• ISRO સાથે સ્પર્ધામાં ઉતરી રશિયન સ્પેશ એજન્સી

  • 10 ઓગસ્ટે થઈ શકે છે લૂના-25 મૂન મિશન લૉન્ચ
  • ભારત-જાપાને કર્યો હતો રશિયા સાથે ભાગીદારીનો ઇન્કાર

રશિયા 47 વર્ષ પછી ચંદ્ર પર પોતાનું મૂન મિશન મોકલી રહ્યું છે. મિશનનુ નામ લૂના-25 રાખવામાં આવ્યું છે. તેનું લોન્ચિંગ 10 ઓગસ્ટ 2023ના રોજ થઈ શકે છે. તો શું રશિયન સ્પેસ એજન્સી Roscosmos ભારતની સ્પેસ એજન્સી ISRO સાથે સ્પર્ધા કરી રહી છે? યુક્રેન પર હુમલો કર્યા બાદ પ્રથમ વખત રશિયાએ પોતાનું મિશન અન્ય ગ્રહ અથવા ઉપગ્રહ પર મોકલવા માટે તૈયાર થયું છે. રશિયન આ મૂન મિશનને લુના-ગ્લોબ મિશન પણ કહેવામાં આવી રહ્યું છે.

લુના-25 પાંચ દિવસની યાત્રા કરીને ચંદ્ર પર પહોંચશે. ત્યારબાદ 5 થી 7 દિવસ સુધી તે ચંદ્રની આસપાસ ફરશે. ત્યારબાદ, તે દક્ષિણ ધ્રુવની નજીક નક્કી કરેલા ત્રણ સ્થાનોમાંથી કોઈપણ એક પર લેન્ડ કરશે. રશિયાનું મિશન પાવરફૂલ હશે તે ચોક્કસ છે. લુના-25 ચંદ્રની ધરતી પર ઓક્સિજનની શોધ કરશે. જેથી પાણી બનાવી શકાય.


જોકે, રશિયન સ્પેસ એજન્સીનુ કહેવું છે કે અમે કોઈ દેશ કે સ્પેસ એજન્સી સાથે સ્પર્ધા નથી કરી રહ્યા. અમારા લેન્ડિંગ લોકેશન પણ અલગ છે. અમે ભારત કે અન્ય કોઈ દેશના મૂન મિશન સાથે સ્પર્ધા કરીશું નહીં. ન તો અમે કોઈના રસ્તામાં આવીશું. કારણ કે ચંદ્ર કે અંતરીક્ષ દરેક માટે છે. આ મિશન 1990માં શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ તે હવે પૂર્ણ થવાનું છે.

ભારત-જાપાને રશિયા સાથે પાર્ટનરશિપનો કર્યો હતો ઇન્કાર

રશિયાએ જાપાનીઝ સ્પેસ એજન્સી સાથે પાર્ટનરશિપ કરવાનો પ્રયાસ તો કર્યો હતો પરંતુ જાપાને રાશિયાને નનૈયો ભણી દીધો હતો. ત્યારબાદ, રશિયન સ્પેસ એજન્સીએ પણ ભારતના ISROને તેના ચંદ્ર મિશનમાં મદદ કરવા માટે એપ્રોચ કર્યો હતો. પરંતુ, વાત આગળ ન વધી શકી. બાદમાં રશિયાએ પોતે જ રોબોટિક લેન્ડર બનાવવાની યોજના બનાવી.


લુના-25 વર્ષ દરમિયાન કરશે ચંદ્ર પર કામ, પાણીની કરશે શોધ

ઇસરોનુ ચંદ્રયાન-3 2 સપ્તાહ સુધી જ ચંદ્રની સપાટી પર કામ કરશે. જ્યારે લુના-25 આખા વર્ષ દરમિયાન કામ કરશે. લુના-25નું વજન 1.8 ટન છે. તેમાં 31 કિલોના વૈજ્ઞાનિક સાધનો છે. તેની પાસે એક ખાસ ઉપકરણ છે જે સપાટીના 6 ઇંચ ખોદશે અને પથ્થર અને માટીના નમૂના એકત્રિત કરશે. જેથી ચંદ્રની ધરતી પર બરફ બની ગયેલા પાણીની શોધ થઈ શકે. જેથી ભવિષ્યમાં જ્યારે મનુષ્ય ચંદ્ર પર બેઝ બનાવશે ત્યારે ત્યાં પાણીની વ્યવસ્થા કરી શકાય.

લુના-25ના લોન્ચિંગમાં થયો બે વર્ષનો વિલંબ

રશિયન સ્પેસ એજન્સી લુના-25ને 1 ઓકટોબર 2021ના રોજ લૉન્ચ કરવા માંગતુ હતું. પરંતુ, તેના લૉન્ચિંગમાં લગભગ 2 વર્ષનો વિલંબ થઈ ગયો. લુના-25ની સાથે યુરોપિયન સ્પેસ એજન્સી (ESA) પાયલોટ-ડી નેવિગેશન કેમેરાનું પરીક્ષણ કરવા ઇચ્છતા હતા. પરંતુ, યુક્રેન પર હુમલો કરવાને કારણે બંને સ્પેસ એજન્સીઓએ સંબંધો તોડી નાખ્યા હતા.


લૉન્ચ સમયે ખાલી કરાવાશે એક આખું ગામ

રશિયા તેને દૂર પૂર્વ બાજુના વોસ્ટોની કોસ્મોડ્રોમથી લોન્ચ કરશે. તેના માટે સોયૂઝ-2.1બી/ફ્રિગેટ (Soyuz-2.1b/Fregat) રોકેટનો પ્રયોગ કરશે. લુના-25 ચંદ્રયાન દક્ષિણ ધ્રુવ પાસે બોગુસ્લાવસ્કી ક્રેટર આસપાસ લેન્ડિંગ કરશે. લોન્ચિંગ સમયે નજીકના એક આખા ગામને ખાલી કરાવવામાં આવશે. ત્યાંના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે. કારણ કે રોકેટનો નીચેનો ભાગ તે સ્થળે પડી શકે છે. સ્થાનિક ખેડૂતો, શિકારીઓને પણ ચેતવણી આપવામાં આવી છે કે તેઓ લોન્ચિંગ પછી આ ગામની નજીક ન રહે.


  • Follow us on: