Whether it is expansion of the cabinet or reshuffle in the organization, Anandibahn's opinion is still inevitable today.
  • Home
  • Featured
  • ગુજરાતના રાજકારણમાં આનંદીબહેન પટેલનો દબદબો યથાવત, આજે પણ મંત્રીમંડળનું વિસ્તરણ હોય કે સંગઠનમાં…

ગુજરાતના રાજકારણમાં આનંદીબહેન પટેલનો દબદબો યથાવત, આજે પણ મંત્રીમંડળનું વિસ્તરણ હોય કે સંગઠનમાં…

 | 7:41 am IST

ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકેનું બિરુદ મેળવનારા આનંદીબહેન પટેલને અનામત આંદોલન કરાવીને સત્તા પરથી હટાવાયા હતા. જો કે તેઓએ પણ કોઈની સામે બદલો લેવાની ભાવના નહોતી રાખી આથી જ તેઓને રાજયપાલ બનાવાયા છે. હાલમાં તેઓ ગુજરાતની સત્તાથી દૂર છે.

પરંતુ વડાપ્રધાન મોદીને આજે પણ તેમના પર અતૂટ વિશ્વાસ છે. જેને લઈને થોડો સમય પહેલા જ્યારે નેતૃત્વ પરીવર્તનની વાત શરૂ થઈ ત્યારે આનંદીબહેનને ફરીથી મુખ્યમંત્રી બનાવાશે એવી હવા ચાલી હતી. રાજકીય પંડિતોને આવી કોઈ જ શક્યતાઓ દેખાતી નથી. પરંતુ એ હકિકત છે કે આજે પણ ગુજરાતની મહત્ત્વની રાજકીય બાબતોમાં તેમનો અભિપ્રાય લેવામાં આવે છે.

તેમની પાસે વહીવટનો બહોળો અનુભવ હોવાથી આગામી સમયમા સંગઠનમાં જે ફેરફાર થવાના છે તેમાં અને જો ગુજરાત સરકારના મંત્રી મંડળનું વિસ્તરણ થશે તો પણ તેમનો અભિપ્રાય મહત્વનો બની રહેશે. આનંદીબહેનનુ હજુ પણ વજન છે તેવુ જાણીને તેમના સમર્થકો ઉત્સાહીત થયા છે જ્યારે અનેક સિનિયર નેતાઓની ઉંઘ ઉડી ગઈ છે.

ચૌધરીને ૮ બેઠકોની જવાબદારી સોંપાતા નવા રાજકીય સમીકરણો

પૂર્વ મંત્રી શંકર ચૌધરીને નજીકના ભવિષ્યમાં યોજાનારી વિધાનસભાની તમામ ૮ બેઠકોની પેટાચૂંટણીના સંકલનની મહત્વની જવાબદારી સોંપાઈ છે. વડાપ્રધાનની સૂચના બાદ આ નિર્ણય લેવાયાની ચર્ચા છે. રાજકીય પંડિતોના મત મુજબ શંકર ચૌધરીની આ નિમણુંક આગામી સમયમાં નવા રાજકીય સમીકરણો ઉભા થશે એવો સંકેત આપે છે. કેટલાક તો શંકર ચૌધરીને ભાજપના પ્રદેશ પ્રમુખ બનાવાય એવી શક્યતા પણ વ્યક્ત કરી રહ્યા છે. આ ઉપરાંત મંત્રી મંડળનાં વિસ્તરણમાં પણ આની અસર પડી શકે છે.

કેબિનેટ મંત્રીના PAને પણ હવે વિધાનસભાની ચૂંટણી લડવાના કોડ

સરકારના મંત્રીઓના PA તરીકે કેટલાય અધિકારીઓ ૧૦ વર્ષથી લઈને ૨૫ વર્ષથી ફરજ બજાવી રહયાં છે. આવા અધિકારીઓએ પાવર અને પૈસા બન્નેને નજીકથી જોયા હોય છે. આથી હવે કેબિનેટ મંત્રી કક્ષાના એક PAને પણ ચૂંટણી લડવાની ઈચ્છા થઈ છે. ટિકિટ મળશે જ એવી આશાએ આ પગારદાર PAએ પોતાના વિશ્વાસુ માણસોને કામે પણ લગાડી દીધા છે, જેમણે PA જે વિસ્તારમાંથી ચૂંટણી લડવા માંગે છે ત્યાં ફરીને PAનો પ્રચાર- પ્રસાર પણ શરૂ કરી દીધો છે. PAના આ ખાસ માણસો સ્થાનિક લોકોને તમારા કોઇ પણ કામ સરકારમાં અટક્યા હોય તો તે કરાવી દેવાની લાલચ પણ આપે છે. PAને આગામી વિધાનસભાની ટિકિટ તો મળશે જ પણ તેમને ધારાસભ્ય બન્યા બાદ તેમને મંત્રીપદ પણ મળવાનું છે એ પ્રકારનું લોબીંગ પણ શરૂ થઇ ગયું છે. આ વાત જાણ્યા બાદ સચિવાલયમાં આ PA હાંસીનું પાત્ર બન્યા છે.

CMએ શહેર પ્રમુખ પંચાલને ઝાટક્યા તમે કોઈના ફોન ઉઠાવો છો?

તાજેતરમાં જ અમદાવાદમાં જિલ્લાના તમામ ધારાસભ્યો સાથે મુખ્યમંત્રીએ ચૂંટણીનાં સંદર્ભમાં બેઠક કરી હતી. જેમા ભાજપના શહેર પ્રમુખે CMને ફરીયાદ કરી હતી કે ઉચ્ચ અધિકારીઓ ધારાસભ્યોના ફોન નથી ઉપાડતા. આથી CM રૂપાણીએ પંચાલને ટકોર કરી કે તમે ક્યાં કાર્યકરોના ફોન ઉઠાવો છો? કાર્યકરો નાના મોટા કામ માટે ફોન કરે ત્યારે તમે તેની અવગણના કરો છો. ત્યાર બાદ CMએ એવી શિખામણ આપી હતી કે તમારે ધારાસભ્યોએ પણ અધિકારીઓ સાથે રેપો કેળવવો જોઈએ  જો કોઈ અધિકારી મીટીંગમા હોઈ કે અન્ય મહત્વના કામમા હોય તો તમારો ફોન જે તે સમયે ન પણ ઉપાડે . તમારે આ અધિકારીને મેસેજ કરવો જોઈએ. શહેર પ્રમુખને તેની ભાષા પર કાબુ રાખવાની સલાહ પણ અપાઈ હતી.

IASએ પણ બહેનના બેન્ક એકાઉન્ટમાં ૩૦ લાખ નખાવ્યા હતા

મહિલા PSIએ દુષ્કર્મ જેવા અત્યંત ગંભીર ગુનામાં આરોપી પાસેથી બનેવીને રૂ.૨૦ લાખની લાંચ આંગડિયા મારફતે આપ્યાની ઘટના વચ્ચે વર્ષ અગાઉ સુરેન્દ્રનગરના ચકચારી જમીન કૌભાંડમાં સામેલ રાજકોટના જમીન માફિયાઓ પાસેથી જૂનિયર IASએ દક્ષિણ ભારત સ્થિત પોતાની બહેનના બેંક એકાઉન્ટમાં રૂપિયા ૩૦ લાખ નંખાવ્યાનો કિસ્સો સચિવાલયમાં ચર્ચાની એરણે છે.

આ કેસમાં GAS કેડરના બે અધિકારીઓ જેલમાં જઈ આવ્યા છે. છઝ્રમ્ની તપાસમાં રૂ.૩૦ લાખની એન્ટ્રી બહાર આવતા આ IASએ CMOથી દિલ્હી સુધી પોતે નિર્દોષ હોવાનું રટણ કર્યું હતું. બહેનને પૈસાની જરૂર હોવાથી રાજકોટના ઓળખીતા પાસેથી ઉછીની રકમ લીધાનું કાગળ ઉપર પુરવાર કરીને ACBમાં તપાસ માંડવાળ કરી હતી. લોકડાઉન દરમિયાન પોતાની ઈમેજ બિલ્ડઅપ કરવા આ IASએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન ચલાવીને સ્વમેળે એવોર્ડ પણ મેળવ્યો છે.

સરકારના વહાલા અધિકારીઓને વય નિવૃત્તિ પછી તરત પોસ્ટિંગ

લગભગ અડધી જીંદગી સત્તાના નશા સાથે વિતાવનારા IAS તેમજ અન્ય ક્લાસ-૧ અધિકારીઓને વય નિવૃત થયા પછી સત્તા વગર રહેવું સહેજે ગમતું નથી. આથી જ તેઓ પોતાના કાર્યકાળ દરમિયાન હંમેશા સરકારની તેમજ મંત્રીઓની ગુડબુકમાં રહી વ્હાલા થવા મથતા હોય છે અને મંત્રીઓનાં ખોટા નિર્ણયોમાં પણ કોઈ જ વિરોધ કરતા નથી. ફળસ્વરૂપે આવા અધિકારીઓને નિવૃત્તિ બાદ પણ સરકાર દ્વારા તેમને કોન્ટ્રાક્ટ આધારિત મલાઇદાર પોસ્ટિંગ આપે છે.

તાજેતરમાં નિવૃત થયેલા ચાર પ્રમોટી IAS ને સરકારે તુરંત જ મહત્વની જવાબદારી સોંપી છે. જેમાં ખરસાણને અમદાવાદ કોર્પોરેશનમાં, એસ કે લાંઘાને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં, એમ એસ પટેલને સુરત મેટ્રો રેલ કોર્પોરેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે અને  આર જે માકડીયાને સુરત કોર્પોરેશનમાં OSD તરીકે મુકી દેવાયા છે. જ્યારે GAS કેડરના વી પી મચ્છરને સુરત કોર્પોરેશનમા OSD  તરીકેની જવાબદારી સોંપાઈ છે. આ તમામ નિમણૂક એક વર્ષ માટે કરાઈ છે.

IASના ઈશારે સમાજ કલ્યાણ ખાતાના બજેટમા ૨૦૦ કરોડનો કાપ મુકાયો

કોરોના મહામારી અને લોકડાઉનને કારણે સરકારની આર્થિક સ્થિતિ ખુબ જ કફોડી બની ગઈ છે. દરેક ડીપાર્ટમેન્ટમાં વિવિધ યોજનાઓમાં તેમજ ખર્ચમા કાપ મુકવાનો સરકારે આદેશ કર્યો છે. પરંતુ સમાજ કલ્યાણ ખાતાએ પોતાના બજેટમાં પણ ૨૦૦ કરોડનો કાપ મૂક્યો છે. જેમા અનુસૂચિત જાતિ માટેની યોજનાઓમાં ૧૧૦ કરોડ, ઓબીસી માટેની યોજનાઓમાં ૬૦ કરોડ તેમજ સમાજ સુરક્ષાની યોજના માટે થતાં ખર્ચમાં ૩૦ કરોડનો કાપ મુકાયો છે.

આવા સંજોગોમાં છેવાડાના માનવીની વાત કરતા ભાજપમાં જ ‘અનુસૂચિત જાતિ અને ઓબીસી સમાજ બન્નેના થઈને કુલ ૧૭૦ કરોડથી વધુનો કાપ મુકીને કઈ રીતે આત્મનિર્ભર બનાવાશે?  ‘ આ પ્રશ્ન ઉભો થયો છે. એટલુ જ નહી IAS તથા અન્ય ટોચના અધિકારીના ઈશારે ૨૦૧૯-૨૦૨૦ના વર્ષની ૧૭૦ થી વધુ ફાઈલોને દફ્તરે કરી દેવાઈ છે. આ યોજનામાં કાપ મુકાતા સૌથી મોટી અસર એ થશે કે નબળા વર્ગમાંથી આવતા યુવાનોના વિદેશમાં ભણવા જવા માટેના સ્વપ્ન પર પણ પાણી ફરી શકે છે..

માસ્ક નહીં પહેરનારા સનદી અધિકારીઓને IASનો ઠપકો

કોરોનાનો વ્યાપ અટકાવવા માટે સરકારે સોશિયલ ડિસ્ટન્સીંગ જાળવવાનું તેમજ મોઢા પર ફરજીયાત માસ્ક પહેરવાનો નિયમ બનાવ્યો છે. દુઃખની વાત એ છે કે નીતિ ઘડનારા લોકો જ તેનું પાલન કરતા નથી. ગાંધીનગરમાં CM બંગલે તેમજ મંત્રીઓની ઓફિસોમાં અવારનવાર મીટીંગો થતી હોય છે. જેમાં હાજર રહેતા મંત્રીઓ-સનદી અધિકારીઓ આ મુદ્દે જરાય ગંભીર નથી.

તાજેતરમાં એક આવી મીટીંગમાં કેટલાક IAS અધિકારીઓ તેમજ મંત્રીઓએ પણ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કર્યુ નહોતુ તેમજ માસ્ક પણ પહેર્યા નહોતા. કેટલાક અધિકારીઓએ પોતાના મોઢા પર માસ્કને અડધા લટકાવી રાખ્યા હતા. આથી એક સિનિયર IASએ મીટીંગ બાદ માસ્ક નહી પહેરનારા IAS અધિકારીઓને ટોકતા જણાવ્યું હતું કે જો આપણે જ નિયમોનું પાલન નહીં કરીએ તો સમાજમાં કેવો સંદેશો જશે?

તમારે મીટીંગમાં પણ માસ્ક પહેરવા જોઈએ અને સોશિયલ ડિસ્ટન્સીંગનુ પણ પાલન કરવું જોઈએ. જો કે શેઠની શિખામણ ઝાંપા સુધી એ કહેવતની માફક ત્યાર પછીની મીટીંગમાં પણ અમુક IAS અધિકારીઓએ માસ્કને અડધા લટકાવી રાખ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન