• યુએસ રશિયાના દુ:સાહસનો આપી શકે જવાબ
  • પરમાણુ બોમ્બને લઇ બ્રિટન બન્યુ સેન્ટર
  • નાટો દેશના બંકરોમાં છુપાવ્યા ન્યુક્લિયર હથિયારો

14 વર્ષ બાદ અમેરિકા ફરી એકવાર બ્રિટનના લાકેનહેથ એરબેઝ પર પરમાણુ બોમ્બ તૈનાત કરવા જઈ રહ્યું છે. અમેરિકા આ ​​પગલું એવા સમયે ઉઠાવી રહ્યું છે જ્યારે, યુક્રેન યુદ્ધને લઈને રશિયા સાથે તણાવ ચરમ સીમા પર છે. પુતિને પોતાની પરમાણુ સેનાને એલર્ટ મોડ પર મૂકી દીધી છે. યુક્રેનમાં ભયંકર યુદ્ધની વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની પરમાણુ હુમલાની ધમકીથી ગભરાયેલા અમેરિકાએ હવે 14 વર્ષ બાદ ફરી એકવાર બ્રિટનમાં પરમાણુ બોમ્બ તૈનાત કરવાનો નિર્ણય લીધો છે.

અમેરિકાએ ફરી એકવાર બ્રિટનને યુરોપના દેશોની યાદીમાં સામેલ કર્યું છે જ્યાં, પરમાણુ બોમ્બ તૈનાત કરવામાં આવ્યા છે. રશિયાના કોઈપણ દુ:સાહસનો જડબાતોડ જવાબ આપવા માટે, અમેરિકાએ તુર્કી સહિત યુરોપના ઘણા નાટો સભ્ય દેશમાં લગભગ 100 પરમાણુ બોમ્બ બંકરોમાં છુપાવ્યા છે.

અમેરિકી સંરક્ષણ મંત્રાલયે બ્રિટનની રોયલ એરફોર્સના લાકેનહેથ એરબેઝ પર પરમાણુ બોમ્બ રાખવાનો નિર્ણય લીધો છે. પેહલા પણ અમેરિકાએ આ સ્થાન પર પરમાણુ બોમ્બ તૈનાત કર્યા હતા. જેથી તેનો ઉપયોગ F-15E ફાઈટર જેટ દ્વારા થઈ શકે. દસ્તાવેજમાં જણાવાયું છે કે, યુએસ બેલ્જિયમ, જર્મની, ઈટાલી, નેધરલેન્ડ, બ્રિટન અને તુર્કીમાં 'વિશેષ હથિયારો' (પરમાણુ હથિયારો) માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર 38 કરોડ 40 ડોલર ખર્ચ કરી રહ્યું છે.

લાકેનહેથમાં 33 અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ

ફેડરેશન ઑફ અમેરિકન સાયન્ટિસ્ટના પરમાણુ વૈજ્ઞાનિક હેન્સ ક્રિસ્ટન કહે છે કે, "વિશેષ હથિયારો" એ પરમાણુ હથિયારોના સંગ્રહની સુવિધાઓનો ઉલ્લેખ કરે છે. આ દરમિયાન યુકેના અધિકારીઓએ એક અખબાર સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી, પરંતુ એમ પણ કહ્યું હતું કે, અમે તેના વિશે કોઈ માહિતી આપીશું નહીં કારણ કે, તે એટમ બોમ્બની સુરક્ષા સાથે સંબંધિત છે. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રિટનના લાકેનહેથ વિસ્તારમાં 1990ના દાયકામાં 33 અંડરગ્રાઉન્ડ સ્ટોરેજ બનાવવામાં આવ્યા હતા.

અમેરિકાએ પેહલા અહીં પરમાણુ ગ્રેવિટી બોમ્બ છુપાવ્યા હતા. 2000 ના દાયકા સુધી, 110 B61 ગ્રેવિટી પરમાણુ બોમ્બ આ સ્થાન પર મૂકવામાં આવ્યા હોવાનું માનવામાં આવતું હતું. 2008 માં, હેન્સ ક્રિસ્ટને ખુલાસો કર્યો કે, યુએસએ તેના તમામ પરમાણુ બોમ્બ હટાવી દીધા છે. હવે 14 વર્ષ બાદ યુક્રેન યુદ્ધ વચ્ચે રશિયા સાથે વધી રહેલા તણાવને જોતા અમેરિકા ફરી એકવાર આ બેઝને પરમાણુ બોમ્બથી સજ્જ કરવા જઈ રહ્યું છે.

જો કે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે, પરમાણુ બોમ્બ આ સ્થળે પહોંચી ગયા છે કે, ભવિષ્યમાં તેને મુકવામાં આવશે. આ પરમાણુ બોમ્બ ફેંકવા માટે અમેરિકાએ ત્યાં ઘણા અત્યાધુનિક ફાઈટર જેટ મુક્યા છે.

  • Follow us on: