• ઈરાનમાં શરૂ થયેલો વિરોધ અન્ય દેશોમાં પણ ફેલાયો 
  • 22 વર્ષની કુર્દિશ યુવતી મહસા અમીનીનું કસ્ટડીમાં મૃત્યુ થયું
  • WhatsApp, Skype, LinkedIn અને Instagram પર પ્રતિબંધ 



ઈરાનમાં મોરલ પોલીસ કસ્ટડીમાં એક યુવતીના મોતને લઈને ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં ઓછામાં ઓછા 41 લોકોના મોત થયા છે. સાથેસાથે 60 મહિલાઓ સહિત 700થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. ઈરાનની કુખ્યાત મોરલ પોલીસ દ્વારા કથિત રીતે હિજાબ ન પહેરવા બદલ ધરપકડ કરવામાં આવ્યા બાદ 22 વર્ષની કુર્દિશ યુવતી મહસા અમીનીનું કસ્ટડીમાં મૃત્યુ થયું છે.

ઈરાની શાસને WhatsApp, Skype, LinkedIn અને Instagram જેવા કોમ્યુનિકેશન પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ કાર્યવાહીમાં સેંકડો કાર્યકરો અને પત્રકારોની પણ ધરપકડ કરવામાં આવી છે. ઈરાનના સરકારી ટેલિવિઝનએ મૃતકોની સંખ્યા 41 દર્શાવી છે. ઈરાન સરકારના જણાવ્યા અનુસાર, વિરોધીઓએ જાહેર અને ખાનગી મિલકતોને આગ લગાવી દીધી હતી.

ઈરાન હ્યુમન રાઈટ્સ નામના ઓસ્લો સ્થિત અધિકાર જૂથનો દાવો છે કે સુરક્ષા કર્મચારીઓને બાદ કરતાં આ સંખ્યા 54 છે. અધિકાર જૂથો એવો પણ દાવો કરે છે કે મોટાભાગના મૃત્યુ મઝાન્ડરન અને ગિલાન પ્રાંતમાં થયા છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયો અને ફોટામાં તેહરાન તેમજ દેશના અન્ય શહેરોમાં વિરોધીઓ સરકારના કડક કાયદાઓની નિંદા કરતા દર્શાવે છે. સોશિયલ મીડિયા પરના કેટલાક વીડિયોમાં મહિલાઓને સામૂહિક રીતે દેશના કાયદાનો વિરોધ કરતી દર્શાવવામાં આવી છે. ઈરાનમાં શરૂ થયેલો વિરોધ અન્ય દેશોમાં પણ ફેલાઈ ગયો છે. સેંકડો વિદેશી ઈરાનીઓએ વિરોધ કરનારાઓ પર સરકારની કાર્યવાહી અને તેના કડક હિજાબ કાયદાની નિંદા કરવા માટે ઘણા યુરોપિયન શહેરોમાં રેલી કાઢી હતી.


  • Follow us on: