- દ્વિપક્ષી સંબંધો વધુ મજબૂત બનાવવા બંને નેતાઓ સાથે મળીને કામ કરવા પ્રયાસરત
- રાષ્ટ્રપ્રમુખ બાઇડેન ભારત જાય તેવી શક્યતા
- વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ બંને વચ્ચે ઘણી વખત વાતચીત થઇ
ઇન્ડોનેશિયામાં 15-16 નવેમ્બરે યોજાનારી જી-20 શિખર બેઠક પૂર્વે અમેરિકાએ ભારત અંગે બહુ મોટી વાત કરી છે. બંને દેશ વચ્ચે દ્વિપક્ષી મંત્રણા પૂર્વે અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેન વચ્ચે ઘણા ઉપયોગી અને વ્યવહારુ સંબંધો છે. અમેરિકાના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જેક સુલિવાને વ્હાઇટ હાઉસમાં પત્રકારોને સંબોધતા જણાવ્યું કે રાષ્ટ્રપ્રમુખ જો બાઇડેને કાર્યભાર સંભાળ્યા બાદ શરૂમાં જ વડાપ્રધાન મોદી વ્હાઇટ હાઉસ આવી ચૂક્યા છે. બંને એકબીજાને વ્યક્તિગત રીતે પણ ઘણી વખત મળી ચૂક્યા છે. ફોન અને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ બંને વચ્ચે ઘણી વખત વાતચીત થઇ છે.
તેમણે ઉમેર્યું કે ભારત-અમેરિકા વચ્ચેના સંબંધોને મજબૂત કરવા માટે બંને નેતાઓ ઘણા મહત્ત્વપૂર્ણ મુદ્દા પર સમાન હિત ધરાવે છે અને સાથે મળીને કામ કરવા પ્રયાસરત છે. આ બધી જ બાબતો ધ્યાનમાં લેતાં એમ કહી શકાય કે બંને નેતાઓ વચ્ચે ઘણા ફળદાયી અને વ્યવહારુ સંબંધો છે. રાષ્ટ્રપ્રમુખ બાઇડેન આ વખતની G-20 શિખર બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વલણ જાણવા ઉત્સુક છે, કેમ કે આવતા વર્ષે ભારત જી-20 શિખર બેઠકનું અધ્યક્ષપદ સંભાળવાનું છે અને ત્યારે રાષ્ટ્રપ્રમુખ બાઇડેન ભારત જાય તેવી શક્યતા છે.










