પાડોશી દેશ એવા બાંગ્લાદેશ અત્યારે વીજળી સંકટથી ઝઝૂમી રહ્યું છે. જેથી આ દરમ્યાન અદાણી પાવરને ત્યાંની સરકારે બાકી રકમ આપવાનું શરૂ કર્યું છે. સત્તા પરિવર્તન પછી ગૌતમ અદાણીને બાંગ્લાદેશની સરકારના એડવાઈઝર મોહમ્મદ યુનુસને પત્ર લખી અદાણી પાવરની બાકી રકમ ચુકવવા હસ્તક્ષેપ કરવા જણાવ્યું હતું. બાંગ્લાદેશના વિદ્યુત વિભાગે પત્રનો જવાબ આપતા જણાવ્યું કે તેઓએ અદાણી પાવરને તેની બાકી રકમ આપવાનું શરૂ કર્યું છે. ઉપરાંત જલ્દી જ તેઓ અદાણી પાવરને પૂરું પેમેન્ટ કરશે.
બાંગ્લાદેશના વિદ્યુત વિકાસ બોર્ડે આઠ ઓગસ્ટે વચગાળાની સરકારના શપથ લેવાથી લઈ 11 સપ્ટેમ્બરની વચ્ચે અદાણી પાવરને 29.5 મિલિયન ડોલરની ચુકવણી કરી છે. અદાણીએ મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પત્ર 27 ઓગસ્ટે લખ્યો હતો. જેમાં ઝારખંડમાં અદાણીના 1,496 મેગાવોટ ગોડ્ડા વીજળી ઘરમાં નિર્મિત થતી વીજળી માટે 800 મિલિયન ડોલર બાકી રકમના પેમેન્ટને મંજૂરી આપવામાં હસ્તક્ષેપ કરવાની માગ કરી હતી.
અદાણી પાવરનું હજી પૂરું પેમેન્ટ નથી થયું
મળતી માહિતી અનુસાર, બાંગ્લાદેશના વીજળી વિભાગે જવાબમાં લખ્યું કે, હજી બાકી રકમનો થોડો હિસ્સો પેમેન્ટ કરાયો છે. કારણ કે, વિદેશી હૂંડિયામણમાં ઘટાડો આવ્યા બાદ તમામ પેમેન્ટ એક વખતમાં કરવું શક્ય નથી. ઉપરાંત તેઓએ એવું પણ કહ્યું કે, વચગાલાની સરકારે ઉઠાવેલા પગલાંને લીધે આ સમસ્યા ધીમેધીમે ઓછી થઈ રહી છે.
વળતા પત્રમાં લખવામાં આવ્યું કે અદાણી પાવરને વચગાળાની સરકાર આવ્યા પછી આશરે 60 મિલિયન ડોલરનું પેમેન્ટ કરાયું છે. ઉપરાંત પીડીપી સમય પર પેમેન્ટ કરતા રહે છે. જૂન-2024થી વિદેશી હૂંડિયામણ સંબંધિત સમસ્યાઓને લીધે આમાં મોડું થયું છે.
25 વર્ષ સુધી વીજળી આપવાની ડિલ થઈ હતી
અદાણી પાવરની ગોડ્ડામાં આવેલા પાવન પ્લાન્ટથી નિર્મિત 100 ટકા વીજળી બાંગ્લાદેશને નિકાસ કરવામાં આવે છે. આ દેશનો એક એવો પાવર પ્લાન્ટ છે જ્યાં પૂરું આઉટપુટ વિદેશ જાય છે. આ પ્લાન્ટથી જતી વીજળીના એક મહિનાનું બિલ આશરે 90 મિલિયન ડોલર કરતાં 100 મિલિયન ડોલરની વચ્ચે આવે છે.
અગાઉ બાંગ્લાદેશની પીએમ શેખ હસીના સરકાર અને અદાણી પાવરની વચ્ચે નવેમ્બર-2017માં 25 વર્ષ માટે પાવર પરચેજ એગ્રિમેન્ટ થયો હતો. આ પ્લાન્ટ બાંગ્લાદેશની 10 ટકા વીજળી પૂરી પાડે છે.