- પાકિસ્તાનમાં 9 મેના વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોની ધરપકડથી વાકેફ: અમેરિકા
- ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશભરમાં વ્યાપક વિરોધ થયો
- અમેરિકાએ પાક.ને લોકતાંત્રિક સિદ્ધાંતો અને કાયદાના શાસનનું સન્માન કરવા વિનંતી કરી
અમેરિકાએ મંગળવારે (13 જૂન) કહ્યું હતું કે તે પાકિસ્તાનમાં 9 મેના વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકોની ધરપકડથી વાકેફ છે. તમને જણાવી દઈએ કે ઈમરાન ખાનની ધરપકડ બાદ દેશભરમાં વ્યાપક વિરોધ થયો હતો. ત્યાર બાદ આ વિરોધમાં સામેલ હજારો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
અહેવાલ અનુસાર, આ સમગ્ર ઘટના પર હવે અમેરિકી સરકારે કહ્યું છે કે તેઓ એવા લોકો વિશે પણ જાણે છે જેમની સામે આર્મી કોર્ટમાં કેસ ચાલ્યો હતો. સાથે જ અમરિકાએ વધુમાં કહ્યું હતું કે, પાકિસ્તાની સત્તાવાળાઓને લોકતાંત્રિક સિદ્ધાંતો અને બધા માટે કાયદાના શાસનનું સન્માન કરવા વિનંતી કરી હતી.પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન દરમિયાન રાજકારણીઓ સહિત 5,000 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
હિસા સામે તાત્કાલિક કાર્યવાહી
અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું હતું કે અમે એવા નાગરિકોને લગતા અહેવાલોથી વાકેફ છીએ જેઓ લશ્કરી અજમાયશનો સામનો કરશે. 9 મેના રોજ વિરોધ કરનારાઓને શંકાસ્પદ માનવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે અમે પાકિસ્તાની સત્તાવાળાઓ સાથે માનવ અધિકાર, લોકશાહી, સુરક્ષા અને પત્રકારોની સુરક્ષા અંગે ઉચ્ચ સ્તરે ચર્ચા કરીએ છીએ. આ અમારી પ્રાથમિકતા છે.
અહેવાલ મુજબ, 12 જૂને પાકિસ્તાન નેશનલ એસેમ્બલીએ 9 મેના રમખાણો વિરુદ્ધ આર્મી એક્ટ હેઠળ તાત્કાલિક કાર્યવાહી કરવાની જાહેરાત કરતો ઠરાવ પસાર કર્યો હતો. આ પ્રસ્તાવ પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે રજૂ કર્યો હતો. તેમણે માંગ કરી હતી કે 9 મેની ઘટનાના દોષિતો પર માનવ અધિકારોનું સન્માન કરતા આર્મી એક્ટ હેઠળ કાર્યવાહી થવી જોઈએ.
આર્મી એક્ટ હેઠળ આરોપો દાખલ કરવામાં આવશે
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કહ્યું છે કે મેઈન્ટેનન્સ ઓફ પબ્લિક ઓર્ડર (MPO)ની કલમ 16 હેઠળ જે કેસની સુનાવણી થશે તેને યોગ્ય રીતે હાથ ધરવામાં આવશે. આ સિવાય જે લોકોએ ફાઈટર જેટને નિશાન બનાવ્યું અને બાલા હિસાર કિલ્લા પર હુમલો કર્યો હતો. તેમની સામે આર્મી એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવશે.
9 મેના રોજ પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફના અધ્યક્ષ ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં અલ કાદિર ટ્રસ્ટ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. તેની ધરપકડ બાદ, પાકિસ્તાનમાં વિરોધ ફાટી નીકળ્યો હતો અને પાકિસ્તાનમાં લાહોર કોર્પ્સ કમાન્ડરના નિવાસસ્થાન અને રાજ્ય મિલકતો સહિત લશ્કરી સ્થાપનોને નુકસાન થયું હતું.