White musli cultivation makes Dang's Bhavadi village prosperous, 385 farmers start cultivating more than 65 acres
  • Home
  • Gujarat
  • નવો પ્રયોગઃ સફેદ મૂસળીની ખેતીથી ડાંગનું ભવાડી ગામ સધ્ધર બન્યું, 385 ખેડૂતો 65થી વધુ એકરમાં ખેતી કરવા માંડ્યા

નવો પ્રયોગઃ સફેદ મૂસળીની ખેતીથી ડાંગનું ભવાડી ગામ સધ્ધર બન્યું, 385 ખેડૂતો 65થી વધુ એકરમાં ખેતી કરવા માંડ્યા

 | 11:52 am IST
  • Share

ડાંગ જિલ્લાના ભવાડી ગામના આદિવાસી ખેડૂતો ઔષધિય ગુણોવાળી સફેદ મૂસળીની ખેતી કરી પોતાની આવક ચાર ઘણી કરી રહ્યા છે અને સમગ્ર ડાંગ આજે સધ્ધર બન્યું છે. ડાંગ જિલ્લો એ ઓર્ગેનિક ખેતી ધરાવતો જિલ્લો છે. અહીં ઔષધીઓનો ખજાનો છે. હાલ ચોમાસાની ઋતુમાં આવી જ એક ઔષધિ સફેદ મૂસળીની ખેતી કરવામાં આવે છે. સફેદ મૂસળી શક્તિવર્ધક ઔષધિ માનવામાં આવે છે જેની દેશ વિદેશમાં ખૂબ માંગ છે. વિદેશમાં લોકો તેને ઇન્ડિયન વાયગ્રા તરીકે ઓળખે છે.

ડાંગ જિલ્લાનું ભવાડી ગામ હવે દેશ-વિદેશમાં પ્રખ્યાત બન્યું છે, કેમ કે આ ગામમાં શક્તિવર્ધક સફેદ મૂસળીની ખેતી થાય છે. ગામના જયેશભાઇ મોકાસીએ શરૂ કરેલી આ ખેતી હવે દરેક ખેડૂતોએ અપનાવી લીધી છે અને લાખો રૂપિયાની આવક મેળવી પોતાનું જીવન સધ્ધર કરી રહ્યા છે. ગુજરાતના ડાંગ સહિત મધ્યપ્રદેશ,પિૃમ હિમાલય, ઉત્તર હિમાલય અને પંજાબમાં પણ ઉત્તમ પ્રકારની મૂસળીની ખેતી થાય છે.

ડાંગમાં ચોમાસાની શરૂઆત થતા જ સફેદ મૂસળીની ખેતી કરવામાં આવે છે. એક અંદાજ મુજબ ડાંગ જિલ્લામાં 385 જેટલા નાના મોટા ખેડૂતો સરકારી યોજનાના લાભ સાથે કે પોતાની રીતે કુલ 65થી વધુ એકરમાં સફેદ મૂસળીની ખેતી કરે છે.

વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી 19 કરોડથી વધુ આવક મેળવી

એક એકરના ક્ષેત્રમાં ખેડૂતને લગભગ 2000 કિલોગ્રામ મૂસળી મળે છે જે તૈયાર થયા પછી કાચી મૂસળી અને તેનો પાવડર બનાવી પ્રતિ કિલોના 1000થી 3000 પ્રમાણે લાખો રૂપિયાની આવક મેળવી રહ્યા છે, એટલે ડાંગ જિલ્લામાં ૬૫ એકરમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરી 19 કરોડથી વધુ આવક મેળવી આદિવાસી ખેડૂતો ચાર ગણી આવક મેળવનાર ખેડૂતો બની ગયા છે. જેને લઇને સમગ્ર ભવાડી ગામના લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.

સરકારની જુદી જુદી યોજનાઓ થકી ડાંગના તમામ ખેડૂતો આ પ્રકારે ખેતી કરી પોતાનું જીવનધોરણ ઊંચું લાવે તેવા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

ભવાડીના જયેશ મોકાસી ખેડૂતોને તાલીમ આપે છે

ગુજરાત સરકારે ભવાડી ગામના જયેશ મોકાસીને ફેસિલિટર બનાવ્યા છે. જયેશભાઇ પાસેથી ડાંગ જિલ્લાના ૩૮૫ ખેડૂતો તાલીમ લઇ સફેદ મૂસળીની ખેતી કરે છે અને સરકારી સબસિડીનો લાભ પણ મેળવી રહ્યા છે. સફેદ મૂસળીના મૂળમાં ઔષધિ ગુણ હોવાથી તેને દવા તરીકે ઉપયોગમાં લેવાય છે જ્યારે તેની ઉપરની લીલી ભાજી લોકો ખાવા માટે ઉપયોગ કરે છે.

આ ભાજી પણ ખૂબ ફાયદાકારક હોવાનું માનવામાં આવે છે. ડાંગના આહવા ખાતે આવેલ આયુર્વેદિક ફાર્મસીમાં આ સફેદ મૂસળીમાંથી શક્તિમાન નામની દવા બનાવવામાં આવે છે. જે રાજયની તમામ સરકારી આયુર્વેદિક હોસ્પિટલ સહિત દરેક દવાની દુકાનોમાં મળે છે. આ દવાની વિદેશમાં ખૂબ માંગ છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો