- US એરફોર્સના બી-52 એરક્રાફ્ટને ખોટી રીતે અટકાવવાનો ચીનનો પ્રયાસ
- સમગ્ર ઘટનાને લઇ અમેરિકાએ ચીન સામે વાંધો વ્યક્ત કર્યો
- પાયલોટે સમયસર પ્લેનને કાબૂમાં લેતા દુર્ઘટના ટળી: US
અમેરિકન વિમાન સાથે ચીનનું જેટ અથડાતા પહેલા કાબૂમાં આવી ગયું હતું. USએ દાવો કર્યો છે કે, ચીને દક્ષિણ સાગરમાં નિયમિત કામગીરી કરી રહેલા US એરફોર્સના બી-52 એરક્રાફ્ટને ખોટી રીતે અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે આકાશમાં વિમાનો એકબીજા સાથે અથડાવાનો ભય હતો. અમેરિકાએ પણ આ ઘટના સામે વાંધો વ્યક્ત કર્યો હતો.
US વિમાન સાથે ચીનનું જેટ અથડાતા રહી ગયું
તમને જણાવી દઈએ કે મંગળવાર, 24 ઓક્ટોબરે મોડી રાત્રે ચીનનું એક ફાઈટર જેટ આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં દક્ષિણ ચીન સાગર પર નિયમિત ઓપરેશન કરી રહેલા યુએસ એરફોર્સના બી-52 બોમ્બર એરક્રાફ્ટની 10 ફૂટથી વધુ નજીક આવ્યું હતું. આ અંગે નારાજગી વ્યક્ત કરતા અમેરિકી સેનાના ઈન્ડો-પેસિફિક કમાન્ડે કહ્યું કે ચીનના ફાઈટર પાઈલટની આવી હરકતોને કારણે બંને જહાજો વચ્ચે ટક્કર થવાની સંભાવના વધી ગઈ છે. યુએસ ઈન્ડો-પેસિફિક કમાન્ડે તેના સત્તાવાર સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ શેર કર્યો હતો.
બેફામ બન્યું ચીન વિમાન
અમેરિકન સૈનિકો દ્વારા શેર કરાયેલા એક વીડિયોમાં ચીની જેટ અમેરિકન જેટની આગળ અને પાંખ નીચેથી પસાર થતું જોવા મળે છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, ચીની જેટના પાયલટે બંને વિમાનો વચ્ચે અથડામણનું જોખમ લીધું હતું. US ઈન્ડો-પેસિફિક કમાન્ડે કહ્યું, અમે ચિંતિત છીએ કે આ પાયલોટ અથડામણની કેટલી નજીક આવ્યો તેની જાણ ન હતી. તે સમયે દૃશ્યતા ખૂબ જ મર્યાદિત હતી અને આ કાર્યવાહી આંતરરાષ્ટ્રીય હવાઈ સુરક્ષા નિયમોની વિરુદ્ધ છે. અમેરિકાનું કહેવું છે કે જો તેમના પાયલોટે સમયસર પ્લેનને બચાવ્યું ન હોત તો મોટી દુર્ઘટના થઈ શકી હોત.









