• ભારતીય પર ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ
  • કથિત હત્યાના કાવતરામાં નિખિલ ગુપ્તા નામના ભારતીય સામે કાર્યવાહી
  • ષડયંત્ર ભારતમાંથી ઘડવામાં આવ્યું હોવાનો અમેરિકન વકીલોનો દાવો 

અમેરિકાએ એક ભારતીય નાગરિક પર ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો છે. પન્નુનું નામ લીધા વિના, USA એ દાવો કર્યો છે કે તેણે એક અમેરિકન નાગરિકની હત્યાના કથિત કાવતરાને નિષ્ફળ બનાવ્યો છે જે શીખ અલગતાવાદી રાજ્યની તરફેણ કરી રહ્યા હતા.

મળતી માહિતી મુજબ, અમેરિકાએ જે ભારતીય નાગરિક પર ખાલિસ્તાની આતંકવાદીની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ મૂક્યો છે તેનું નામ નિખિલ ગુપ્તા છે. આરોપમાં દાવો કરવામાં આવ્યો છે કે નિખિલ ગુપ્તાને આ કામ ભારત સરકારના એક કર્મચારી દ્વારા કરવા માટે કહેવામાં આવ્યું હતું. નિખિલ પર હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ છે. અમેરિકન વકીલોનું કહેવું છે કે આ ષડયંત્ર ભારતમાંથી ઘડવામાં આવ્યું હતું.

અમેરિકાએ ખાલિસ્તાની આતંકવાદીનું નામ ગુપ્ત રાખ્યું

અમેરિકાની એક કોર્ટમાં રજૂ કરવામાં ડોક્યુમેન્ટ્સમાં આ કથિત ષડયંત્રનો શિકાર થનાર ખાલિસ્તાની આતંકીનું નામ નથી જણાવવામાં આવ્યું. જો કે આશંકા છે કે તેનું નામ ગુરપતવંત સિંહ પન્નુ છે જે કેનેડા અને અમેરિકાની બેવડી નાગરિકતા ધરાવે છે. ભારત સરકારે અગાઉ કહ્યું હતું કે તેણે કાવતરા અંગે યુએસ સુરક્ષા ચિંતાઓની તપાસ શરૂ કરી છે. આરોપ જાહેર થયા પછી તરત જ, વ્હાઇટ હાઉસે કહ્યું કે તેણે આ મુદ્દો વરિષ્ઠ સ્તરે ભારત સરકાર સાથે ઉઠાવ્યો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ભારતીય અધિકારીઓએ આશ્ચર્ય અને ચિંતા સાથે જવાબ આપ્યો.

અમેરિકન એટર્નીએ ઓકયું ઝેર

યુએસ એટર્ની ડેમિયન વિલિયમ્સે જણાવ્યું હતું કે, "પ્રતિવાદીઓએ અહીં ન્યૂયોર્ક સિટીમાં ભારતના એક ભારતીય-અમેરિકન નાગરિકની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું, જેણે જાહેરમાં શીખો માટે સાર્વભૌમ રાજ્યની સ્થાપનાની હિમાયત કરી હતી." તેમણે કહ્યું કે અમે અમેરિકન ભૂમિ પર અમેરિકન નાગરિકોની હત્યાના પ્રયાસોને સહન નહીં કરીએ.

કેનેડાએ પણ લગાવ્યા હતા આરોપ

અમેરિકા પહેલા કેનેડાએ પણ ભારત પર ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. હરદીપ સિંહ નિજ્જરની સરે કાઉન્ટીમાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાકાંડના મહિનાઓ બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ સંસદમાં ભારત પર આ હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. ભારતે ટ્રુડોના આરોપોને ફગાવીને તીખી પ્રતિક્રિયા આપી હતી. બંને દેશોએ એક-એક રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા. બાદમાં ભારતે કેનેડા માટે વિઝા સેવા પણ બંધ કરી દીધી હતી અને ઘણા કેનેડિયન રાજદ્વારીઓને ભારતમાંથી હાંકી કાઢ્યા હતા.


  • Follow us on: