Will Hurricane 'TAUKTAE' wreak havoc in Gujarat? How fast will the wind blow, what will be the intensity?
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • શું ગુજરાતમાં ‘TAUKTAE’ વાવાઝોડું તબાહી મચાવશે? કેટલી ઝડપે પવન ફૂંકાશે, તીવ્રતા શું હશે? જાણો Aથી Z માહિતી

શું ગુજરાતમાં ‘TAUKTAE’ વાવાઝોડું તબાહી મચાવશે? કેટલી ઝડપે પવન ફૂંકાશે, તીવ્રતા શું હશે? જાણો Aથી Z માહિતી

 | 12:19 pm IST
  • Share

હવામાન વિભાગની આગાહી પ્રમાણે દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં 14મી મે એટલે કે આજે એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થયું છે. આજે વેલ માર્ક લો પ્રેશરમાં ફેરવાશે. ડીપ ડિપ્રેશન બન્યા બાદ વાવાઝોડામાં પરિવર્તિત થશે. જેના કારણે 18મેએ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. દરિયાકાંઠાના 15 જિલ્લામાં સ્થળાંતરની સૂચના આપી દેવામાં આવી છે. આજથી કાંઠા વિસ્તારોમાં ભારે પવનની અસર વર્તાશે. સૌરાષ્ટ્રમાં કર્મચારીઓને હેડક્વાર્ટર ન છોડવા આદેશ અપાયો છે. રાજકોટમાં NDRFની ટીમ ફાળવવામાં આવી છે.

દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં 14મી મે એટલે કે આજે એક લો પ્રેશર સક્રિય થવાની શક્યતા છે. લો પ્રેશર બનવાની ગતિવિધી પર હવામાન ખાતા દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે. લો પ્રેશર સક્રિય થયા બાદ 16મી મે સુધીમાં વાવાઝોડામાં પરિવર્તિત થવાની પણ શક્યતાઓ રહેલી છે. ગુજરાતના કેટલાક હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે. સક્રિય થયા બાદ કઈ દિશામાં ફંટાઈ શકે છે તેનો અંદાજ લગાવવામાં આવશે. હવામાન ખાતા દ્વારા એવી પણ આગાહી કરવામાં આવી છે કે, 14મી મેના રોજ થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના પગલે ગુજરાતના કેટલાંક વિસ્તારના વાતાવરણમાં પલટો આવશે. જેના કારણે દાહોદ, તાપી, ડાંગ, ભાવનગર અને કચ્છમાં પવન સાથે વરસાદ થવાની પણ શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગે ગુજરાત પર ‘તૌકતે’ વાવાઝોડાની અસર વર્તાશે તેવું અનુમાન કરાયું છે. આ દરમિયાન 35-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેને પગલે અત્યારથી જ સૌરાષ્ટ-કચ્છમાં હાઈ એલર્ટ આપી દેવાયું છે. દક્ષિણ-પૂર્વ અરબી સમૃદ્ધમાં લૉ પ્રેશર સર્જાયું છે, 15મે સુધી પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સાઇક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાઈને ઉત્તર-ઉત્તર પશ્વિમ તરફ આગળ વધી રહ્યું છે. ભારે પવનથી તોફાનમાં ફેરવાઇ જશે, ત્યારબાદ તોફાનની તાકાત વધ્યા બાદ તે વાવાઝોડું ‘તૌકતે’ બની જશે.

ગુજરાત પર ક્યારે ત્રાટકશે આ ‘તોકતે’ વાવઝોડું ?

હવામાન વિભાગે જણાવ્યું છે કે, ‘આ વાવાઝોડું આગામી 20 મેના ઉત્તર ગુજરાત અથવા કચ્છમાંથી પસાર થાય તેની સંભાવના છે. વર્ષ 2021નું આ સૌપ્રથમ વાવાઝોડું છે અને મ્યાંમાર દ્વારા તેને ‘ટૌકાતે’ નામ આપવામાં આવ્યું છે. જોકે, આ વાવાઝોડા કઇ દિશામાં આગળ વધશે તેને લઇને હજુ અસ્પષ્ટતા છે.

ગુજરાતના કેટલાક હિસ્સાને અસર થઇ શકે છે. લો પ્રેશર સર્જાયા બાદ જ તેની દિશા અંગે કંઇક કહી શકાશે. 14 મેના લો પ્રેશર સર્જાયા બાદ લક્ષદ્વિપ, કેરળ, કર્ણાટકના દરિયાકાંઠા, તામિલનાડુ ઘાટના વિસ્તાર, મહારાષ્ટ્રના કેટલાક હિસ્સામાં ભારે વરસાદ પડી શકે છે. ‘

વાવાઝોડું આવવાનું કારણ

સમુદ્રમાં ગરમીના કારણે પાણી ગરમ થાય છે અને વાતાવરણમાં રહેલી હવા ગરમ થઈને ઉપર ચઢે છે. ત્યારે એક લો પ્રેશર ઉદ્દભવે છે. આ લો પ્રેશરમાં આસપાસની ઠંડી હવા ભરાઈ જાય છે. આ દરમિયાન પૃથ્વી તેની ધરીની આસપાસ ભમરડાની જેમ ફરતી હોય છે. આ હવા સીધી દિશામાં ગતિ ન કરતા ગોળ ગોળ ફરે છે. આ હવા ઘુમરા મારતી આગળ વધે છે, તેને વાવાઝોડું કહે છે. વાવાઝોડામાં મધ્ય બિંદુ હંમેશા ખાલી હોય છે. જ્યારે આ હવા ગરમ થઈને ઉપર ઉઠે છે તેમાં ભેજ પણ હોય છે. માટે વાવાઝોડું તોફાની પવન સાથે વરસાદ પણ વરસે છે. વાવાઝોડું હંમેશા દરિયા કાંઠે ઠકરાયા બાદ નબળું પડે છે, કારણ કે જમીન પર હવાનું ઉચ્ચ દબાણ હોય છે.

‘તૌકતે’ નામ કોણે આપ્યું?

દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં ઉદ્દભવનાર વાવાઝોડાનું નામ મ્યાનમાર દેશે આપ્યું છે. 19 મેના રોજ ”તૌકતે” વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકવાની સંભાવના છે. જેને લઈને દરિયાકાંઠાના વિસ્તારોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે.

‘તૌકતે’ વાવાઝોડાની તીવ્રતા કેટલી હશે?

આમ તો લૉ પ્રેશર સર્જાયા બાદ જ ‘તૌકતે’ વાવાઝોડાંની દીશા નક્કી થયા બાદ ખબર પડશે કે તેની અસર કેટલી હશે. હવામાન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા અનુમાન પ્રમાણે વાવાઝોડું ઓમાનના દરિયા તરફ અને દક્ષિણ પાકિસ્તાન તરફ આગળ વધી શકે છે.

‘તૌકતે’ વાવાઝોડું તોફાની બની શકે છે

હવામાન વિભાગે જણાવ્યું છે કે, 18-20 મેના રોજ ગુજરાતમાં વાવાઝોડું ‘તૌકતે’ તોફાની બની શકે છે. વાવાઝોડું કઇ દીશામાં આગળ વધશે તેને લઇને હજુ સ્પષ્ટતા કરાઈ નથી. લૉ પ્રેશર સર્જાયા બાદ જ જાણી શકાશે તે કરી દીશામાં આગળ વધી રહ્યું છે. ‘તૌકતે’ વાવાઝોડું કચ્છ અને સૌરાષ્ટમાં ત્રાટકી શકે છે. જેને જોતા તંત્ર દ્વારા દરિયાકાઠાંના તમામ વિસ્તારોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે.

ભારતમાં વાવાઝોડાંને સાયક્લોન જ કેમ કહેવાય છે?

ઉત્તર એટલાંટિક મહાસાગર અને ઉત્તર પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં જે વાવાઝોડું આવે તેને હરિકેન કહેવાય છે. ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવનારા વાવાઝોડાંને ટાયફૂન કહે છે. જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં આવનારા તોફાનને સાયક્લોન કહે છે. ભારતમાં આવતાં તોફાન દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાંથી આવે છે એટલે તેને સાયક્લોન જ કહે છે.

ગુજરાતના દરિયાકાંઠાના 15 જિલ્લામાં સ્થળાંતર સહિતનાં પગલાં લેવા સૂચના

ગુજરાતમાં તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને ગુરુવારે રાજ્યના રાહત કમિશનર તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા હર્ષદ પટેલ દ્વારા દરિયાકાંઠાના 15 સહિત તમામ 33 જિલ્લાના નિવાસી અધિક કલેક્ટર- આરએસી સાથે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી અને દરિયાકાંઠાના તમામ ગામોમાં કોવિડ ગાઇડલાઇનના આધારે નીચાણના ભાગોમાં વસતા લોકોનું કંઈ રીતે શિફ્ટિંગ કરવું તેમજ અન્ય કયા કયા પગલાં ભરવા તે વિશે આરએસીને સૂચનાઓ અપાઈ હતી.

હવામાન ખાતાની એડવાઇઝરી મુજબ અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક 14-15-16 તારીખો દરમિયાન લો-પ્રેશર- ડિપ્રેશન-વાવાઝોડું આકાર લે તેવી શક્યતા દર્શાવાઈ છે અને એ પ્રમાણે 18મીની આસપાસ વાવાઝોડું ગુજરાતના કાંઠા તરફ આવે તેવી સંભાવના છે, અલબત્ત, રોજેરોજ હવામાન ફેરફાર થઈ રહ્યો હોઈ વાવાઝોડું આવશે જ એવી કોઈ હજી નિશ્ચિતતા નથી અને વાવાઝોડાની દિશા, ઝડપ તથા રૂટ પણ હજી નક્કી નથી એટલે વાવાઝોડા અંગે કે વરસાદની સંભાવના અંગે કંઈ પણ કહેવું વહેલું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દરમિયાન ભારતીય હવામાન ખાતાએ તેના બુલેટિનમાં જણાવ્યું હતું કે, દક્ષિણપૂર્વ અરબી સાગરમાં ચક્રવાતની બંધાવાની પ્રક્રિયા આવતા 24 કલાકમાં લો-પ્રેશરરૂપે થવાની શક્યતા છે અને જે પૂર્વ-મધ્ય અરબી સાગરમાં 16મી મેની આસપાસ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે તેવી સંભાવના છે. આને કારણે શુક્રવારથી ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવનની અસર દેખાશે.

જખૌ દરિયામાંથી 135 બોટ કિનારે પહોંચી, 59 સવાર સુધીમાં આવશે

અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન સર્જાવાની હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીને પગલે કચ્છનું વહીવટી તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. જ્યારે ફિશરિઝ વિભાગ દ્વારા પણ માછીમારોને સાવચેતીનાં ભાગરૂપે દરિયામાંથી પરત બોલાવી લેવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં જખૌ દરિયામાં ગયેલી 194 બોટ પૈકી 135 બોટ પરત ફરી ચૂકી છે, જ્યારે બાકીની બોટ મોડી રાત્રે અથવા તો સવારનાં સમયે કિનારે આવી પહોંચશે તેવા અહેવાલો સાંપડી રહ્યા છે.

આ બાબતે વધુ માહિતી આપતાં જખૌ ફિશરિઝ વિભાગનાં મહેશ જાફડાએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી વાવાઝોડાની આગાહીને પગલે આ વિભાગ પણ હરકતમાં આવી ગયો છે. માછીમારોને દરિયામાં જવા માટે આપવામાં આવતાં ટોકન આજથી જ બંધ કરી દેવામાં આવ્યા છે, જ્યારે જે માછીમારો દરિયામાં મોજૂદ છે તેમને પરત આવવા માટે જાણ કરી દેવામાં આવી છે. જેને લઇને તમામ માછીમારો પરત આવવા માટે નીકળી પણ ગયા છે.

વધુમાં તેમણે દરિયામાં માછીમારી માટે કુલ 194 બોટને ટોકન આપ્યા હતા, તે પૈકીની અત્યાર સુધીમાં 135 બોટ પરત કિનારે આવી પણ ચૂકી છે, જ્યારે બાકીની 59 બોટ હાલે દરિયામાં 12 નોટિકલ માઇલ નજીકના વિસ્તારમાં હોઈ તે તમામને પરત ફરવાનાં મેસેજ મળી જતાં આજે મોડી રાત્રે અથવા તો સવાર સુધીમાં બાકી રહેલી તમામ બોટ પણ કિનારે આવી પહોંચશે. આગામી દિવસોમાં હવામાન વિભાગ દ્વારા આપવામાં આવનારા મેસેજને આધારે કિનારા ઉપરથી માછીમારોનું સ્થળાંતર કરવા સહિતની કામગીરી કરવામાં આવશે તેમ તેમણે અંતમાં જણાવ્યું હતું.

સંભવિત વાવાઝોડાના પગલે કચ્છમાં 7 તાલુકાનાં 123 ગામ એલર્ટ મોડ ઉપર

તા.14થી તા.20 મે દરમ્યાન સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં વાવાઝોડું આવવાની સંભાવનાને પગલે જિલ્લાનાં કાંઠાળ વિસ્તારોનાં સાત તાલુકાનાં 123 ગામ માટે રાખવાની અગમચેતી અને તૈયારીનાં ભાગરૂપે કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી, જેમાં જિલ્લાનાં લખપત, અબડાસા, માંડવી, મુન્દ્રા, અંજાર અને ગાંધીધામ તાલુકાનાં કાંઠાળ ગામોમાં કોવિડનીગાઈડલાઈન મુજબ નારાયણ સરોવરથી ભચાઉ સુધી બંદરો તેમજ માછીમારી અને અગરિયાઓ માટેની સાવચેતી બાબતે ચર્ચા કરાઈ હતી.

કલેક્ટર દ્વારા અંતિમ દસ વર્ષમાં સ્થિતિનો તાગ લઇને વાવાઝોડાને પહોંચી વળવાની તૈયારી કરવા અધિકારીઓને સૂચિત કરાયા હતા. પીજીવીસીએલ, પાણી પુરવઠા, માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સંભવિત વાવાઝોડા સામે ઇમર્જન્સીમાં કરવાની કામગીરી માટે તાકીદે તૈયાર રહેવા સૂચના આપી હતી. જ્યારે નિવાસી અધિક કલેક્ટર દ્વારા સંબંધિત સર્વે કચેરીઓ અને અધિકારીઓને તાલુકાવાર તમામ પૂર્વ તૈયારીની ચકાસણી અને વ્યવસ્થા માટે તાગ મેળવાયો હતો તેમજ અગરિયાઓ, બંદરો, મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા શહેરો, સ્ટેશનો અને સેન્ટરમાં એલર્ટ રહેવા જણાવાયું હતું. તમામ પૂર્વ તૈયારી માટે સૂચિતોની યાદી અને જવાબદારી વચ્ચે કોરોના માટે પણ તકેદારી રાખવા સૂચના આપી હતી.

આ તકે જરૂર પડે સ્થળાંતર અને આશ્રાયસ્થાનો તેમજ કોવિડ કેર સેન્ટરમાં સમાન્ય લોકો માટે, કોરોનાના શંકાસ્પદ દર્દીઓ માટે અલગ વ્યવસ્થા કરવા ભાર મુક્યો હતો. એસટી , સંદેશા વ્યવહાર, વન વિભાગ અને મત્સ્ય ઉદ્યોગ વગેરેનું તાલુકા સ્તરે પણ બેઠકનું આયોજન થાય તેવી સૂચના આપવામાં આવી હતી. રાહત કમિશનરનાં સૂચન મુજબ અસર પામે તેવા ઘણા વિસ્તારોમાં કોવિડ કેર સેન્ટરમાં કરવાની થતી પૂર્વ તૈયારીની ચકાસણી કરી એલર્ટ રહેવા જણાવ્યું હતું. આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર કુલદીપસિંહ ઝાલા, ડીડીઓ ભવ્ય વર્મા, પ્રાંત અધિકારી મનીષ ગુરવાની, ડે.કલેક્ટર કલ્પેશ કોરડિયા સહિતનાં અધિકારી હાજર રહ્યા હતા.

ભાવનગરમાં પવન સાથે ભારે વરસાદ, વાવાઝોડાની આગાહીના પગલે એલર્ટ

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને આગામી તા.16/05/2021 સુધીમાં સંભવિત વાવાઝોડાંના કારણે મહદઅંશે સૌરાષ્ટ્રમાં આપણા જિલ્લા ભાવનગરમાં ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ છે. આ પરિસ્થિતિમાં મોટા ભાગે ખેડૂતો પાક અને જાનમાલના રક્ષણ માટે ઉચિત પગલાં લેતાં જ હોય છે, તેમ છતાં તકેદારીનાં પગલા લેવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવે છે.

ખેતરમાં કાપણી કરેલ પાક અથવા ઘાસચારો ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું. તેમજ હાલ ઉભા પાકમાં શક્ય હોય તો હાલ પૂરતી કાપણીની કામગીરી મુલતવી રાખવી.

તેમજ વધુ પવનથી નુકશાન ન થાય તે માટે બાગાયતી પાકોમાં ફ્ળોને સમયસર વીણીને ટેકો આપવાની વ્યવસ્થા કરવી. તેમજ ખાસ કરીને વાવાઝોડાના સમય દરમ્યાન પાલતું પશુઓને ખુલ્લામાં વીજળીના થાભલા કે ઝાડની નીચે ન રાખતા સલામત સ્થળે રાખવાં.

આ અંગેની વધુ માહિતી આપના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક (તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(વિ.), નાયબ ખેતી નિયામક(તાલીમ) પાસેથી મળી શકશે અથવા જિલ્લા કંન્ટ્રોલ નંબર ૧૦૭૭ નો સંપર્ક કરવાથી મળી શકશે, તેમ જિલ્લા પંચાયત કચેરી, ખેતીવાડી શાખા દ્વારા જણાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો