બાંગ્લાદેશમાં લઘુમતીઓની સ્થિતિ દિવસે દિવસે વધુ ખરાબ થતી રહી છે. પહેલા હિન્દુઓ અને હિન્દુ મંદિરો પર હુમલા કરવામાં આવ્યા અને હવે ઈસાઈઓ પર હુમલા કરાઈ રહ્યા છે. ક્રિસમસની રાત્રે કેટલાક અજાણ્યા તોફાની તત્ત્વો દ્વારા ત્રિપુરા સમુદાયનાં 17 ઘરને આગ ચાંપવામાં આવી હતી અને મકાનો સળગાવી દેવામાં આવ્યા હતા.
આ ઘટના બંદરબન જિલ્લામાં થઈ હતી. કેટલાક ઈસાઈઓ તેમનાં ગામમાં ચર્ચ ન હોવાથી બીજે ગામ ક્રિસમસ મનાવવા ગયા ત્યારે તેમનાં ઘર ફૂંકી મારવામાં આવ્યા હતા. ત્રિપુરા સમુદાયનાં 19માંથી 17 ઘર આગમાં ખાખ થઈ ગયા છે. એક પીડિત ઈસાઈ ગંગમની ત્રિપુરાએ કહ્યું હતું કે, ક્રિસમસ અમારા માટે આનંદનો દિવસ હતો પણ ક્રિસમસના દિવસે અમે ઘરવિહોણા થઈ જઈશું તેવી કલ્પના ન હતી. અમે દોષિતોને આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માગણી કરીએ છીએ.










