પાડોશી દેશ પાકિસ્તાન પહેલા આતંકવાદના મૂળિયા હોવાનું ગર્વ લેતું હતું અને હવે પ્રદૂષણને લઈ વિશ્વમાં તેની ચર્ચા છે. પાકિસ્તાનના શહેરોમાં સતત વધતું પ્રદૂષણથી સ્થિતિ ખરાબ છે. પાકિસ્તાનના સાંસ્કૃતિક શહેર ગણાતા લાહોરને વિશ્વનું સૌથી પ્રદૂષિતણ શહેર જાહેર કરવામાં આવ્યું છે. લાહોર શહેરનો પ્રદૂષણનો આંકડો 394 ઉપર પહોંચી ગયો છે. જે ખૂબ ખરાબ માનવામાં આવે છે. સતત વધતા પ્રદૂષણને લઈ પાકિસ્તાનની પંજાબ સરકારે ઘુમ્મસની અસર ઓછી કરવા કૃત્રિમ વરસાદની યોજના બનાવી છે.
લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે
ઉલ્લેખનીય છે કે, ખેતી પાકની પરાળને સતત બાળવા અને ફેક્ટરીઓમાંથી નીકળતા ધૂમાડાને કારણે વાયુ પ્રદૂષણની સમસ્યા વધી રહી છે. લાહોરમાં ખતરનાક પ્રદૂષણને કારણે અહીંના લોકોને અનેક પ્રકારની બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અહીંના લોકો ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ, આંખમાં બળતરા અને સ્કિન ઈન્ફેક્શન જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
કૃત્રિમ વરસાદ કરવામાં આવશે
સતત વધી રહેલા પ્રદૂષણને જોતા પાકિસ્તાનના પંજાબના સૂચના મંત્રી આઝમા બુખારીએ પ્રેસ કોન્ફરન્સ કરી. તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, 'ગઈકાલે લાહોરને વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર જાહેર કરવામાં આવ્યું હતું. અમે આ સમસ્યાના ઉકેલ માટે અનેક પહેલ કરી છે અને હવે અમે શહેરમાં કૃત્રિમ વરસાદનું આયોજન કરી રહ્યા છીએ.
ખાસ ટીમ બનાવવામાં આવી
પાકિસ્તાનના મરિયમ નવાઝની પંજાબ સરકારે પણ એક એન્ટી સ્મોગ ટીમ બનાવી છે, જે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે. આ ટીમો ખેડૂતોને ખેતીના પાકની પરાળ બાળવાના જોખમો વિશે માહિતગાર કરશે. આ ઉપરાંત, અમે સુપર સીડરના ઉપયોગને પ્રોત્સાહન આપવા માટે જાગૃતિ લાવીશું અને પાકના પરાળના નિકાલ માટેની વૈકલ્પિક પદ્ધતિઓ વિશે માહિતી આપીશું.
પાકિસ્તાનના મંત્રીએ ખેડૂતોને કરી અપીલ
પ્રદૂષણ અંગે પંજાબના પર્યાવરણ મંત્રી મરિયમ ઔરંગઝેબે કહ્યું કે, 'ધુમ્મસને પહોંચી વળવા માટે લેવામાં આવેલા પગલાંની સકારાત્મક અસર આઠથી 10 વર્ષમાં દેખાશે. પ્રાંતમાં અભ્યાસક્રમમાં પર્યાવરણ સુરક્ષાને વિષય તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે ખેડૂતોને પાકના પરાળ બાળવાથી બચવા અપીલ કરી હતી. તેમણે કહ્યું કે આમ કરવાથી માત્ર પાકને જ નુકસાન થતું નથી પરંતુ તેમના બાળકોનાં આરોય પર પણ અસર થાય છે.
AQI 395 પર પહોંચ્યો
ઉલ્લેખનીય છે કે, વિશ્વના સૌથી પ્રદૂષિત શહેર લાહોરમાં AQI સ્તર 395 પર પહોંચી ગયું છે. AQI એ હવામાં વિવિધ પ્રદૂષકોની સાંદ્રતાનું માપ છે. શૂન્ય અને 50ની વચ્ચે AQI 'સારું' છે, 51 અને 100ની વચ્ચે 'સંતોષકારક' છે, 101 અને 200ની વચ્ચે 'મધ્યમ' છે, 301 અને 400ની વચ્ચે 'ખૂબ જ ખરાબ' છે 401 અને 500ને 'ગંભીર' ગણવામાં આવે છે.










