- ફાઇવ આઇઝના સૂત્રોને ટાંકીને અહેવાલ
- કેનેડા દ્વારા આંતરવામાં આવેલા કોમ્યુનિકેશન્સ વધુ નિર્ણાયક
- જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું
કેનેડામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંઘ નિજ્જરની હત્યા પછી અમેરિકાએ કેનેડાને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી પરંતુ કેનેડા દ્વારા આંતરવામાં આવેલા કોમ્યુનિકેશન્સ વધુ નિર્ણાયક હતા અને તેના આધારે કેનેડાએ ભારત પર નિજ્જરની હત્યાનું કાવતરું ઘડયાનો આરોપ મૂક્યો હતો, તેમ ધ ન્યૂયોર્ક ટાઇમ્સે સૂત્રોને ટાંકીને જણાવ્યું છે. આ રિપોર્ટ શનિવારે આવ્યો હતો. બીજી તરફ કેનેડામાં ટોચના અમેરિકી રાજદ્વારીએ પુષ્ટિ કરી હતી કે ફાઇવ આઇઝ પાર્ટનર્સમાં શૅર કરાયેલી ગુપ્ત માહિતીના આધારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ નિજ્જરની હત્યા માટે ભારતને જવાબદાર ગણાવ્યું હતું.
ન્યૂયોર્ક ટાઇમ્સે ફાઇવ આઇઝના અજ્ઞાત સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે નિજ્જરની હત્યા બાદ અમેરિકી ગુપ્તચર એજન્સીઓએ કેનેડાની ગુપ્તચર એજન્સીઓને કેટલીક એવી માહિતી પૂરી પાડી હતી કે જેના આધારે કેનેડા નિજ્જરની હત્યામાં ભારતની સંડોવણી હોવાના નિષ્કર્ષ પર આવ્યું હતું. જોકે નિજ્જરની હત્યાના કાવતરામાં ભારતની સંડોવણી સૂચવતી કેનેડા સ્થિત ભારતીય રાજદ્વારીઓની વાતચીત આંતરવા સહિતના કેટલાક પુરાવા કેનેડાના અધિકારીઓએ એકત્ર કર્યા હતા.










