When to eat? How much to take Learn the details here
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • આહાર ક્યારે લેવો? કેટલો લેવો? જાણો અહીં વિગતે

આહાર ક્યારે લેવો? કેટલો લેવો? જાણો અહીં વિગતે

 | 8:00 am IST
  • Share

આરોગ્ય : વૈદ્ય પ્રશાંતભાઈ ગૌદાની

આપણે જાણીએ છીએ કે આહારની માત્રા બધી વ્યક્તિઓમાં એકસરખી ન હોઈ શકે, કારણ કે દરેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ જુદી જુદી હોય છે. કામ કરવાના પ્રકાર ને પાચનશક્તિની મંદતા, તીવ્રતા વગેરે પર આહારની માત્રા અવલંબે છે.

ઉદાહરણાર્થે, કોઈ એક વ્યક્તિનું દૈનિક કાર્ય જ એવું છે કે જેથી તેને શારીરિક પરિશ્રમ વધારે કરવો પડે છે. જ્યારે કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે, જેને રોજિંદા કાર્યમાં શારીરિક કરતાં માનસિક પરિશ્રમ વધારે કરવો પડે છે. આમાં માનસિક કરતાં શારીરિક પરિશ્રમ કરનાર વ્યક્તિ આહાર વધારે માત્રામાં લે છે, જે એને સરળતાથી પચી પણ જાય છે.

ઋતુ પ્રમાણે પણ આહારની માત્રામાં તફાવત જોવા મળે છે. જેમ કે, શિયાળામાં સ્વભાવથી જ અન્ય ઋતુઓ કરતાં આહારની માત્રા વધારે રહે છે. એવી જ રીતે વય પ્રમાણે બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં આહાર માત્રામાં પર્યાપ્ત અંતર જોવા મળે છે.

આ બધું જ હોવા છતાં પણ પ્રત્યેક વ્યક્તિએ પોતાના આહારની માત્રા નિશ્ચિત કરવી જોઈએ, કારણ કે માત્રા નિશ્ચિત કર્યા વગરનો આહાર લેવાથી તેનું યોગ્ય રીતે પાચન થતું નથી. જેમાંથી અજીર્ણ અને તેનાથી બીજા અનેક રોગ ઉત્પન્ન થઈ શકે છે.

આહારની માત્રા નિશ્ચિત કરવા માટે વ્યક્તિએ પોતાના જઠરાગ્નિના બળ (એટલે કે પાચનશક્તિ)નું ધ્યાન રાખવું જોઈએ. જે વ્યક્તિઓનો જઠરાગ્નિ બળવાન છે, તેઓ માત્રાથી થોડો વધુ આહાર લેશે તો પણ સહેલાઈથી પચાવી શકશે. શારીરિક પરિશ્રમ કરનાર અને નિયમિત વ્યાયામ કરનાર વ્યક્તિઓનો આમાં સમાવેશ થાય છે, પરંતુ કેટલીક વ્યક્તિઓના રોજિંદા કાર્યક્રમમાં શારીરિક પરિશ્રમ કે વ્યાયામનો સદંતર અભાવ હોય છે. આવી વ્યક્તિઓ માત્રાથી વધારે લીધેલો આહાર પચાવી નથી શકતી અને પરિણામ સ્વરૂપે એમણે અજીર્ણ, ગેસ, આફરો, અરુચિ, કબજિયાત, ઊલટી વગેરે જેવા રોગોનો સામનો કરવો પડે છે.

આહારની માત્રાની વાત ચાલે છે, એટલે એ પણ જાણી લેવું જોઈએ કે, કેટલાંક આહાર દ્રવ્યો સ્વભાવથી જ પચવામાં ભારે હોય છે. જેવા કે લાડુ, લાપસી, શીરો, દૂધપાક, બાસુંદી, શ્રીખંડ, માવાની મીઠાઈઓ વગેરે. આપણે જાણીએ છીએ કે સામાન્ય રીતે ચરબીયુક્ત અને મધુર રસવાળાં આહાર દ્રવ્યો પચવામાં ભારે હોય છે. આવાં દ્રવ્યો જઠરાગ્નિને મંદ કરે છે. એટલા માટે આવાં આહાર દ્રવ્યોનો ઉપયોગ વિચારીને કરવો જોઈએ, પરંતુ આજકાલ આ ક્રમ ઊંધો જ જોવામાં આવે છે. પચવામાં ભારે એવાં આહાર દ્રવ્યોને પૌષ્ટિક સમજીને માત્રાથી વધારે ખાવામાં આવે છે. જેથી પાચનતંત્રને લગતા અનેક રોગોમાંથી કોઈ પણ રોગને ઉત્પન્ન થવાની તક મળી જાય છે.

ઘણા લોકો જેઓ અધિક કસરત અને શારીરિક પરિશ્રમ કરે છે, અને તેમને પૌષ્ટિક આહાર દ્રવ્યો ભોજન માટે મળી શકતા નથી તો તેવી વ્યક્તિઓનું યોગ્ય પોષણ ન થતું હોવાથી કુપોષણજન્ય રોગો ઉત્પન્ન થાય છે. તેવી જ રીતે બેઠાડુ જીવન જીવનારા ખૂબ પૌષ્ટિક આહાર ખાય તો તેનું યોગ્ય પાચન ન થતા તે શરીરમાં માત્ર મેદ સ્વરૂપે જમા થાય છે. તેથી આવી વ્યક્તિઓ સ્થૂળ થઈ જાય છે. એટલા માટે આહારની માત્રા પોતાના જઠરાગ્નિના બળ પ્રમાણે નક્કી કરવી જોઈએ. માત્રાપૂર્વક કરેલો આહાર જ શરીરને સ્વસ્થ અને બળવાન બનાવે છે.

આહારનો સમય 

આયુર્વેદમાં મહર્ષિ સુશ્રુતે જણાવ્યું છે કે, ‘કાલે પ્રીણયતેભુક્તમ્’ અર્થાત સમય પ્રમાણે કરેલું ભોજન તૃપ્તિકારક હોય છે. સવારે મળ-મૂત્રાદિના ત્યાગ પછી જ્યારે વ્યક્તિ પોતાનામાં હલકાપણાનો અનુભવ કરે, ભૂખ લાગે, ઓડકાર સાફ આવે અને શરીરમાં સ્ફૂર્તિ-ઉત્સાહ જણાય ત્યારે સમજવું જોઈએ કે રાત્રે લીધેલો આહાર પચી ગયો છે. પછી સ્નાનાદિ ક્રિયાઓથી પરવારીને તાજો બનાવેલો અને પૌષ્ટિક નાસ્તો કરવો જોઈએ. ટૂંકમાં, આગળનો જામેલો આહાર પચી ગયાનાં ઉપરોક્ત લક્ષણો જણાય ત્યારબાદ જ ફરી આહાર લેવો જોઈએ.

આજે આધુનિક વ્યવહાર જ એવો થઈ ગયો છે કે, મનુષ્ય ઉચિત આહાર યોગ્ય સમયે નથી લઈ શકતો. પરિણામે તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક નીવડે છે. સમયસર આહાર લેવાથી જ ઉત્તમ સ્વાસ્થ્ય જળવાય છે. જેમ કે મહર્ષિ ચરકે આ માટે લખ્યું છે કે, ‘કાલ ભોજનમ્ આરોગ્ય કરાણામ્ શ્રેષ્ઠમ્’ એટલે કે આરોગ્ય કરનારા જેટલા પણ ઉપચાર કે ઉપાય છે, તેમાં સૌથી ઉત્તમ છે, ‘સમયસરનો આહાર’.

સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે, સમયસર આહાર લેવામાં ન આવે તો પછી તેની ઈચ્છા નથી રહેતી અથવા તો ભૂખ મરી જાય છે. આ ઉપરાંત શરીર ભારે થઈ જવું, માથું દુખવું, ચક્કર આવવા વગેરે લક્ષણો જણાય છે. આવી જ બીજી અનેક સમસ્યાઓ ઉપરાઉપરી જમવાથી થાય છે. મારી દૃષ્ટિએ આ આધુનિક જીવનમાં શારીરિક દૌર્બલ્ય અને અનેક રોગો ઉત્પન્ન થવામાં આનાથી મોટું કોઈ બીજું કારણ ન હોઈ શકે. એટલા માટે પોતાના સ્વાસ્થ્યનું રક્ષણ કરવા ઈચ્છતી વ્યક્તિઓએ સમયસર ઉચિત માત્રામાં આહાર લેવો જોઈએ. સાથે મિતાહાર અને હિતાહારનું મહત્ત્વ પણ સમજવું જોઈએ.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન