અમેરિકા બાંગ્લાદેશને 202.25 મિલિયન US ડોલર (લગભગ 17 અબજ રૂપિયા)ની સહાય આપશે. તેનો ઉદ્દેશ્ય વિકાસને આગળ વધારવા, યુવાનોને સશક્ત બનાવવા, લોકશાહીને મજબૂત બનાવવા, આરોગ્યમાં સુધારો કરવા અને દક્ષિણ એશિયાના લોકો માટે વ્યાપાર અને આર્થિક તકોનો વિસ્તાર કરવાનો છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી.
DOAG છઠ્ઠા સંશોધન પર હસ્તાક્ષર કર્યા
બાંગ્લાદેશના નાણા મંત્રાલય દ્વારા જારી કરાયેલ પ્રેસ રીલીઝ મુજબ ઈકોનોમિક રિલેશન ડિવિઝનના અધિક સચિવ એકેએમ શહાબુદ્દીન અને USAIDના મિશન ડાયરેક્ટર રીડ જે. એસ્ક્લિમેને સંબધિત સરકારોઓ વતી ઢાકામાં 'ધ ડેવલપમેન્ટ ઓબ્જેક્ટિવ ગ્રાન્ટ એગ્રીમેન્ટ (DOAG)'ના છઠ્ઠા સંશોધન પર હસ્તાક્ષર કર્યા છે.
954 મિલિયન ડોલર માટે પ્રતિબદ્ધ અમેરિકા
મીડિયા અહેવાલો અનુસાર આ કરાર હેઠળ USAID બાંગ્લાદેશને તેના સુશાસન, સામાજિક, માનવતાવાદી અને આર્થિક તકોના ત્રણ ક્ષેત્રો માટે 202.25 મિલિયન યુએસ ડોલરનું અનુદાન પ્રદાન કરશે. 27 સપ્ટેમ્બર 2021ના રોજ બાંગ્લાદેશ અને USAID વચ્ચે 2021-2026 સમયગાળા માટે નવા DOAG પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. DOAGનો અમલ કરીને USAID કુલ 954 મિલિયન યુએસ ડોલરનું યોગદાન આપવા માટે પ્રતિબદ્ધ છે. મીડિયા અહેવાલ અનુસાર 5મા સુધારા સુધી USAID બાંગ્લાદેશને 425 મિલિયન યુએસ ડોલર પ્રદાન કરી ચૂક્યું છે.
યુનુસે અમેરિકાના પ્રતિનિધિમંડળ સાથે કરી મુલાકાત
રવિવારે બાંગ્લાદેશની વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસે અમેરિકાના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત કરી અને બાંગ્લાદેશના પુનઃનિર્માણ, મહત્વપૂર્ણ સુધારા પૂર્ણ કરવા અને ચોરાયેલી સંપત્તિઓને પરત લાવવા માટે અમેરિકા પાસે સમર્થન માંગ્યું છે.
વચગાળાની સરકારના પડકારો વિશે માહિતી આપી
તેમણે વચગાળાની સરકાર જે પડકારોનો સામનો કરી રહી છે તે અંગે જણાવ્યું અને કહ્યું કે, તેમનું વહીવટી તંત્ર અર્થતંત્રને 'રીસેટ, રિફોર્મ અને રિસ્ટાર્ટ' કરવા માટે ઝડપથી આગળ વધશે, નાણાકીય ક્ષેત્રોમાં સુધારાની શરૂઆત કરશે અને ન્યાયતંત્ર અને પોલીસ જેવી સંસ્થાઓમાં સુધારો કરશે.