- વિદેશમંત્રીનું વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયને સંબોધન
- યશ યજમાનને મળે એ બરાબર,પણ G20ની સફળતા અમેરિકા વિના શક્ય ન થાત
- 10 વર્ષના સખત પરિશ્રામથી બનેલું આજનું ભારત અલગ છે
ભારત-અમેરિકા સંબંધો સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે છે અને મોદી સરકાર તેને એક અલગ સ્તરે લઈ જઈ રહી હોવાનું જણાવી કેન્દ્રીય વિદેશમંત્રી એસ. ભારપૂર્વક કહ્યું છે કે ચંદ્રયાનની જેમ ભારત-અમેરિકા સંબંધો ચંદ્ર સુધી જશે અને તેનાથી પણ આગળ વધશે. તેમણે શનિવારે અત્રે ભારતીય દૂતાવાસ દ્વારા ઇન્ડિયા હાઉસ ખાતે આયોજિત ભારતીય અમેરિકનોના અત્યાર સુધીના સૌથી મોટા ગેધરિંગ એવા 'સેલિબ્રેટિંગ કલર્સ ઑફ્ ફ્રેન્ડશિપ' કાર્યક્રમમાં અમેરિકાના વિવિધ ભાગોમાંથી ઈન્ડિયા હાઉસ ખાતે એકત્ર થયેલા ભારતીય-અમેરિકનોને સંબોધતા આમ જણાવ્યું હતું.
જયશંકરના કહેવા પ્રમાણે બધું હેમખેમ પાર પડે તેનો યશ યજમાનને મળતો હોય છે તે બરાબર છે પણ G20ની સફળતા અમેરિકાના સહકાર વિના શક્ય ન બની હોત. તેમણે તાળીઓના ગડગડાટ વચ્ચે ઉમેર્યું હતું કે G20 શાબ્દિક રીતે અમારી સફ્ળતા હોઈ શકે છે પરંતુ મને લાગે છે કે તે G20 રાષ્ટ્રોની સફ્ળતા હતી. ભારત-અમેરિકા વચ્ચે ભાગીદારીને જે સમર્થનની જરૂર છે, તે જે સમર્થનને પાત્ર છે અને જે સમર્થનની અપેક્ષા છે તે આપતા રહો. હું તમને વચન આપી શકું છું કે આ સંબંધ ચંદ્રયાનની જેમ ચંદ્ર પર અને કદાચ તેનાથી પણ આગળ જશે. ભારત-અમેરિકા વચ્ચેનો હ્યુમન બોન્ડ બંને દેશોના સંબંધોને બેજોડ બનાવે છે.










