- ભારત અને કેનેડાએ સંયુક્ત રીતે તપાસ કરવી જોઈએ:એન્ટની બ્લિંક
- અમે ભારત સરકારને કેનેડા સાથે કામ કરવા વિનંતી કરી છે
- નિજ્જર હત્યા કેસમાં જવાબદાર લોકો જવાબદાર ઠરાવવા જોઈએ
ભારત અને કેનેડા વચ્ચેના તણાવને લઈને અમેરિકાનું નિવેદન સામે આવ્યું છે. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કહ્યું છે કે ભારત અને કેનેડાએ સંયુક્ત રીતે તપાસ કરવી જોઈએ. તેમણે કહ્યું હતું કે અમે ભારત સરકાર સાથે વાત કરી છે અને તેમને તપાસમાં કેનેડા સાથે કામ કરવા વિનંતી કરી છે.
એન્ટની બ્લિંકને કહ્યું હતુ કે, મને વિદેશ મંત્રી ડો. એસ. જયશંકર સાથે મળવાનો મોકો મળ્યો હતો. મેં પુનરોચ્ચાર કર્યો હતો કે નિજ્જર હત્યા કેસમાં જવાબદાર લોકો જવાબદાર ઠરાવવા જોઈએ. અમને આશા છે કે કેનેડા અને ભારત આ મામલાને ઉકેલવા માટે સાથે મળીને કામ કરશે. જ્યારે અમેરિકામાં ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું હતું કે કેનેડામાં ભારતીય રાજદ્વારીઓને ધમકી આપવામાં આવી રહી છે.
અમેરિકા આ આરોપોને લઈને ખૂબ જ ચિંતિત
અહેવાલ મુજબ બ્લિંકને પત્રકારોને જણાવ્યું હતું કે તેમને આશા છે કે કેનેડા અને ભારત દ્વારા આ મુદ્દો ઉકેલવામાં આવશે. કેનેડાના વડા પ્રધાન ટ્રુડો દ્વારા કરવામાં આવેલા આક્ષેપોથી અમે ખૂબ જ ચિંતિત છીએ. અમે આ અંગે કેનેડાના નજીકના સંપર્કમાં છીએ અને અમે ભારત સરકાર સાથે પણ ચર્ચા કરી છે. અમે કેનેડાને અમારી સાથે તપાસમાં કામ કરવા વિનંતી કરી છે. કેનેડા અને ભારત બંને અમારા મિત્રો છે.
S જયશંકરે કેનેડા વિશે શું કહ્યું?
અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન સાથેની મુલાકાત દરમિયાન એસ જયશંકરે કહ્યું હતું કે કેનેડા અલગતાવાદ, હિંસા અને આતંકવાદનું કોકટેલ છે. કેનેડા ભારતીય ગુનેગારોનો અડ્ડો બની ગયું છે. આ સિવાય ભારતીય રાજદ્વારીઓને ધમકીઓ આપવામાં આવી રહી છે. અમે કેનેડા પાસેથી નિજ્જરની હત્યા સાથે સંબંધિત પુરાવા માંગ્યા છે અને અમે પુરાવાની રાહ જોઈ રહ્યા છીએ. જો કે કેનેડા દ્વારા કરવામાં આવેલા તમામ આરોપો પાયાવિહોણા છે અને કેનેડા ખાલિસ્તાની આતંકવાદીઓને આશ્રય આપી રહ્યું છે.
કેનેડાના વડાપ્રધાનનો આરોપ
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને ખાલિસ્તાની અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીનો આક્ષેપ કર્યો હતો. ત્યાર બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો હતો. જોકે, ભારતે આ આરોપોને વાહિયાત અને પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા અને આ બાબતે ઓટાવામાં ભારતીય અધિકારીની હકાલપટ્ટીના બદલામાં એક વરિષ્ઠ કેનેડિયન રાજદ્વારીને હાંકી કાઢ્યા હતા.