- હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈઝરાયલ સામે ઈરાનનો ગુસ્સો ચરમસીમા પર
- મિડલ ઈસ્ટમાં ગાઈડેડ મિસાઈલ સબમરીન તૈનાત કરવા નિર્દેશ અમેરિકાના રક્ષામંત્રીનો નિર્દેશ
- ઓસ્ટિને ઈઝરાયલની સુરક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરાવર્તન કર્યું
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ થઈ શકે છે. હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈઝરાયલ પર હુમલો કરવા ઈરાન બેચેન છે. ઈઝરાયલ પર ચારે તરફથી હુમલાનો ખતરો તોળાઈ રહ્યો છે. એક તરફ ઈરાન અને બીજી તરફ હિઝબુલ્લાહ. બન્ને સાથે મળીને ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. આ કારણે અમેરિકાએ હવે પોતાના મિત્ર ઈઝરાયલને બચાવવા માટે એક મોટું પગલું ભર્યું છે.
મિડલ ઈસ્ટમાં ઇઝરાયલના દુશ્મનોને એક સંદેશ
ઈઝરાયલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકાએ પોતાની મિસાઈલ સબમરીનને મિડલ ઈસ્ટમાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. એવું માનવામાં આવે છે કે આ મિડલ ઈસ્ટમાં ઇઝરાયલના દુશ્મનોને એક સંદેશ છે કે ઇઝરાયલ એકલું નથી. તેમની સાથે વિશ્વની મહાસત્તા અમેરિકા ઉભું છે.
અમેરિકાની ગાઈડેડ મિસાઈલ સબમરીનને મિડલ ઈસ્ટમાં તૈનાત
રવિવારે પેન્ટાગને એક મોટી જાહેરાત કરી હતી. અમેરિકાના રક્ષામંત્રી લોયડ ઓસ્ટિનએ નિર્દેશ જાહેર કર્યો છે કે, ગાઈડેડ મિસાઈલ સબમરીનને મિડલ ઈસ્ટમાં તૈનાત કરવામાં આવે. અમેરિકાની આર્મીની સોશિયલ મીડિયા પોસ્ટ અનુસાર પરમાણુ સંચાલિત સબમરીન યુએસએસ જ્યોર્જિયા પહેલાથી જ જુલાઈમાં ભૂમધ્ય સમુદ્રમાં તૈનાત હતી. એવામાં સબમરીનની તૈનાતીની જાહેર જાહેરાત કરવી એ પોતાનામાં એક મોટી વાત છે અને આવું ભાગ્યે જ બને છે. ઉલ્લેખનીય છેકે, હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયા અને હિઝબુલ્લાહના ફુઆદ શુક્રની હત્યા બાદ આ વિસ્તારમાં ભારે તણાવ છે. માનવામાં આવી રહ્યું છે કે, અમેરિકાએ તેને ધ્યાનમાં રાખીને આ પગલું ભર્યું છે.
અમેરિકા તેના મિત્રને સાથ આપશે
મીડિયા અહેવાલો અનુસાર ઈઝરાયલના રક્ષામંત્રી સાથે વાતચીત બાદ ઓસ્ટિને આ પગલું ભર્યું છે. ઓસ્ટિને અમેરિકાના અબ્રાહમ લિંકન સ્ટ્રાઈક ગ્રુપને આ વિસ્તારમાં વહેલી તકે પહોંચવાનો આદેશ આપ્યો છે. પેન્ટાગનના નિવેદન અનુસાર, સેક્રેટરી ઓસ્ટિને ઈઝરાયલની સુરક્ષા માટે અમેરિકાની પ્રતિબદ્ધતાનો પુનરાવર્તન કર્યું છે. સાથે-સાથે પ્રાદેશિક તણાવ વધતાને કારણે સમગ્ર મધ્ય પૂર્વમાં અમેરિકી લશ્કરી દળોની તૈનાતી અને ક્ષમતા વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.
અમેરિકા અન્ય યોજના પણ બનાવી રહી છે
અમેરિકાએ માત્ર મધ્ય પૂર્વમાં સબમરીન તૈનાત કરવાનો આદેશ આપ્યો નથી. પરંતુ અમેરિકા મિડલ ઈસ્ટમાં તેના ફાઇટર જેટ અને નૌકાદળના યુદ્ધ જહાજોને તૈનાત કરવાની પણ યોજના બનાવી રહ્યું છે. આ બધાનો હેતુ ઈઝરાયલની સુરક્ષાને વધુ મજબૂત કરવાનો છે. અમેરિકાનું આ પગલું એટલા માટે પણ મહત્વનું છે કારણ કે, ઈરાન અને હિઝબુલ્લાહ સહિત ઘણા દેશો ઈઝરાયલ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે. ઈઝરાયલ સામે ઈરાનનો ગુસ્સો ચરમસીમા પર છે. કારણ કે તેહરાનમાં હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા કરી દેવામાં આવી હતી. ઈરાને આ માટે ઈઝરાયલને જવાબદાર ગણાવ્યું છે, જોકે ઈઝરાયેલે હજુ સુધી સ્વીકાર્યું નથી.
મોટા યુદ્ધ તરફ મિડલ ઈસ્ટ
31 જુલાઈએ તેહરાનમાં ઈરાન સમર્થિત હમાસ ચીફ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ આ વિસ્તારમાં તણાવ વધી ગયો છે. આ હુમલા બાદ ઈરાને ઈઝરાયલને ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી છે. ઇઝરાયલનો ગાઝામાં હમાસ સાથે સંઘર્ષ ચાલી રહ્યો છે. સ્થિતિ ત્યારે વધુ ખરાબ થઈ ગઈ જ્યારે બેરૂતમાં ઈઝરાયેલના હુમલામાં હિઝબુલ્લાહના એક વરિષ્ઠ સૈન્ય કમાન્ડર ફુઆદ શુક્રની મોત થઈ ગઈ હતી. એવી આશંકા છે કે ગાઝા સંઘર્ષ મોટા મધ્ય પૂર્વ યુદ્ધમાં ફેરવાઈ શકે છે.