લાયક કોણ છે? - Sandesh

લાયક કોણ છે?

 | 4:21 am IST
  • Share

દેવગઢના રાજા ખુમાનસિંહ બહુ ન્યાયપ્રિય, દયાળુ અને વિનમ્ર હતા. રાજાને ત્રણ દીકરા હતા. ખુમાનસિંહની ઉંમર હવે વધી રહી હતી તેથી તેમણે ત્રણમાંથી કોઈ દીકરાને રાજગાદી સોંપવાનો નિર્ણય કરવાનો હતો. તેમણે ત્રણેય રાજકુમારને પોતાની પાસે બોલાવ્યા અને તેમને એક એક સોનામહોર આપીને કહ્યું કે તેની મદદથી કોઈ એવી ચીજ ખરીદજો જેને કારણે એક આખો રૂમ ભરાઈ જાય, એટલું જ નહીં પરંતુ તે ઉપયોગી પણ બની રહે.

રાજાની આવી માગણીથી રાજકુમારો થોડા મૂંઝાયા તો ખરા છતાં પણ સોંપેલું કામ શ્રેષ્ઠ રીતે કરવાનું વચન આપીને અલગ અલગ દિશાઓમાં રવાના થયા. મોટો રાજકુંવર ઘણીવાર સુધી માથું પકડીને બેસી રહ્યો. ઘણું વિચાર્યા પછી તેને લાગ્યું કે આ સોનામહોરમાંથી જેટલું રૂ મળે એ ખરીદીને રૂમમાં ભરી દેવું જોઈએ. રૂથી રૂમ ભરાઈ જશે અને એ રૂ રજાઈ બનાવવા પણ કામમાં લાગશે અને એ વિચારનો અમલ કર્યો બીજા નંબરના રાજકુમારે ગાય અને ઘોડાને ખાવા ઘાસ કામ લાગશે એમ વિચારીને આખો રૂમ ઘાસથી ભરી દીધો. જયારે સૌથી નાના રાજકુમારે ત્રણ દીવા ખરીદ્યા. પહેલો દીવો તેણે રૂમમાં પ્રગટાવીને મૂક્યો. તેનાથી આખા રૂમમાં પ્રકાશ પથરાઈ ગયો. બીજો દીવો તેણે અંધારિયા ચાર રસ્તા પાસે મૂક્યો, જેથી ત્યાં પ્રકાશ ફેલાઈ ગયો. ત્રીજો દીવો એક ઉંબરા ઉપર મૂક્યો જેથી બીજા બે રૂમમાં અજવાળું પથરાઈ ગયું. આટલું કરવા છતાં આખી સોનામહોર વપરાઈ નહીં તેથી વધેલી સોનામહોરમાંથી તેણે ગરીબોને ભોજન કરાવ્યું. નિર્ધારીત કરેલા દિવસે અને સમયે રાજાએ ત્રણેય રાજકુમારોની વસ્તુઓનું નિરીક્ષણ કર્યું. છેવટે નાના રાજકુમારના સમજણભર્યા નિર્ણય પર બધા પ્રભાવિત થયા અને રાજાએ તેને રાજગાદી સોંપી દીધી.

SMS  

કહેવાય છે કે જીવન ‘કેટલું જીવો છો એ નહીં પણ ‘કેવું’ જીવો છો એ મહત્ત્વનું છે.’ એ જ બાબત વ્યક્તિની યોગ્યતા નક્કી કરે છે.

(‘જીવનની પાઠશાળા’

પુસ્તકમાંથી સાભાર)

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો