- ટેસ્લાના માલિકને મેટા બાદ હવે વિકિપીડિયા સાથે બગડયું
- આપણે ફોનથી કંઇ પણ લખી શકીએ છીએ તો વિકિપીડિયાને પૈસા શાના માટે જોઇએ?
- તાજેતરમાં તેમણે માર્ક ઝૂકરબર્ગની મેટાને પડકાર ફેંક્યો હતો
અબજોપતિ બિઝનેસમેન એલન મસ્ક તેમના નિવેદનોને કારણે કાયમ ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેમણે માર્ક ઝૂકરબર્ગની મેટાને પડકાર ફેંક્યો હતો, જેના પગલે માહોલ ગરમાયો હતો. હવે મસ્કને વિકિપીડિયા સાથે જામી છે. તેમણે કહ્યું કે જો વિકિપીડિયા પોતાનું નામ બદલીને ડિકિપીડિયા રાખી લે તો હું તેને એક અબજ ડોલર આપીશ. નોંધનીય છે કે ટેસ્લા અને સ્પેસ એક્સના માલિક એલન મસ્કે ગત વર્ષે ટ્વિટર ખરીદી લીધું હતું અને તેઓ ટ્વિટરમાં સતત ઘણા ફેરફાર કરતા આવ્યા છે. થોડા મહિના અગાઉ જ તેમણે ટ્વિટરનું નામ બદલીને એક્સ રાખ્યું હતું. હવે તેમણે વિકિપીડિયાને પણ પડકાર ફેંક્યો છે. તેમણે વિકિપીડિયા પોતાનું નામ બદલે તો તેને એક અબજ ડોલર આપવાની વાત એક્સ પર એક પોસ્ટ દ્વારા કરી છે. તેમાં તેમણે વિકિપીડિયાના હોમ પેજનો સ્ક્રીનશોટ શૅર કર્યો છે, જેમાં ઉલ્લેખ કરાયો હતો કે જિમી વેલ્સ તરફથી અપીલ છે કે વિકિપીડિયા વેચાણ માટે નથી. મસ્કે કહ્યું કે તમે ક્યારેય વિચાર્યું છે કે વિકિમીડિયા ફાઉન્ડેશન આટલા પૈસા કેમ ઇચ્છે છે? વિકિપીડિયાના સંચાલન માટે તેની ચોક્કસપણે કોઇ જરૂર જ નથી. મગજ ધરાવતા લોકો જાણવા માગે છે કે તમે તમારા ફોનથી કંઇ પણ લખી શકો તો પછી તમારે પૈસા શાના માટે જોઇએ? મસ્કે એક પોસ્ટમાં એમ પણ પૂછયું કે શું તેઓ વિકિપીડિયા પેજ પર એક ગાય અને એક પૂપ ઇમોજી જોડી શકે છે? દરમિયાન, એક યૂઝરે વિકિપીડિયાને નામ બદલવાની સલાહ આપતા કોમેન્ટ કરી હતી કે વિકિપીડિયાને પૈસા મળી ગયા બાદ તેણે નામ પાછું બદલીને મૂળ નામ રાખી લેવું. તેના જવાબમાં મસ્કે કહ્યું કે હું ગાંડો નથી. વિકિપીડિયાએ ઓછામાં ઓછા એક વર્ષ માટે નામ બદલવું પડશે.
મસ્કની પોસ્ટને 1.26 લાખથી વધુ લાઇક્સ મળી હતી. બ્લૂમબર્ગ બિલિયનેર ઇન્ડેક્સ મુજબ મસ્ક 204 અબજ ડોલરની નેટવર્થ સાથે વિશ્વમાં સૌથી ધનિક છે. આ વર્ષે મે મહિનામાં જિમી વેલ્સે પણ મસ્કને આડે હાથ લેતા તુર્કીમાં પ્રમુખપદની ચૂંટણીના એક દિવસ અગાઉ ટ્વિટરે રેસેપ તય્યપ એર્દોગનના ટીકાકારોને એક્સ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સેન્સર કરાયાનો આક્ષેપ કર્યો હતો. નોંધનીય છે કે તુર્કીમાં વિકિપીડિયા બે વર્ષ અગાઉ બૅન કરી દેવાયું હતું.










