Within 17 hours from Ahmedabad Civil, 63 bodies reached the crematorium
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • સંદેશ ન્યૂઝનો સૌથી મોટો ઘટસ્ફોટ: રાતના 12થી સવારના 5 સુધી વૉચ, રોજ 80થી 90ના અંતિમ સંસ્કાર

સંદેશ ન્યૂઝનો સૌથી મોટો ઘટસ્ફોટ: રાતના 12થી સવારના 5 સુધી વૉચ, રોજ 80થી 90ના અંતિમ સંસ્કાર

 | 12:31 pm IST
  • Share

અમદાવાદની સિવિલ હોસ્પિટલ રીતસર સ્મશાન ભૂમિ બની છે, સોમવાર રાતે ૧૨થી સાંજના પ વાગ્યા સુધી એમ ૧૭ જ કલાકમાં સિવિલના ૧૨૦૦ બેડ કોવિડ ડેડબોડી વિભાગમાંથી ૬૩ મૃતદેહો સીધા સ્મશાને પહોંચ્યા છે, આ મૃતદેહોની કોરોના પ્રોટોકોલ મુજબ શહેરના વિવિધ સ્મશાન ગૃહોમાં અંતિમ વિધિ કરાઈ છે, આમાં જૂજ કોરોના શંકાસ્પદ દર્દી છે તો મોટા ભાગના કોવિડ પોઝિટિવ દર્દી છે. ‘સંદેશ’ અખબારની ટીમે સિવિલ હોસ્પિટલની આ ગ્રાઉન્ડ રિયાલિટીનો તાગ મેળવ્યો હતો, સિવિલ સત્તાવાળા કે સરકાર મોતના સાચા આંકડા જાહેર કરતાં નથી, અલબત્ત, એક જ હોસ્પિટલના ટપોટપ મોતના આ આંકડા જ બતાવે છે કે, શહેરમાં સ્થિતિ કઈ હદે ગંભીર છે, ખાનગી હોસ્પિટલોમાં પણ દર્દીઓના મોતનો સિલસિલો યથાવત્ છે. આ તરફ રાજ્ય સરકારે સોમવારે અમદાવાદ શહેરમાં માત્ર ૨૦ દર્દીનાં મોતના આંકડા જાહેર કર્યા હતા, જોકે ગ્રાઉન્ડ રિયાલિટીના આંકડા તદ્દન જુદા છે.

સિવિલ હોસ્પિટલમાં મૃતકોના સગાઓના આક્રંદ-હૈયાફાટ રૂદનના દ્રશ્યોથી વાતાવરણ ગમગીન બન્યું છે. સગાંના મોત બાદ સિવિલ કેમ્પસમાં જ ડેડબોડી લેવામાં હવે તો સાત-આઠ કલાક સુધી રાહ જોવી પડી રહી છે, કલાકો સુધી હોસ્પિટલમાં જ મૃતદેહ પટકી રાખી હોસ્પિટલ તંત્ર પોતે જ કોવિડ ગાઈડ લાઈનનો ભંગ કરી રહ્યું છે, ખાનગી એમ્બ્યુલન્સોની મદદ લેવાયા પછીયે એમ્બ્યુલન્સો ખૂટી પડી છે, આટલી રાહ જોયા બાદ સ્મશાનોમાં પણ કલાકો સુધી રાહ જોવી પડી રહી છે, સ્મશાનોની હાલત પણ હવે દયનીય થઈ રહી છે, સિવિલમાં મૃતકોના સ્વજનોને કહેવાયું હતું કે, શહેરના તમામ સ્મશાનમાં વેઈટિંગ છે, નરોડા સ્મશાન ગૃહમાં મશીન બંધ પડયું છે, જમાલપુરમાં એક ભઠ્ઠી બંધ પડી છે, દૂધેશ્વરમાં તો સ્મશાનની ભઠ્ઠી ફાટી ગઈ છે, હાટકેશ્વર સ્મશાન ગૃહ ખાતે વહેલી સવારે સાત-આઠ કલાકનું વેઈટિંગ ચાલતું હતું.

મૃતદેહ લઈ રવાના થતી એમ્બ્યુલન્સપાંચ કલાકે પરત ફરે છે

સિવિલ હોસ્પિટલમાંથી શબવાહિની નહિ પરંતુ એમ્બ્યુલન્સ ડેડબોડી લઈને સ્મશાને પહોંચે છે, ૧૨.૩૦ વાગ્યાના અરસામાં જે એમ્બ્યુલન્સ મૃતદેહ લઈને નીકળી તે જ એમ્બ્યુલન્સ સિવિલ કેમ્પસમાં પાંચ કલાક પછી એટલે કે સવારે ૫.૩૦ વાગ્યે પરત આવી હતી, એ જ રીતે અન્ય એમ્બ્યુલન્સો પણ ચારેક કલાકમાં પરત આવતી જોવા મળી હતી, સ્મશાનમાં અંતિમ વિધિમાં વેઈટિંગને કારણે આ સ્થિતિ છે, સગાઓનો સૂર છે કે, મહામારીની કપરી હાલતમાં તંત્રે સ્મશાનમાં ભઠ્ઠીની સંખ્યા વધારવી જોઈએ, જેથી હાલાકી થોડી ક ઓછી પડે.

સરકાર ઊણી ઊતરી પરંતુ લોકોએહવે વધુ સજાગ થવાની જરૂર

કોરોના વાયરસના નવા મ્યુટન્ટમાં ગંભીર પ્રકારના દર્દીઓની સંખ્યા વધી છે, પહેલાં રાઉન્ડના કોરોનામાં ગળા-નાકમાં વાયરસ સાત દિવસ સુધી રહેતો હતો એ પછી ફેફસાં સુધી ઊતરતો, અલબત્ત, નવા ન્યુટન્ટમાં ત્રીજા દિવસે જ વાયરસ ફેફસાંમાં ઊતરી જાય છે, જેના કારણે દર્દીઓની જિંદગી વધુ જોખમમાં મુકાઈ છે, અત્યારે જે રીતે મોતનો સિલસિલો વધ્યો છે ત્યારે ગુજરાત સરકાર લોકોના જીવ બચાવવામાં ઊણી ઉતરી છે, ઈન્જેક્શન મેળવવા દર દર ભટકવું પડી રહ્યું છે, ઓક્સિજનનો સપ્લાય ખૂટી પડયો છે, છતાં સરકારી તંત્ર કાગળ પર સબ-સલામતના બણણાં ફૂંકી રહ્યું છે, એકંદરે સરકાર લોકોના જીવ બચાવવામાં ઊણી ઊતરી છે, આ સ્થિતિમાં લોકોએ હવે વધુને વધુ સજાગ થવાની જરૂર છે.

સ્વજનો માટે ભર તડકે મંડપ બાંધવા સુદ્ધાંની સંવેદનશીલતા નહિ

ગુજરાત સરકાર પોતાને સંવેદનશીલ કહે છે, જોકે સિવિલના કોવિડ ડેડબોડી વિભાગ પાસે રોજ ભરતડકે મૃતકોના સગાના કલ્પાંતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે, આગ ઝરતી ગરમીના કારણે અસંખ્ય મૃતકોના સ્વજનો રડતાં રડતાં રોજ બેભાન બની રહ્યા છે, અલબત્ત, સરકારી તાયફાઓમાં કરોડો પાણીની માફક ખર્ચ કરતી સરકાર ડેડબોડી વિભાગ આસપાસ સ્વજનો માટે મંડપ બાંધવા સુદ્ધાંની વ્યવસ્થા કરતી નથી, હોસ્પિટલના સત્તાધીશોથી માંડી સરકારી અધિકારીઓ એસી ચેમ્બરમાં બેઠા બેઠા આયોજનો કરતાં હોવાથી તેઓ ગ્રાઉન્ડ રિયાલિટીથી વાકેફ નથી.

કોવિડ ડેડબોડી વિભાગથી રોજ ૮૦-૯૦ મૃતદેહો સ્મશાને પહોંચી રહ્યા છે

સિવિલમાં કોરોના પહેલાં સામાન્ય દિવસોમાં રોજના ૧૫ જેટલાં લોકોના મોત થતાં હતા, ૨૦ દિવસ પહેલાં કોવિડના માહોલમાં કોવિડની ૧૦-૧૨ ડેડબોડી સ્મશાને જતી હતી, પણ સ્થિતિ વધુ વકરતાં છેલ્લાં પાંચેક દિવસથી હવે કોવિડ ડેડબોડી વિભાગથી ૮૦-૯૦ મૃતદેહ સ્મશાને જાય છે, તેમ ટોચના સૂત્રો કહે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન