- દિલ્હીના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું નથી
- ભારત સરકાર અમેરિકાની ટિપ્પણીની કેવી પ્રતિક્રિયા આપે છે
- કેજરીવાલ અગાઉ નાગરિકતા સંશોધન કાનૂન એટલે કે સીએએને લઇને પણ નિવેદન આપ્યું
દિલ્હીની શરાબ નીતિના કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ગત ગુરુવારે પકડવામાં આવ્યા હતા તેના પર હવે અમેરિકાએ પણ ટિપ્પણી કરી છે. મંગળવારે આ મુદ્દે નિવેદન આપતાં અમેરિકાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે અમે નિષ્પક્ષ, સમયબદ્ધ અને પારદર્શી કાનૂની પ્રક્રિયા માટે ભારતની સરકારને પ્રોત્સાહિત કરીએ છીએ. નોંધનીય છે કે અમેરિકાએ અરવિંદ કેજરીવાલ અગાઉ નાગરિકતા સંશોધન કાનૂન એટલે કે સીએએને લઇને પણ નિવેદન આપ્યું હતું. ન્યૂઝ એજન્સી દ્વારા પૂછવામાં આવેલા સવાલના જવાબમાં અમેરિકન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઉપરોક્ત ટિપ્પણી કરી હતી અને ઉમેર્યું હતું કે અરવિંદ કેજરીવાલની ધરપકડ પર અમે બારીક નજર રાખી રહ્યા છીએ. નોંધનીય છે કે આ અગાઉ જર્મનીની સરકારે પણ કેજરીવાલની ધરપકડના મામલે ટિપ્પણી કરી હતી, જેનો ભારતે સણસણતો જવાબ આપ્યો હતો. ત્યારે હવે જોવાનું રહેશે કે ભારત સરકાર અમેરિકાની ટિપ્પણીની કેવી પ્રતિક્રિયા આપે છે.
સતત પૂછપરછનો સામનો કરી રહ્યા હોવા છતાં પણ તેમણે દિલ્હીના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યું નથી અને જેલમાંથી જ સરકાર ચલાવી રહ્યા છે. ભારતે જર્મનીના ભારત ખાતેના ડેપ્યુટી રાજદૂતને રૂબરૂ બોલાવી કડક શબ્દોમાં જર્મનીની દરમિયાનગીરીને વખોડી કાઢી હતી. ત્યારે જર્મનીએ અરવિંદ કેજરીવાલ માટે જણાવ્યું હતું કે તેઓ આરોપોનો સામનો કરી રહેલાં અન્ય કોઇપણ ભારતીય નાગરિકની માફક નિષ્પક્ષ સુનાવણીના હકદાર હતા. નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ સાત દિવસની કસ્ટડીમાં છે










