Why resident doctors in Surat hospital End their life
  • Home
  • Featured
  • કેમ સુરતની હૉસ્પિટલોમાં જીવન ટૂંકાવવા મજબૂર બની રહ્યાં છે ડૉક્ટરો?

કેમ સુરતની હૉસ્પિટલોમાં જીવન ટૂંકાવવા મજબૂર બની રહ્યાં છે ડૉક્ટરો?

 | 3:49 pm IST
  • Share

  • વધુ એક મહિલા રેસિડન્ટ ડૉક્ટરે કર્યો આપઘાત
  • 5 વર્ષમાં 3 ડૉક્ટર્સે અંતિમ પગલું ભર્યું
  • મેનેજમેન્ટ પણ આપઘાતનું કારણ જાણવા નથી માંગતું?

સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરો કોઈ અગમ્ય કારણોસર અંતિમ પગલુ ભરવા મજબૂર બની રહ્યાં છે. અહીંની ગાયનેક વિભાગમાં ફરજ બજાવતા મહિલા રેસિડેન્ટ ડૉક્ટરે શનિવારે રાત્રે હોસ્ટેલના રૂમમાં એનેસ્થીસિયાનો ઑવરડોઝ લઈને આપઘાત કરી લીધો હતો. સ્મીમેર હોસ્પિટલમાં છેલ્લા 5 વર્ષમાં રેસિડન્ટ ડૉક્ટરોના આપઘાતની આ ત્રીજી ઘટના છે.

મૂળ બારડોલીમાં રહેતી જીગીશા પટેલના આપઘાતના સમાચાર સાંભળીને તેના પરિવારજનો સ્મીમેર હોસ્પિટલ પહોંચ્યા હતા. હજુ સુધી જીગીશાના આપઘાતનું કોઈ ચોક્કસ કારણ જાણવા નથી મળ્યું. જો કે જીગીશાએ પોતાની સ્યૂસાઈડ નોટમાં લખ્યું હતું કે, હું આપઘાત કરવા જઈ રહી છું. જેમાં કોઈની ભૂલ નથી.

મારી મરજીથી અંતિમ પગલું ભરૂ છું
જીગીશાએ પોતાની સ્યૂસાઈડ નોટમાં આપઘાતનું કારણ નથી લખ્યું. માત્ર એટલું જ લખ્યું છે કે, હું આપઘાત મારી મરજીથી કરી રહી છું. જેમાં કોઈની ભૂલ નથી. રવિવારે સવારે 11 વાગ્યે તેની રૂમ પાર્ટનર જ્યારે તેના રૂમ પર ગઈ, ત્યારે તે દરવાજો નહતી ખોલી રહી. આખરે માર્શલને બોલાવીને દરવાજો તોડવામાં આવ્યો, ત્યારે જીગીશા બેડ પર પડી હતી. તેની આસપાસ સિરિંજ અને એનેસ્થેસિયાની બે-ત્રણ શીશી પણ મળી આવી હતી.

ક્યા કારણોસર રેસિડન્ટ ડૉક્ટરો અંતિમ પગલું ભરવા મજબૂર?
2 મે, 2018ના રોજ સિવિલના સર્જરી વિભાગની એક મહિલા રેસિડન્ટ ડૉક્ટર નદીમાં કૂદીને આપઘાત કરવા જઈ રહી હતી. તેણીએ પોતાના સહયોગીને ફોન કરીને જણાવ્યું હતું કે, અહીં કામ કરવા જેવું નથી. પ્રોફેસર પર્સનલ કૉમેન્ટ કરે છે. જો કે આખરે તેને બચાવી લેવામાં આવી.

2 સપ્ટેમ્બર, 2018ના રોજ સ્મીમેર હોસ્પિટલના સર્જરી વિભાગની એક મહિલા રેસિડન્ટ તબીબે ઊંઘની 8 ગોળીઓ ખાઈને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. તેણે પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, OTના ઈન્સ્ટ્રૂમેન્ટ બદલાઈ જવાથી પ્રોફેસરે તેને ફટકાર લગાવી હતી. જેના કારણે તેને માઠુ લાગ્યું હતું.

24 સપ્ટેમ્બર, 2021ના સિવિલના મેડિસિન વિભાગની 28 વર્ષીય સીનિયર રેસિડન્ટ ડૉક્ટર નેહા વર્માએ ગર્લ્સ હોસ્ટેલમાં ક્લોનાજેપમની 6 ગોળીઓ ખાઈ લીધી હતી. જો કે તે બચી ગઈ ગઈ હતી, તે વર્કલોડના કારણે તનાવમાં રહેતી હતી.

અગાઉ જૂન-2017માં પણ MBBSનો અભ્યાસ કરી રહેલી એક વિદ્યાર્થિનીએ કેમ્પસમાં ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ હતો. તે મૂળ વડોદરાની હતી અને ફર્સ્ટ યરમાં અભ્યાસ કરી રહી હતી. તપાસમાં સામે આવ્યું કે, અભ્યાસ અને કામના ભારણના કારણે તે તનાવમાં રહેતી હતી.

ઉલ્લેખનીય છે કે, 2017થી અત્યાર સુધી સિવિલ-સ્મીમેરના 3 રેસિડન્ટ ડૉક્ટરો આપઘાત કરી ચૂક્યાં છે. જ્યારે MBBS વિદ્યાર્થી સહિત 3 લોકો આપઘાતનો પ્રયાસ કરી ચૂક્યા છે. બન્ને હોસ્પિટલોમાં રેસિડન્ટ ડૉક્ટરોની આત્મહત્યા રોકવા માટે ના તો કાઉન્સેલિંગ કરવામાં આવે છે, ના તો આપઘાત પાછળનું કારણ જાણવાનો પ્રયત્ન.

બીજી તરફ આપઘાત કરવાનો પ્રયાસ કરનારા રેસિડન્ટ ડૉક્ટરો કહી ચૂક્યાં છે કે, કામનું ભારણ વધારે રહે છે અને પ્રોફેસરો પણ પરેશાન કરે છે. એવામાં મોટો સવાલ એ છે કે, આખરે ક્યાં સુધી આવી રીતે ડૉક્ટરો આપઘાત કરતાં રહેશે?

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો