• ટ્રમ્પે ભલે બાઇડેનને ડિબેટ માટે પડકાર્યા હોય

  • ટ્રમ્પ પોતે રિપબ્લિકન પાર્ટીના ડિબેટમાં ભાગ નથી લીધો
  • પ્રમુખપદ માટે યોજાનારી ચૂંટણીમાં જો બાઇડેનનો મુકાબલો ટ્રમ્પ સાથે

સુપર ટયૂઝ ડે અર્થાત પાંચ માર્ચના રોજ પ્રાઇમરી ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડેને લગભગ ક્લીન સ્વીપ કરતાં જીત મેળવી છે. રિપબ્લિકન પાર્ટીમાં ટ્રમ્પને પડકાર આપી રહેલાં ઉમેદવાર નિક્કી હેલીએ પણ બુધવારે સુપર ટયૂઝ ડેના પરિણામો આવ્યા પછી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી લીધી છે. હવે નવેમ્બરમાં અમેરિકી પ્રમુખપદ માટે યોજાનારી ચૂંટણીમાં જો બાઇડેનનો મુકાબલો ટ્રમ્પ સાથે થશે તે લગભગ નક્કી છે.

બાઇડેન સાથે પોતાનો મુકાબલો નક્કી જોતાં ડોનાલ્ડ ટ્રમ્પે પણ બાઇડેનને ડિબેટ માટે પડકાર ફેંકી દીધો છે. ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર પોસ્ટ શેર કરતાં લખ્યું છે કે, 'આપણા દેશ અને લોકો માટે સારું રહેશે કે હું અને જો બાઇડેન અમેરિકાને સ્પર્શતા મહત્વના મુદ્દા અંગે ડિબેટ કરીએ. હું કોઇપણ સ્થાને, તેઓ ઇચ્છે ત્યારે ડિબેટ કરવા તૈયાર છું.' ટ્રમ્પે ડિબેટ માટે બાઇડેનને ભલે પડકાર ફેંક્યો હોય, પરંતુ ટ્રમ્પ પોતે આવા પડકાર ઝીલીને હજી કોઇ ડિબેટમાં સામેલ નથી થયા. રિપબ્લિકન નિક્કી હેલીએ ટ્રમ્પને ડિબેટ માટે પડકાર ફેંક્યો હતો, પરંતુ ટ્રમ્પ ડિબેટમાં નહોતા જોડાયા. આ વર્ષે નવેમ્બરમાં યોજાનારી પ્રમુખપદની ચૂંટણી તે વર્ષ 2020માં યોજાયેલી ચૂંટણીનું પુનરાવર્તન જ બની રહેવાની સંભાવના છે. વર્ષ 2020માં પણ ટ્રમ્પ અને બાઇડેન વચ્ચે ચૂંટણી જંગ લડાયો હતો અને રસાકસીથી ભરેલા રહેલા મુકાબલામાં બાઇડેને ટ્રમ્પને પરાજય આપ્યો હતો. આ વખતની અમેરિકી પ્રમુખપદની ચૂંટણીમાં અર્થવ્યવસ્થા, ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ, વિદેશનીતિ, જળવાયુ પરિવર્તન અને લોકશાહી તે મુખ્ય મુદ્દા છે.


  • Follow us on: