સોમવાર એક મોટું પગલું ભરતા, અમેરિકાએ ભારતમાં ચાલતી ટ્રાવેલ એજન્સીઓના માલિકો, અધિકારીઓ અને વરિષ્ઠ મેનેજમેન્ટ પર વિઝા પ્રતિબંધની જાહેરાત કરી છે. આ પ્રતિબંધ અમેરિકામાં ગેરકાયદેસર ઇમિગ્રેશન અને માનવ તસ્કરીને પ્રોત્સાહન આપવામાં સંડોવાયેલા વ્યક્તિઓ પર લાગુ થશે. યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "અમારી ઇમિગ્રેશન નીતિનો ધ્યેય ફક્ત સંભવિત ઇમિગ્રન્ટ્સને જોખમો વિશે એલર્ટ આપવાનો નથી, પરંતુ આ ગેરકાયદેસર પ્રક્રિયાને પ્રાયોજિત અને સંચાલિત કરતા નેટવર્કને તોડી પાડવાનો પણ છે."
ભારતમાં યુએસ દૂતાવાસ અને કોન્સ્યુલેટમાં તૈનાત કોન્સ્યુલર અને ડિપ્લોમેટિક સિક્યુરિટી સર્વિસ અધિકારીઓ લાંબા સમયથી ગેરકાયદેસર ઇમિગ્રેશન અને માનવ તસ્કરી પ્રવૃત્તિઓ પર નજર રાખી રહ્યા છે.તેમની દેખરેખ હેઠળ, હવે એ સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત સ્થિત કેટલીક ટ્રાવેલ એજન્સીઓ ખોટા દસ્તાવેજો, ગેરકાયદેસર સલાહ અને વિઝા છેતરપિંડી દ્વારા જાણી જોઈને યુનાઇટેડ સ્ટેટ્સમાં ગેરકાયદેસર સ્થળાંતરને પ્રોત્સાહન આપી રહી હતી.













