• ઈઝરાયેલને અમેરિકાની મદદ
  • રાષ્ટ્રપતિ બાઈડેને આપ્યો સાથ
  • હમાસના નાશ માટે આપી નાણાકીય મદદ

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને હમાસના આતંકવાદીઓનો નાશ કરવા માટે ઈઝરાયેલને સૌથી મોટી સંરક્ષણ સહાય આપવાની જાહેરાત કરી છે. આ માટે 14.5 અબજ રૂપિયાની મંજૂરી આપવામાં આવી છે. રૂપિયાની દ્રષ્ટિએ આ રકમ 1.20 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. આ રકમ પાકિસ્તાનના કુલ સંરક્ષણ બજેટ કરતાં બમણી છે

મહત્વનું છે કે હાલના દિવસોમાં અમેરિકા જ એક એવો દેશ છે જે ઈઝરાયેલની સાથે મજબૂતીથી ઉભો રહ્યો છે. અમેરિકા અને તેના સાથી યુરોપીય અને પશ્ચિમી દેશોના મજબૂત ટેકાથી આજે ઈઝરાયેલ હમાસનો ગાઝામાં કચ્ચરઘાણ બોલાવી રહ્યું છે. આ બધાની વચ્ચે એક એવી મહત્વની જાણકારી સામે આવી છે. જે ચોંકાવનારી છે. અમેરિકાએ ઈઝરાયેલને હમાસના ખાત્મા માટે મોટી સહાય આપવાનું નક્કી કર્યું છે. આ સહાયનું કુલ મૂલ્ય પાડોશી દેશ પાકિસ્તાનના કુલ સંરક્ષણ બજેટ કરતા ડબલ છે. જે હકીકતે એક ચોંકાવનારી બાબત છે.

હમાસના આતંકવાદીઓને ખતમ કરવા માટે અમેરિકાએ પોતાની આખી તિજોરી ઈઝરાયેલ માટે ખોલી દીધી છે. આનાથી ઈઝરાયેલના વિરોધમાં રહેલા મુસ્લિમ દેશોમાં ખળભળાટ મચી ગયો છે. અમેરિકાએ હમાસ વિરૂદ્ધ યુદ્ધ લડી રહેલા ઈઝરાયેલ માટે પાકિસ્તાનના કુલ રક્ષા બજેટ કરતાં બમણાથી વધુ રકમ આપવાની જાહેરાત કરી છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સે ગુરુવારે હમાસ સાથે યુદ્ધમાં રહેલા ઇઝરાયેલને 14.5 બિલિયન ડોલરની સૈન્ય સહાય પૂરી પાડવાની મંજૂરી આપી હતી. જ્યારે પાકિસ્તાનનું કુલ સંરક્ષણ બજેટ માત્ર 6.36 અબજ ડોલર છે.

મહત્વનું છે કે હાલના સમયમાં ઈઝરાયેલ અને હમાસની વચ્ચે ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે જેમાં બંને પક્ષે થઈને કુલ 10 હજારથી પણ વધુ નાગરિકોના મોત થયા છે. 7 ઓક્ટોબરે હમાસે કરેલા ભીષણ હુમલાનો બદલો લેવા ઈઝરાયેલ ગાઝામાં આક્રમક કાર્યવાહી કરી રહ્યું છે. જેને યુદ્ધવિરામ કરાવીને રોકવા માટે અન્ય દેશો ભારે દબાણ કરી રહ્યા છે, જો કે અમેરિકાએ ઈઝરાયેલને મજબૂત ટેકો આપ્યો છે અને ઈઝરાયેલ પણ જ્યાં સુધી હમાસને ખતમ નહીં કરે ત્યાં સુધી યુદ્ધ પૂર્ણ નહીં થાય તેવું નિવેદન આપ્યું છે.

  • Follow us on: