકે ઓળખાતું યુનાઇટેડ કિંગ્ડમ વિશ્વના કેટલાક એવા દેશોમાંનું એક છે કે જેમની પાસે કોઈ લેખિત બંધારણ નથી, કેમ કે દેશ સમય અનુસારના રિવાજો, પરંપરાઓ, નિયમો, નિયમનો, સંમેલનો, કાયદા વિગેરેમાં જડેલા કોમન લોના મજબૂત સિદ્ધાંતોના આધારે ચાલે છે.

બંધારણ એક સર્વોચ્ચ દસ્તાવેજ હોય છે કે જે દેખરેખ માટે પાયાના સિદ્ધાંતો અને રાષ્ટ્રની આશા અને આકાંક્ષાની બ્લૂ પ્રિન્ટ રજૂ કરે છે. તે અન્ય બાબતોની સાથે લેજિસ્લેચર, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશિયરીની સત્તાઓ અને ફરજોને પણ વ્યાખ્યાયિત કરે છે. તેની સાથોસાથ એક લોકશાહીનું લેખિત બંધારણ, કે જેવું ભારત અને અમેરિકામાં છે તે પોતાના નાગરિકોને રાજ્યની સામે મૂળભૂત અધિકારો જેવા કે સ્વાતંત્ર્ય અને સમાનતાની ખાતરી આપે છે. તેથી એક લેખિત બંધારણ દેશના ગવર્નન્સ અંગે ખાતરી આપે છે અને કોઈને પણ કાયદાના માર્ગ પરથી ચલિત થતાં રોકે છે. બિનલિખિત બંધારણની સરખામણીએ એક લેખિત બંધારણ ચોક્કસપણે થોડું કડક હોય છે અને જે દેશમાં લેખિત બંધારણ હોય તે દેશમાં બંધારણની સર્વોચ્ચતાના આધારે દેશનું શાસન થતું હોય છે.

યુએસએ(યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા)માં ૧૭ સપ્ટેમ્બર ૧૭૮૭ના રોજ લેખિત બંધારણ અપનાવવામાં આવ્યું ત્યારથી અત્યાર સુધીમાં વિશ્વમાં લેખિત બંધારણની તરફેણ થતી આવી છે. ડહાપણના માર્ગને અનુસરતા આપણા બંધારણના ઘડવૈયાઓએ પણ વિશ્વવ્યાપી પ્રવાહને અનુસરવાનો નિર્ણય કર્યો અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના રોજ લેખિત બંધારણ અમલમાં આવ્યું.

બીજી તરફ એક બિનલિખિત બંધારણમાં એક રાષ્ટ્ર પરની દેખરેખ સ્થાપિત રિવાજો અને પરંપરાઓ, નિયમો અને કાયદા મારફત થાય છે અને તેથી તે કામગીરીમાં તેના સ્વરૂપથી જ એકદમ લવચિક હોય છે. પરંતુ બિનલિખિત બંધારણની ખામી એ છે કે રાજ્યના અનૈતિક અધિકારીઓ અથવા અન્ય કોઈ સત્તાવાળાઓ અસ્પષ્ટતાનો ગેરલાભ ઉઠાવી શકે છે. સમય પસાર થવાની સાથે ફરીથી યુકેમાં લેખિત બંધારણ માટેની માંગ ઊભી થઈ છે. અત્યાર સુધી તો એમ થયું નથી અને યુકેએ સંસદ અને કોમન લોના વર્ચસ્વના સિદ્ધાંત પર સંતોષકારક કામગીરી બજાવી છે. પરંતુ ભવિષ્યમાં તે કદાચ અલગ હોઈ શકે છે.

૬૮ વર્ષના મેડમ હિલારી હંમેશાં બદલાતા રાજકીય વિશ્વમા ભવિષ્યને સારી રીતે વાંચી શકવા માટે સૌથી વધારે તજજ્ઞાતા ધરાવે છે. મેડમ હિલારીએ પોતાની બુક વુલ્ફ હોલ લખવા માટે મધ્યયુગના ઇંગ્લેન્ડના ટયુડર રાજકારણનો અભ્યાસ કરવા માટે પોતાના જીવનના ૧૫ વર્ષ સમર્પિત કર્યા છે. આ ઐતિહાસિક અભ્યાસમાં પ્લોટ્સ અને ષડ્યંત્રો, કિંગ હેન્રી આઠની કોર્ટમાં સારામાં સારા અને ખરાબમાં ખરાબ રાજકીય ડ્રામા અને મુખ્ય સલાહકાર થોમસ ક્રોમવેલના ઉદય અને પતનનો સમાવેશ થાય છે. યુનાઇટેડ કિંગ્ડમમાં જો એક્ઝિક્યુટિવ કાયદાની મર્યાદાનું ઉલ્લંઘન કરવાનું વધુ સાહસ કરે તો એ શક્યતાને પણ ન નકારી શકાય કે લોકોનો મત મેડમ હિલારી માન્ટેલના મત સાથે સહમત થઈ શકે અને તે બાબત કદાચ ગેમ ચેન્જર બની શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન