- ભારતના 70 સૈનિકો અને બે એરક્રાફ્ટ માલદીવમાં તૈનાત છે
- માલદીવમાં કોઈ ભારતીય સશસ્ત્ર સૈનિક તૈનાત જ નથી : અબ્દુલ્લા શાહિદ
- વિવાદને કારણે ભારત-માલદીવ વચ્ચેના સંબંધોમાં તંગદિલી પ્રવર્તી
માલદીવના પૂર્વ વિદેશપ્રધાન અબ્દુલ્લા શાહિદે શનિવારે પ્રમુખ મોહમ્મદ મુઇજ્જૂ પર નિશાન સાધતાં કહ્યું કે પ્રમુખે ભારતીય સૈનિકોને મુદ્દે જે દાવો કર્યો છે તે આ મુદ્દે તેમના દ્વારા આચરવામાં આવતા જુઠ્ઠાણાની એક વધુ કડી છે. પૂર્વ વિદેશપ્રધાને દાવો કર્યો કે માલદીવમાં કોઈ ભારતીય સશસ્ત્ર સૈનિક તૈનાત જ નથી.
સોશિયલ મીડિયા પરની પોસ્ટમાં અબ્દુલ્લા શાહિદે જણાવ્યું હતું કે,'શાસનના 100 દિવસ થઈ ગયા છે અને પ્રમુખ મુઇજ્જૂ દાવા કરી રહ્યા છે કે હજારો હથિયારબંધ સૈનિકો માલદીવમાં તૈનાત છે. તેમના દ્વારા બોલાતા જુઠ્ઠાણાની આ એક વધુ કડી છે. વર્તમાન સરકારે તૈનાત હથિયારબંધ સૈનિકોની સંખ્યા પણ જણાવી નથી. સચ્ચાઈ બધા સામે આવવી જોઈએ.' ઉલ્લેખનીય છે કે માલદીવમાં અંદાજે ભારતના 70 સૈનિકો માલદીવમાં તૈનાત છે. આ ઉપરાંત ભારતનું એક ડોર્નિયર મેરિટાઇમ પેટ્રોલ એરક્રાફ્ટ અને બે એચએએલ ધ્રુવ હેલિકોપ્ટર પણ માલદીવમાં તૈનાત છે.










