- છેલ્લા કેટલાક દિવસમો હૂતી વિદ્રોહીઓના હુમલાની ઘણી ઘટનાઓ સામે આવી છે
- લાલ સમુદ્ર યુરોપને એશિયા અને પૂર્વ આફ્રિકા સાથે જોડતો મહત્વપૂર્ણ જળમાર્ગ
- ઈઝરાયલ અને ઈરાનના કારણે મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ બની છે
અમેરિકાએ છેલ્લા 24 કલાકમાં લાલ સમુદ્રમાં ઈરાન સમર્થિત બે હૂતી જહાજોને નષ્ટ કરી દીધા છે. આ અંગે માહિતી આપતા સેન્ટકોમે જણાવ્યું હતું કે, આ જહાજો અમેરિકા અને વિસ્તારમાં વેપારી જહાજો માટે ખતરો બની શકતા હતા. હૂતી વિદ્રોહીઓએ કહ્યું છે કે, તેઓ ગાઝામાં ઈઝરાયલ સામે લડી રહેલા ફિલિસ્તીનિઓના સમર્થનમાં લાલ સમુદ્ર અને અરબી સમુદ્રમાં માલવાહક જહાજો પર હુમલો કરવાનું ચાલુ રાખશે. લાલ સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોમાં હૂતી વિદ્રોહીઓ દ્વારા કરવામાં આવેલ હુમલાની ઘણા ઘટનાઓ સામે આવી છે.
મિડલ ઈસ્ટમાં ઈઝરાયલ અને ઈરાનના કારણે તણાવ વધ્યો
આ લેટેસ્ટ ઘટનાક્રમ એટલા માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે મિડલ ઈસ્ટમાં પહેલાથી જ ઈઝરાયલ અને ઈરાનના કારણે તણાવ વધી ગયો છે. અમેરિકાએ પણ ઈઝરાયલના સમર્થનમાં પોતાના યુદ્ધ જહાજો મોકલ્યા છે. ઈરાન સતત ધમકી આપી રહ્યું છે કે, તે ટૂંક સમયમાં ઈઝરાયલ પર હુમલો કરી શકે છે. યમનના મોટા ભાગ પર હૂતી વિદ્રોહીઓનું નિયંત્રણ છે. લાલ સમુદ્ર યુરોપને એશિયા અને પૂર્વ આફ્રિકા સાથે જોડતો સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગ છે.
જાણો કોણ છે હૂતી વિદ્રોહી
હૂતી સંગઠનના પ્રમુખ અબ્દુલ મલિક અલ-હૂતી બતાવવામાં આવે છે. તેમાં પાસે હજારો લડવૈયાઓ છે. આ સિવાય આ વિદ્રોહી સંગઠન પાસે સશસ્ત્ર ડ્રોન અને બેલેસ્ટિક મિસાઈલોનો વિશાળ શસ્ત્રાગાર પણ છે. જાન્યુઆરી 2022માં હૂતી વિદ્રોહીઓએ અમેરિકાના મુખ્ય સહયોગી સાઉદી અરબની જેમ સંયુક્ત અરબ અમીરાત પર મિસાઇલ હુમલો કર્યો હતો. યમનની રાજધાની સનાને હૂતીઓનો ગઢ માનવામાં આવે છે.
હૂતી સંઘર્ષની શરૂઆત
હૂતી સંગઠનની શરૂઆત ઝાયદી શિયાઓના હિતોનું માટે શરૂ કરવામાં આવ્યું હતું જેઓ લઘુમતી સંપ્રદાય છે. જેણે 1962 સુધી યમનમાં 1,000 વર્ષના સામ્રાજ્ય પર શાસન કર્યું. પરંતુ અલી અબ્દુલ્લા સાલેહના 1990-2012ના શાસન દરમિયાન તેના પર ખતરો વધી ગયો હતો. હૂતી વિદ્રોહિઓને ઈરાનનું સમર્થન છે, જેણે 2021માં યમનની સાઉદી સમર્થિત આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત સરકારને દેશનિકાલ કરવા માટે મજબૂર કરી હતી.
ઈઝરાયલની સતત કાર્યવાહીથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ
બીજી તરફ ઈરાનમાં હમાસ ચીફની હત્યા અને લેબનાનમાં હિઝબુલ્લાહ વિરુદ્ધ ઈઝરાયલની સતત કાર્યવાહીથી મિડલ ઈસ્ટમાં સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. ઈરાન સતત ઈઝરાયલ પર હુમલો કરવાની ધમકી આપી રહ્યું છે. જ્યારે ઈઝરાયલ પણ પોતાના દુશ્મનોને મારી રહ્યું છે. આ ક્ષેત્રમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ પર સમગ્ર વિશ્વ નજર રાખી રહ્યું છે. આ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બિડેનનું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેણે કહ્યું છે ,કે જો ગાઝામાં યુદ્ધવિરામનો કરાર થાય છે તો ઈરાન ઈઝરાયલ વિરુદ્ધ હુમલા રોકવા પર વિચાર કરી શકે છે.