• બીજા પતિથી છૂટાછેડા લેવા કોર્ટમાં અરજી દાખલ

  • મૈકેંઝીએ વર્ષ 2019માં બેજોસ સાથે છૂટાછેડા લઈ બીજા લગ્ન કર્યા હતા
  • બેજોસ સાથે છૂટાછેડા પછી સ્કોટ 12 અબજ ડોલરનું દાન કરી ચૂક્યા છે

એમેઝોનના સ્થાપક અને વિશ્વના ટોચના ધનપતિઓની યાદીમાં સામેલ જેફ બેજોસના પૂર્વ પત્ની મૈકેંઝી સ્કોટ હવે તેમના બીજા પતિ સાથે પણ છૂટાછેડા લેવા માંગે છે. વર્ષ 2019માં બેજોસથી છૂટાછેડા લીધા પછી તેમણે વિજ્ઞાન શિક્ષક ડેન જેવેટ સાથે લગ્ન કર્યા હતા. હવે મૈકેંઝીએ તેમના બીજા પતિ સાથે છૂટાછેડા માટે કોર્ટમાં અરજી કરી દીધી છે. વોશિંગ્ટન કિંગ કન્ટ્રી કોર્ટમાં અરજી ફાઇલ કર્યા પછી સ્કોટે કહ્યું કે તેમના લગ્ન કરારને રદ કરવામાં આવે. સ્કોટ અને તેમના પતિએ કોર્ટમાં સંપત્તિના ભાગલા પાડવાના દસ્તાવેજો પણ રજૂ કર્યા છે. તે દસ્તાવેજ સ્પષ્ટ કહે છે કે બન્ને પાસે એક કોન્ટ્રાક્ટ પહેલેથી છે કે જેમાં રીઅલ એસ્ટેટ સહિતની વ્યક્તગત મિલકતોના કઈ રીતે ભાગ પાડવા તે પણ નક્કી છે. મૈકેંઝીએ અરજીમાં કહ્યું છે કે તેને છૂટાછેડા પછી પતિ પાસેથી કોઈ મદદ નથી જોઈતી.મૈકેંઝી સ્કોટે એક વર્ષ પહેલાં જ ડેન જેવેટ સાથે લગ્ન કર્યા હતા. લગ્ન પહેલાં ડેન એક ખાનગી શાળામાં વિજ્ઞાન શિક્ષક હતા. જોકે લગ્ન પછી તેમણે નોકરી છોડી દીધી હતી. તેમણે કહ્યું કે સ્કોટ સાથે લગ્ન કર્યા પછી સાથી શિક્ષકો સાથે સારો અહેસાસ નહોતા કરી રહ્યા.

સ્કોટની કુલ સંપત્તિ 29 અબજ ડોલરની છે. સ્કોટ તેમના ચેરિટી કાર્ય માટે ઓળખ ધરાવે છે. તેમણે કહ્યું હતું કે તેમની મોટાભાગની સંપત્તિ ચેરિટીકાર્યમાં ખર્ચ થશે. સ્કોટે પોતાના બ્લોગ, વેબસાઇટ અને ઓનલાઇન સામગ્રી પરથી જેવેટનું નામ દૂર કરી દીધું છે. સ્કોટે એમેઝોન પર ઉપલબ્ધ તેમના પુસ્તકમાં રહેલા તેમના જીવન અંગેની વિગતોમાંથી પણ ડેન જ્વેટનું નામ કમી કરી દીધું છે.

સખાવતી કાર્યોએ જ સ્કોટને તેમની ઓળખ આપી છે

સ્કોટે જ્યારે બેજોસ સાથે છૂટાછેડા લીધા ત્યારે તેમની સંપત્તિ 36 અબજ ડોલરની હતી. એમેઝોનમાં તેઓ 4 ટકા શેર પણ ધરાવતા હતા. પરંતુ બેજોસ સાથે છૂટાછેડા પછી તેમની સંપત્તિ ઝડપથી ઘટવા લાગી હતી. કહેવાય છે કે બેજોસ સાથે છૂટાછેડા પછી સ્કોટ 12 અબજ ડોલરનું દાન કરી ચૂક્યા છે. સ્કોટે કેલિફોર્નિયા કોમ્યુનિટી ફાઉન્ડેશનને બેવર્લી હિલ્સ ખાતે આવેલી 5.5 કરોડ ડોલરની હવેલી દાનમાં આપી છે. પોતાની ચેરિટી પ્રવૃત્તિને કારણે સ્કોટ જાણીતા છે.


  • Follow us on: