-
સાઉદી અરેબિયા-UAE સાથે અમેરિકાના સંબંધો બગડી રહ્યા છે
-
રશિયા સાથે ગલ્ફ દેશોની નિકટતા વધી રહી છે
-
રાષ્ટ્રપતિ બાઇડેનના શાસન દરમિયાન સંબંધો બગડ્યા
એ વાતને હજુ વધુ સમય નથી થયો કે જ્યારે અમેરિકા મધ્ય પૂર્વમાં એક મોટી શક્તિ હતું. તેમના નેતૃત્વમાં તમામ ખાડી દેશો એકત્ર થતા હતા પરંતુ હવે સ્થિતિ સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. ઈરાન 1979ની ઈસ્લામિક ક્રાંતિ બાદથી અમેરિકા વિરુદ્ધ હતું, પણ હવે સાઉદી અને UAE પણ અમેરિકન શાસનને પડકારી રહ્યાં છે. હાલત તો એવી છે કે સાઉદી અરેબિયા અને UAEના નેતાઓ અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડેનનો ફોન પણ ઉપાડી રહ્યા નથી.
અમેરિકન રાષ્ટ્રપતિ સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને યુએઈના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન સાથે તેલની કિંમતો અંગે વાત કરવા માંગતા હતા, પરંતુ બંને દેશોના રાષ્ટ્રાધ્યક્ષો તેમની સાથે વાત કરવા રાજી થયા નથી. જોકે, અમેરિકાની અગાઉની ટ્રમ્પ સરકાર દરમિયાન આવું નહોતું. ડોનાલ્ડ ટ્રમ્પ અને આ તેલ ઉત્પાદક દેશો વચ્ચે ખૂબ સારા સંબંધો હતા.
રશિયા-યૂક્રેન યુદ્ધના કારણે વૈશ્વિક બજારમાં તેલની કિંમતો વધી છે, જેની અસર વિશ્વના તમામ દેશો પર પડી રહી છે. અમેરિકાએ ઈંધણ તેલના મુખ્ય ઉત્પાદક રશિયા પર આકરા પ્રતિબંધો લગાવ્યા છે, જેના વખાણ થઈ રહ્યા છે પરંતુ આમ કરવાથી તેને નુકસાન પણ થયું છે. અમેરિકા બે મોટા તેલ ઉત્પાદક દેશો સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાતને તેલ ઉત્પાદન વધારવા માટે કહી રહ્યું છે, પરંતુ બંને દેશો અમેરિકાની અવગણના કરી રહ્યા છે. બંને દેશોના વડાઓએ અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે વાત કરવાનો પણ ઈન્કાર કરી દીધો છે. તો બીજી તરફ રશિયાના રાષ્ટ્રપતિ સાથે તેમની વાતચીત સતત ચાલુ છે.

બંને દેશો પાસેથી શું ઈચ્છે છે બાઇડેન?
બાઇડેન સરકાર ઇચ્છે છે કે રશિયા પર મહત્તમ આર્થિક દબાણ લાવવા માટે UAE અને સાઉદી અરેબિયા તાત્કાલિક તેમના તેલ ઉત્પાદનમાં વધારો કરે. અમેરિકામાં નવેમ્બરમાં મધ્યસત્ર ચૂંટણી થવાની છે. જો બાઇડેનની ડેમોક્રેટિક પાર્ટી અમેરિકન સંસદ કોંગ્રેસ પર પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માંગે છે. આવી સ્થિતિમાં તે કોઈપણ સંજોગોમાં તેલની કિંમતો વધવા દેવા માંગતા નથી.
પરંતુ મધ્ય પૂર્વની બંને મોટી તેલ શક્તિઓ બાઇડેનની આ ઈચ્છા પૂર્ણ કરવામાં અવરોધ બની રહી છે. બાઇડેન સરકાર વારંવાર UAE અને સાઉદી અરેબિયાને તેલ ઉત્પાદન વધારવાનો આગ્રહ કરી રહી છે, જેને અત્યાર સુધી ટળતું રહ્યું છે.
જોકે, બુધવારે UAEએ અમેરિકાને આશ્વાસન આપ્યું હતું કે તે ઓર્ગેનાઈઝેશન ઓફ ઓઈલ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OPEC)ને તેલ ઉત્પાદન વધારવા માટે વિનંતી કરશે. અમેરિકામાં યુએઈના રાજદૂત યુસેફ અલ-ઓતૈબાએ ગયા બુધવારે જણાવ્યું હતું કે યુએઈ ઉત્પાદનમાં વધારો કરવાનું સમર્થન કરે છે. તેમણે કહ્યું હતું કે UAE ઓપેક દેશોને તેલ ઉત્પાદન વધારવા માટે વિચારણા કરવા કહેશે, જેના કારણે બીજા દિવસે તેલના ભાવમાં 13 ટકાનો ઘટાડો થશે.

UAE તરફથી આ આશ્વાસન મળવા છતાં, તેલનો પુરવઠો વધારવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને અઠવાડિયાના અંત સુધીમાં, પ્રતિ બેરલ તેલની કિંમત લગભગ 130 ડોલર (લગભગ 10 હજાર રૂપિયા) થઈ ગઈ હતી. તેલના ભાવમાં વધારો અમેરિકા માટે ચિંતાનો મોટો વિષય છે.
અમેરિકા અને સાઉદી-યુએઈ વચ્ચે કઈ વાતને લઈને વધ્યો ગતિરોધ?
ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને સત્તા સંભાળી ત્યારથી સાઉદી અરેબિયાના અમેરિકા સાથેના સંબંધો સારા રહ્યા નથી. ટ્રમ્પ સરકાર દરમિયાન વસ્તુઓ થોડી સારી હતી, પરંતુ જો બાઇડેનના આગમન સાથે, સાઉદી-અમેરિકા સંબંધો નીચલા સ્તરે છે. બાઇડેન સરકારે સાઉદી પત્રકાર જમાલ ખાશોગીની હત્યામાં સાઉદી સરકારની કથિત સંડોવણી, યમન યુદ્ધ, માનવાધિકાર કાર્યકરોને જેલમાં ધકેલી દેવા વગેરે જેવા કારણોસર સાઉદી સરકારથી દૂરી બનાવીને રાખી છે.
તે જ સમયે, યુએઈ સાથે અમેરિકાના સંબંધો સારા નથી ચાલી રહ્યા. યુએઈએ યૂક્રેન પર રશિયન હુમલાની નિંદા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં મતદાનથી પોતાને દૂર કરી દીધું. UAEના આ નિર્ણયે અમેરિકાને ચોંકાવી દીધું.

યુએઈ-સાઉદી અરેબિયા અને અમેરિકા વચ્ચે બાઇડેન સરકાર દ્વારા ઈરાન સમર્થિત હુથી બળવાખોરોને વૈશ્વિક આતંકવાદી યાદીમાંથી દૂર કરવાના સંબંધમાં પણ મડાગાંઠ છે.
સાઉદી અને યુએઈ ઈચ્છે તો જલ્દી ઘટી શકે તેલના ભાવ
યુએઈ સ્થિત કન્સલ્ટન્સી કમર એનર્જીના સીઈઓ રોબિન મિલ્સે જણાવ્યું હતું કે તેલનું ઉત્પાદન વધારીને તેલના ભાવમાં ઘટાડો કરવો એ એક સીધી પ્રક્રિયા છે, પરંતુ રાજકારણે તેને મુશ્કેલ બનાવી દીધું છે. UAE અને સાઉદી બંને ઓપેકના સૌથી મોટા સભ્યોમાં સામેલ છે.
તેમણે કહ્યું, ‘તેઓ એક મહિનામાં પુરવઠો વધારી શકે છે અને 90 દિવસમાં સંપૂર્ણ ક્ષમતા સુધી પહોંચી શકે છે. પરંતુ તમામ દેશોએ પોતપોતાની રીતે હંમેશા ઓપેક કરારો સાથે છેતરપિંડી કરી છે. તેલ ઉત્પાદન ચોક્કસપણે ઝડપથી વધારી શકાય છે.’










