- તાન્ઝાનિયાના સિંગિડા વિસ્તારની ઘટના
- બસ ટ્રેનના એન્જિન સાથે અથડાતા બની દુર્ઘટના
- 13 લોકોના મોત, 25થી વધુ લોકો સારવાર હેઠળ
બુધવારે વહેલી સવારે મધ્ય તાન્ઝાનિયાના સિંગિડા વિસ્તારમાં એક બસ ટ્રેનના એન્જિન સાથે અથડાતાં 13 મુસાફરોના મોત થયા હતા અને 25 ગંભીર રીતે ઘાયલ થયા હતા. સ્થાનિક પોલીસે આ માહિતી આપી હતી. સિંગદા પ્રાદેશિક પોલીસ કમાન્ડર સ્ટેલા મુતાહિબિરવાએ ભય વ્યક્ત કર્યો હતો કે મૃત્યુઆંક વધી શકે છે. તેમણે કહ્યું કે ઘાયલ થયેલા 25 મુસાફરોમાંથી મોટાભાગનાની હાલત નાજુક છે.
તેમણે કહ્યું કે અકસ્માત સમયે બસમાં 57 મુસાફરો હતા. બસ દાર એસ સલામના કોમર્શિયલ હબથી મવાન્ઝા જઈ રહી હતી. પોલીસ કમાન્ડર મુતાહિબિરવાએ જણાવ્યું કે મુસાફરોને લઈ જતી બસ આજે સ્થાનિક સમય મુજબ સવારે 5 વાગ્યે રેલવે ક્રોસિંગ પર એક એન્જિન સાથે અથડાઈ હતી. તેમણે કહ્યું, એવું લાગે છે કે બસ ડ્રાઈવર બેદરકારીથી બસ ચલાવી રહ્યો હતો અને ટ્રેનના આગમન પહેલા બસને રેલવે ક્રોસિંગમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરી રહ્યો હતો તે દરમિયાન આ દુર્ઘટના બની હતી.













