કોણ સુધારી શકે ચીન સાથેના વણસી ગયેલા સંબંધો? - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • કોણ સુધારી શકે ચીન સાથેના વણસી ગયેલા સંબંધો?

કોણ સુધારી શકે ચીન સાથેના વણસી ગયેલા સંબંધો?

 | 1:47 am IST
  • Share

કરન્ટ અફેર :- આર.કે.સિંહા

સમગ્ર વિશ્વ વૈશ્વિક મહામારી કોરોનાનો સામનો કરી રહ્યું છે તેવામાં ભારતને ચીનના આક્રમક વલણનો અલગથી સામનો કરવો પડી રહ્યો છે. કહેવાની જરૂર નથી કે તેથી ભારતની મુશ્કેલીઓમાં વધારો જ થાય છે. ચીની સેનાઓ ભારતની સરહદે દબાણ કરવાની સાથે સરહદે પોતાની તૈનાતી વધારી રહી છે. સમગ્ર વિશ્વ પણ ચીનના નાપાક ઇદારાઓને જોઇ રહ્યું છે. તેને કારણે રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને ગયા શનિવારે સાંકેતિક રૂપે કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ શી જિનપિંગ બંને જવાબદાર નેતા છે. તે બંને નેતા પારસ્પરિક વાતચીતથી મુદ્દાઓનું સમાધાન કરવા સક્ષમ છે. પુતિને જે કાંઇ ક્હ્યું તેને ઊંડાણપૂર્વક સમજવાની જરૂર છે. તેમની અને વિશ્વના કોઇપણ જવાબદાર રાષ્ટ્રપ્રમુખની ઇચ્છા એ જ રહે કે એશિયાની બંને મહાશક્તિઓ વચ્ચે જલદી શિખર મંત્રણા શરૂ થાય. મંત્રણા ચાલુ થશે અને બંને દેશોના પ્રતિનિધિઓ આમનેસામને બેસશે ત્યારે પરિણામ સામે આવી જ જશે.

ભારત-ચીન સંબંધો પર બારીક નજર રાખી રહેલા નિષ્ણાતો જાણે જ છે કે ચીની પ્રમુખ શી જિનપિંગ મનથી ધારી લે તો ભારત-ચીન સંબંધો મધુર થઇ શકે છે. તેઓ આજના યુગના ચીનના એકછત્ર નેતા છે. પરંતુ તેઓ તો સરહદે તંગદિલી અને અથડામણ થયા પછી પણ ખામોશ જ રહે છે. તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે સીધી વાત કરવી જોઇએ કે જેથી વિવાદિત મુદ્દાઓનો તાકીદે ઉકેલ આવી શકે. હવે જરા જુવો, સમગ્ર વિશ્વ એકબીજા સાથે સીધા ફોન પર વાતચીત કરી રહ્યું છે, તેવામાં તેઓ કોરોનાના કહેર વચ્ચે મોદીજીને પત્ર લખે છે. પોતાના પત્રમાં તેમણે કોરોના વાઇરસ મુદ્દે સંવેદના વ્યક્ત કરી અને તેની વિરુદ્ધની લડાઇમાં મદદની દરખાસ્ત મૂકી. શી જિનપિંગે પોતાના સંદેશામાં જણાવ્યું કે ચીન ભારત સાથે મહામારીનો સામનો કરવા માટેનો સહયોગ મજબૂત કરવા તેમજ દેશને સમર્થન અને સહાયતા પ્રદાન કરવા તૈયાર છે. શું તેઓ મોદીજી સાથે સીધી વાત નહોતા કરી શકતા કે જેથી સંબંધો પર જામેલા બરફના પડ પણ ઓગળી જાત?

શી જિનપિંગ મોદીજીને મળતા રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૧૯ના અંતભાગમાં ચેન્નઇના પ્રાચીન શહેર મામલ્લાપુરમ આવ્યા હતા. તેમણે અહીં નરેન્દ્ર મોદી સાથે અવિધિસરની શિખર મંત્રણા કરી હતી. તે વખતે મોદી-શી જિનપિંગ વચ્ચેની ચર્ચાને અંતે લાગ્યું હતું કે બંને દેશો વચ્ચે સહયોગના નવા યુગના મંડાણ થશે. બંને નેતાએ છ કલાકથી વધુ સમય સુધી સામસામે બેસીને વાતચીત કરીને મતભેદોનો વિવેકપૂર્ણ રીતે ઉકેલ લાવવા સંકલ્પ જાહેર કર્યો હતો. બંને દેશોએ બિઝનેસ, રોકાણ અને સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા વિષયે એક નવા તંત્રની રચના કરવા સહમતી જાહેર કરી હતી. ચીને તે વખતે બંને દેશો વચ્ચે પ્રવર્તી રહેલી વેપાર અસમતુલાને મુદ્દે પગલાં લેશે તેવો ભરોસો અપાવ્યો હતો.

ભારતે ચિંતા વ્યક્તિ કરી હતી કે બંને દેશો વચ્ચેના વેપારમાં ચીન ભારે લાભની સ્થિતિમાં છે. ચીન ભારતથી જે વસ્તુની આયાત કરે છે તેને મુકાબલે અનેકગણી માત્રામાં નિકાસ કરે છે. પરંતુ તે શિખર પછી પણ બંને દેશો વચ્ચે સંબંધ સુધરવાને બદલે ખરાબ જ થતા રહ્યા. તે માટે ચીન પૂરી રીતે જવાબદાર છે. પહેલા ડોકલામ અને પછી લદ્દાખમાં બંને દેશોના સૈનિકો વચ્ચે અથડામણો સર્જાઇ. બંને પક્ષે સંખ્યાબંધ લોકોના મૃત્યુ થયાં. ઉલ્લેખનીય છે કે દ્વિપક્ષીય સંબંધોમાં તંગદિલીનું કારણ સરહદી વિવાદ જ રહ્યો રહેતો આવ્યો છે. તેથી નહેર કાળથી પડતર રહેલા સરહદી વિવાદના મુદ્દાને હલ કરવાની જરૂર છે. ભારત માને છે કે ચીન સરહદી વિવાદ દૂર કરીને વ્યાવહારિક સહયોગને પ્રોત્સાહન આપી શકે છે.

જોકે ડોકલામ અને લદ્દાખની ઘટનાઓએ બંને દેશોના સંબંધને ગંભીર રીતે પ્રભાવિત કર્યા છે. ચીનના પ્રમુખ શી જિનપિંગે પણ પોતાના દેશની વિસ્તારવાદી નીતિ છોડવી પડશે. ડોકલામ અને લદ્દાખની અથડામણો પછી તેમને એ વાતની ખબર તો પડી જ ગઇ છે કે ભારત હવે ૧૯૬૨વાળું ભારત તો નથી જ રહ્યું. યુદ્ધની નોબત આવી તો ભારતીય સૈન્ય બેઇજિંગમાં ઘૂસી જવા તૈયાર બેઠું છે. ભારતના લાખો વર્ગ કિ.મી. વિસ્તારનો કબજો કરીને બેઠેલું ચીન ભારતને સ્પર્શતી વાસ્તવિક અંકુશરેખા (એલએસી) પર દબાણો કર્યા જ કરે છે. બંને દેશો વચ્ચે ૪૦૪૮ કિ.મી. લાંબી સરહદ છે. તેમાં પશ્ચિમ સેક્ટર (લદ્દાખ), મધ્ય સેક્ટર (ઉત્તરાખંડ, હિમાચલ) અને પૂર્વ સેક્ટર (સિક્કિમ, અરુણાચલ)નો સમાવેશ થાય છે. ભારત હવે ચીન સામે રણભૂમિ અને રાજદ્વારી એમ બંને મોરચે ટક્કર લેવામાં પીછેહઠ નથી કરવાનું.

ચીને જાણી લેવું જોઇએ કે આજનું ભારત પંડિત નહેરુના કાળનું ભારત નથી. નહેરુજીના નેતૃત્વમાં ચીને ભારતને ભારે નુકસાન પહોંચાડયું હતું. ભારતના મોટા જમીન વિસ્તારનો કબજો કરી લીધો હતો. ભારત ચીન સાથે બરોબરીના સંબંધ ઇચ્છે છે. ભારત ઇચ્છે છે કે ભારત ચીન વેપારીસંબંધોનો વિસ્તાર થાય. આ બાબત બંને દેશોના હિતમાં પણ છે. ભારત ચીની રોકાણકારોને ભારતમાં રોકાણ કરવાની તમામ તક આપે છે. દિલ્હી, ગુરુગ્રામ અને નોઇડાની વાત થઇ રહી હોય તો અહીં હજારો ચીની નાગરિક સન્માનપૂર્વક રહે છે. તે લોકો હુઆવેઇ, ઓપ્પો મોબાઇલ, મિત્તુ, બેડુ જેવી કંપનીઓ સાથે સંકળાયેલા છે. હુઆવેઇમાં સૌથી વધુ ચીની વ્યવસાયીઓ છે. તેમાં મહિલાઓ પણ મોટી સંખ્યામાં છે. માત્ર ગુરુગ્રામમાં જ ચાર હજારથી વધુ ચીની નાગરિક વિવિધ કંપનીઓમાં કામ કરે છે. તેમાંથી અડધોઅડધ લોકો તો ગયા વર્ષે ચીની નૂતન વર્ષ મનાવવા ગયા જાન્યુઆરી મહિનામાં પોતાના દેશ પણ ગયા હતા. કોરોના સંક્રમણને કારણે તેઓ ચીનમાં જ ફસાઇ ગયા છે.

તેઓ ત્યાંથી ભારત આવવા પ્રયાસ કરી રહ્યા છે. જે ભારતમાં છે તેઓ તો કોઇપણ ભોગે નીકળવા નથી માંગતા. તેમને ભારત વધુ સુરક્ષિત લાગે છે. ચીનના પ્રમુખ શી જિનપિંગ સપ્ટેમ્બર ૨૦૧૫માં નવી દિલ્હી આવ્યા હતા. તે વખતે ચીની દૂતાવાસે ભારતમાં લગભગ ૧૦૦ વર્ષથી વસી ચૂકેલા ચીની મૂળના ભારતીય નાગરિકો અને ભારતમાં કામ કરી રહેલા ચીની વ્યવસાયીઓને નિમંત્રણ આપ્યું હતું. તે મિલન સમારંભમાં પણ ચીની પ્રમુખે સૌને ભારતના વિકાસમાં ભાગીદાર બનવા આહ્વાન કર્યું હતું.

પ્રમુખ જિનપિંગનું નેતૃત્વ ધરાવતા ચીને ભારત સાથેના સંબંધોને વેગ આપવા પ્રયાસ જ નથી કર્યો. તેમણે તો પોતાના દેશની કંપનીઓની જ પરવા કરી છે. કોરોનાકાળ પહેલાં દિલ્હીના શાંતિ પથ પર આવેલા ચીની દૂતાવાસ ખાતે ભારે રોનક રહેતી હતી. હજારો લોકો અને ચીન જનારા વેપારી વિઝા માટે ત્યાં આવતા રહેતા હતા. પરંતુ હવે તે તે દૂતાવાસ ખાતે પણ ઉદાસી અને સૂનકાર છે. દૂતાવાસ ખાતે સામાન્ય દિવસોમાં પણ લોકોની અવરજવર ઘટી છે. ૧૯૬૦ના આરંભમાં બનેલું ચીની દૂતાવાસ ૧૨ માર્ચ ૨૦૨૦થી લગભગ બંધ જ પડયું છે. તેની બહાર દિલ્હી પોલીસના જવાન હંમેશા તૈનાત રહે છે. શી જિનપિંગ ઇચ્છે તો ચીની દૂતાવાસ ખાતે પહેલાં જેવી અવરજવર પાછી વધી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન